અમદાવાદ, તા.12
ભાડાની રિક્ષા ચલાવતા યુવકને રૂપિયાની લેવડદેવડમાં એક શખ્સે ગળાના ભાગે ચપ્પાનો ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો છે. હત્યાનો પ્રયાસ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવકે ફોન કરીને રિક્ષા માલિકને જાણ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. સરખેજ પોલીસે આ મામલે મોહસીન સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નારોલ શાહવાડી ભરવાસ વાસ ખાતે રહેતા ગૌતમ રાવતે સરખેજ પોલીસ સ્ટેશનમાં મોહસીન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ટીનો રાવત સરખેજના શરીફ ઉમડીયાની માલિકીની રિક્ષા ભાડાથી ચલાવે છે. ગત ગુરૂવારે સાંજે સવા સાત વાગે તેમના ભાભી લક્ષ્મીબહેન પર શરીફભાઈએ ફોન કરી ટીનાભાઈને ગળાના ભાગે છરી વાગી છે તેમ કહી ખાગી હોસ્પિટલ પર આવવા જણાવ્યું હતું. રાવત પરિવાર હોસ્પિટલ પર પહોંચ્યો ત્યારે શરીફભાઈએ વિગતે જણાવ્યું હતું કે, તેઓ મિત્ર આબીદ સાથે સાણંદ સર્કલ રત્નદીપ હોટલ પર બેઠા હતા તે સમયે ટીનાભાઈનો ફોન આવ્યો હતો. પૈસાની લેતીદેતીમાં મોહસીને ટીનાભાઈએ ગળાના ભાગે ચપ્પાનો ઘા મારી દીધો હોવાનું તેમજ પોતે શાંતિપુરા સર્કલથી સાણંદ સર્કલ તરફ આવે છે તેમ જણાવ્યું હતું. જેથી શરીફભાઈ અને આબીદભાઈ તે દિશામાં જતા બંધ પેટ્રોલ પંપ પાસે ગંભીર રીતે ઘાયલ ટીનાભાઈ રસ્તામાં મળ્યા હતા. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.