સરદારે દેશની જમીનની લડાઈ લડી, આદિવાસીઓ મોદી સામે જમીનની લડાઈ લડે છે

નર્મદા બંધ પાસે ફરી એક વખત જમીનની લડાઈ

જીવથી જમીન

દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા આસપાસ જમીન વિવાદ ઊભા થયા છે. એકતાના પુતળા પાસે જમીનોનો પ્રશ્ન વધું આકરો બની રહ્યો છે. કેવડિયા ખાતે પૂતળા માટે અને પછી દેશના 33 રાજ્યો દ્વારા તેમને પોતાના ભવન બનાવવા માટે જમીન વિવાદ વકર્યો છે. દરેક રાજ્ય સરકાર અહીં જમીન મેળવવા માંગે છે અને તે માટે જમીન અધિકારીઓએ અહીં જમીન નક્કી કરી પોતાના રાજ્યના લોકો અહીં આવીને રહી શકે તે માટે ભવ્ય મકાનો બનાવવા તૈયારી કરી રહ્યાં છે. જે માટે જોઈતી સેંકડો એકર જમીન આપવાનો વિરોધ આદિવાસી કરી રહ્યાં છે. ગામ લોકો એકઠા થાય છે અને મોદી-રૂપાણી સરકાર સામે સૂત્રોચ્ચાર કરે છે. તેઓના સૂત્ર છે, અમારી જમીન પાછી આપો. અમને ગોળી મારો પણ જમીન પરત કરો. અમને બોંબથી ઉડાવી દો કે તોપના નાળચે ફુંકી મારો પણ અમારા વંશજ માટે જમીન આપો.

કેવડિયા ગામની જમીન ગુજરાત સરકારે અલગ રાજ્ય બનતાની સાથે જ 1961માં નર્મદા બંધ બનાવવા લઈ લીધી હતી. હવે બંધના બદલે મનોરંજન માટે જમીન વપરાતી હોવાથી આદિવાસી પ્રજા પોતાની જમીન પરત માંગી રહી છે. આમ તો 58 વર્ષથી આ જમીનનો સરકાર પાસેથી આદિવાસીઓ માંગી રહ્યાં છે. પણ સરકાર તે જમીન પરત કરતી નથી. નર્મદા બંધ બનાવવાના કામ માટે જમીન લીધી હતી. તે હેતુ માટે જમીન 58 વર્ષથી વપરાઈ નથી. હવે નર્મદાના બદલે બીજા હેતુ માટે સરકાર તે જમીન વાપરી રહી છે અને અહીં બાજા રાજ્યોના લોકોને રહેવા માટે મકાનો બનાવી રહી છે.

પોલીસ કાફલા સાથે બીજા રાજ્યોના અધિકારાઓ આવે છે અને જમીન માપીને પોતાની જમીન ગણી જતાં રહે છે. દરેક વખતે આદિવાસીઓ તેનો વિરોધ કરે છે. પણ ગુજરાતની નિંભર અને નફ્ફટ સરકાર ગરીબ આદિવાસીઓનું સાંભળતી નથી.

હરિયાણા પ્રથમ આવશે

હરિયાણ સરકારે રૂ.51 લાખ એડવાન્સ આપીને 1500 વારનો પ્લોટ ખરીદી લીધો છે. પ્લોટ લગભગ રૂ.2 કરોડમાં તૈયાર થશે. જંત્રીના ભાવ પ્રમાણે જમીન આપવામાં આવી રહી છે. 19 જાન્યુઆરી 2019માં હરિયાણાના મુખ્ય પ્રધાન ખટ્ટર કેવડિયા કોલોની આવી રહ્યાં છે. જ્યાં હરિયાણા ભવન બનશે. ભાજપના નેતાઓની ઈચ્છા છે કે દિલ્હી પછી અહીં દેશના ભવન બને અને લોકો આવીને રહે. આ રીતે ભાજપ શાસિત 10 રાજ્યો અહીં પ્લોટ ખરીદે એવું માનવામાં આવી રહ્યું છે. પણ બીજા રાજ્યો અહીં મોંઘી જમીન ખરીદવા તૈયાર થતાં નથી.

MLA વસાવાએ વિરોધ કર્યો

ઝઘડીયા મતવિસ્તારના ધારાસભ્ય છોટુ વસાવાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કર્યો છે. આદિવાસીઓને ખતમ કરવાનું ષડયંત્ર હોવાનું તેમણે જાહેર કરીને 31 ઓક્ટોબરે 2018માં લોકાર્પણનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ એક વેપાર કરવાની ચાલ છે. તેનાથી આદિવાસીઓને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. 72 ગામમાં કોઈ પણ ઘરમાં જમવાનું બનાવવામાં આવશે નહીં. આ પરિયોજના અમારા વિનાશ માટે છે.

1 જાન્યુઆરી 2019 સુધીમાં છોટુ વસાવાની વાત સાચી પડી છે. તેમણે કહ્યું હતું કે સરદારના નામે વેપાર છે. વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 1 જાન્યુઆરી 2019 સુધીમાં બે મહિના પૂર્ણ થાય ત્યારે બે મહિનામાં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રૂ.12 કરોડથી વધુની આવક થઈ હતી. બે મહિનામાં અંદાજે 5 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

