સરખેજમાં એટીએમનો સેફ ડોર કાપીને તસ્કર રૂ.9.39 લાખ રોકડા ચોરી ગયા

અમદાવાદ, તા.16

સરખેજ-ધોળકા ચારરસ્તા સર્કલ પર હિમાલયા કોમ્પ્લેક્સમાં આવેલા એસબીઆઈના એટીએમનો સેફ ડોર કટર વડે કાપી તસ્કરે રોકડ રૂ.9.39 લાખની ચોરી કરી છે. એટીએમ સેન્ટરની બહાર લાગેલા બે સીસીટીવી કેમેરા છેલ્લા દોઢેક મહિનાથી બંધ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્યારે એટીએમની અંદર લાગેલા કેમેરાનો તસ્કરે પહેલેથી જ વાયર કાપી નાખતા પોલીસને આરોપી કેટલા હતા અને ક્યારે કેવી રીતે ચોરી કરી તેની કોઈ માહિતી હાથ ન લાગતાં સરખેજ પોલીસ માટે ગુનાનો ભેદ ઉકેલવો પડકારરૂપ બન્યો છે.

સરકારી બેન્કોમાં એટીએમ મૂકવાનું તેમજ કેશ લોડ કરવાની કામગીરી ટ્રાન્ઝેક્શન સોલ્યુશન ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ કંપની કરે છે. એટીએમમાં કેશ લોડ કરવાનો પેટા કોન્ટ્રાક્ટ કંપનીએ લોજીકેસને આપ્યો છે. વર્ષ 2013માં સરખેજ બાવળા-ધોળકા ચારરસ્તા સર્કલ ખાતે આવેલા હિમાલયા કોમ્પ્લેક્સમાં ભાડે રાખેલી દુકાન નં.7માં એસબીઆઈનું એટીએમ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ટીસીઆઈના મેનેજર નરેન્દ્રસિંહ અટોદરિયાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ગઈકાલે સવારે સાડા દસ વાગ્યે નરેન્દ્રસિંહને એટીએમ કાપીને તેમાં રહેલી રોકડ રકમની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. એટીએમનો સેફ ડોર કટર મશીન વડે કાપી તેમાં રહેલી કેશ કેસેટમાંથી રોકડ રૂપિયા 9,39,200 તસ્કરે ચોરી લીધા હતા. કાપી નખાયેલો સેફ ડોર અને ખાલી કેશ કેસેટ એટીએમની પાછળ આવેલા રૂમમાંથી મળી આવી હતી.

ગત 10 ઓક્ટોબરના રોજ એટીએમમાં 22.15 લાખ રૂપિયા લોડ કરવામાં આવ્યા હતા, જ્યારે ગઈકાલે વહેલી પરોઢે પહેલા રાત્રીના સાડા બાર વાગ્યે છેલ્લું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. સરખેજ પોલીસે સ્થળ પર તપાસ કરતાં એટીએમની બહાર લાગેલા બે સીસીટીવી કેમેરા છેલ્લા દોઢ મહિનાથી બંધ હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત એસબીઆઈના એટીએમ સેન્ટર પર સિક્યોરિટી ગાર્ડ રાખવામાં ન આવતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.