સરકારે વડોદરા શહેરની સલામતી માટે 9 ટુકડી મોકલી

ગુજરાત સરકારે વડોદરાની સહિત રાજ્યની વરસાદની સમીક્ષા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી. વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમના ઉપરવાસ હાલોલ, કાલોલ, પાવાગઢમાં 5 ઇંચથી વધુ વરસાદ એકીસાથે થવાને કારણે તે પાણી આજવા ડેમમાં આવ્યું છે. ડેમ ઓવરફલો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે. હાલ વિશ્વામિત્રીની જળસપાટી ૩૪.પ ફિટ છે.  આના પરિણામે આજવાનું ઓવરફલો પાણી, વિશ્વામિત્રીનું પાણી વડોદરા શહેરમાં ભરાવાથી હાલની આ પાણી ભરાઇ જવાની સ્થિતી સર્જાઇ છે.

નીચાણવાળા વિસ્તારના અંદાજે 8૦૦૦ લોકોને સલામત સ્થળે તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે, અને 1 લાખ  ફૂડપેકેટસ તંત્રએ પહોંચાડ્યા છે.

વિજપુરવઠો બંધ

વડોદરામાં ૩૦૪ વીજ ફિડરમાંથી ૪૭ વીજ ફિડરોમાં વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરંટથી કે અન્ય કોઇ રીતે નાગરિકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યા છે. વડોદરાના ઈંદ્રપુરી, સરદાર એસ્ટેટ, કારેલી બાગ, માંડવી પાણીગેટ, દાંડિયા બજાર, રાવપુરા ટાવર, હરિનગર (ગોત્રી) અને સમા વિસ્તારમાં અસર પહોંચી છે. આના પરિણામે વીજ પુરવઠાને અસર પહોંચી છે. વરસાદી પાણી ઓસરતા વીજ ફિડરો પૂર્વવત કરી દેવાશે અને વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે. વડોદરાના સૌ નગરજનોને આ સ્થિતિ ધ્યાને લઇ સ્થાનિક તંત્રને સહકાર આપવા મુખ્ય પ્રધાનએ અપીલ કરી છે.

એનડીઆરએફની 9 ટીમ

વડોદરામાં બચાવ રાહત કામગીરી માટે NDRF, આર્મી, SDRF સુરત-વડોદરાની ફાયર ટીમ તૈનાત છે. પ્રધાન પ્રધાન કાર્યાલયની મદદથી વડોદરામાં વરસાદી સ્થિતિમાં બચાવ રાહત કામો માટે એન.ડી.આર.એફ.ની  વધારે 5 ટીમ પૂનાથી એર લિફ્ટ કરીને પહોંચડવામાં આવી રહી છે. અત્યારે વડોદરામાં એન.ડી.આર.એફ.ની-૪ ટીમ વડોદરામાં તંત્રના મદદ કરી રહી છે. ઉપરાંત એસ.ડી.આર.એફ.ની-૪, આર્મીની-૨ તેમજ એસ.આર.પી.ની-૨ કંપની  તેમજ પોલીસ અને સુરત-વડોદરાની ફાયર ટીમ પણ બચાવ રાહત કામોમાં લાગી છે. એરફોર્સ અને ડિફેન્સ ટીમ દ્વારા પણ પૂરતી મદદ સ્થાનિક તંત્રને મળી રહી છે. ગુરૂવારે બપોર બાદ વડોદરા હવાઇ મથકની પટ્ટી કાર્યરત થાય એ માટે કામગીરી હાથ ધરાઇ છે.

શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ  મુકેશ પૂરી અને ઊર્જાના અગ્ર સચિવ  પંકજ જોશી વડોદરા પહોચી કામગીરીમાં આદેશો આપી રહ્યાં છે. વરસાદ બંધ થતાં ડિવોટરીંગ પમ્પ મોટી સંખ્યામાં કામે લગાડીને પાણી ઉલેચવાની કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચનાઓ આપી છે. આ હેતુસર ડિવોટરીંગ પમ્પની પૂરતી વ્યવસ્થાઓ પણ ગોઠવાઇ રહી છે.

સમિક્ષા બેઠકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી નિર્ણયો લીધા હતા.