MPને કાળા વાવટા બતાવી વિરોધ

ગુજરાતના આદિવાસી પટ્ટમાં 200 સ્થળોએ ભાજપની સરદાર એકતા યાત્રાનો વિરોધ કરાયો હતો. જેમાં મુખ્ય ડેડિયાપાડામાં ભારતીય જનતા પક્ષની એકતા યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તાલુકાના ઘાંટોલી ગામે સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવી યાત્રાનો વિરોધ કર્યો હતો. ભાજપના ભરૂચના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાની જેની આગેવાની લઈ રહ્યાં હતા. તે રથનો વિરોધ ભિલિસ્તાન ટાઈગર સેનાના ચૈતર વસાવાની આગેવાનીમાં વિરોધ કરાયો હતો. રથ આવતાં જ સૂત્રોચ્ચાર કરીને કાળા વાવટા ફરકાવ્યા હતા. સાંસદ મુસુખ વસાવાની કારને ચારેબાજુથી શાંતિથી ઘેરી લઈને ગામમાં યાત્રા નહીં કાઢવા માટે કહ્યું હતું. પોલીસ અને વિરોધકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આદિવાસીઓ કહી રહ્યાં હતા કે અમારી જમીન પર આક્રમણ થઈ રહ્યું છે.

આદિવાસીઓનો વિરોધ

31 ડિસેમ્બર 2018ના રોજ આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આદિવાસી વિસ્તારોમાં 75 હજાર ઘરોમાં ચૂલો બંધ રાખવામાં આવ્યો હતો. ચૂલો નહીં પેટાવીને સરકારનો જમીન મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. જમીન જતી રહી હોવાતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં આદિવાસીઓ મેદાને પડ્યા છે. તેથી વડાપ્રધાનનો કાર્યક્રમ પણ ઓછા લોકોની હાજરીમાં કરવાની ફરજ પડી હતી. ગુજરાતની રૂપાણી સરકારે મોટો કાર્યક્રમ કરવાનું માંડી વાળવું પડ્યું હતું. કાર્યક્રમમાં ઓછો લોકો જ આવ્યા હતા. કેવડિયા કોલોનીનો સ્ટેચ્યુનો કાર્યક્રમ ફ્લોપ ગયો હતો. રાજપીપળાથી પ્રતાપનગર સુધીના વિસ્તારમાં એકતા યાત્રાના સરકારી પોસ્ટર્સ ફાડી નાંખ્યા હતા. સાગબારામાં પણ વિરોધ રથનો વિરોધ થયો હતો. ભરૂચમાં બીટીએસ, JDU જનતાદળ-યુ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કરવામાં આવ્યો હતો. દાહોદ, સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, વાંકલ, ઝંખવાવ, નેત્રંગ સહીતના વિસ્તારોમાં સજ્જડ બંધ પાડ્યો હતો. ભિલીસ્તાન ટાયગર સેનાના 200 જેટલા કાર્યકરો નેશનલ હાઇવે 48 પર કોસંબા નજીક રોડ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો.

બીજા રાજ્યોના લોકોને નોકરી

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે તેમાં દેશના અન્ય શહેરોના યુવક અને યુવતીઓને નોકરી આપી દેવામાં આવી છે જયારે જમીન ગુમાવનારા પરિવારોના સંતાનો નોકરી વિના રઝળપાટ કરી રહયાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોકરીની માંગ સાથે 17 ગામના આદિવાસીઓએ કેવડીયામાં હલ્લો બોલાવ્યો હતો. સરકાર તેમને નોકરી નહિ આપે તો એક પણ પ્રવાસીને સ્ટેચ્યુના પરિસરમાં ઘુસવા દેવાશે નહિ તેવી ચીમકી આપી છે.

અમારી જમીન બીજા રાજ્યોને કેમ આપો છો

નર્મદા બંધમાં જમીનો ગુમાવનાર કેવડિયા, કોઠી, નવાગામ, લીમડી, વાગડીયા અને ગોરા આમ કુલ 6 ગામો અને વિયર ડેમના 7 ગામો મળી 13 ગામોના લોકોનો ફરી સરદારના પુતળા પાસે એકઠા થઈ વિરોધ કરી રહ્યાં છે. લોકો રોજગારી માંગી રહ્યાં છે. નવા કર્મચારીઓને લેવામાં સ્થાનિક કર્મચારીઓને કાઢી મૂકવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં નોકરી માટે સ્થાનિક આદિવાસી લોકોની અવગણના કરાઇ રહી છે.

રેલવે સ્ટેશનની જમીન પણ ખાનગી

ચાંદોદથી કેવડિયા સુધી રેલવે લાઈન માટે કેવડિયા કોલોની પાસે રેલવે સ્ટેશન બનવવા માટે 5 એકરમાંથી 2 એકર ખાનગી જમીન લેવામાં આવી રહી છે. 500 જેટલાં ખેડૂતોના ખેતરમાંથી રેલવે જઈ રહી છે, તે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. જેમની જમીન ફરી એક વખત જઈ રહી છે.

શ્રેષ્ઠ ભારત ભવનના પાસે મકાનો તોડી પડાયા

કેવડિયા ખાતે 2 સપ્ટેમ્બર 2018માં શ્રેષ્ઠ ભારત ભવનના પાસે મકાનો તોડી પડાતાં પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આદિવાસીઓ જમીન સામે સારી જમીન અને ઘર સામે સારા ઘર માંગી રહ્યાં હતા. ચાર માળના બની રહેલા ભારત ભવનના આગળના ભાગમાં આવેલા પાંચ આદિવાસીઓની જમીન પરથી હઠાવી દેવામાં આવ્યા હતા. પોલીસે આ પરિવારોને જેલમાં મોકલી દીધા અને મકાનો તોડી પડાયા હતા.

છ ગામ આફતમાં

આદિવાસીઓની 6 ગામની જમીનો ગઈ છે. સરકાર તેની માંગનો પ્રશ્ન હલ કરતી નથી. અમારી જમીનો ગુમાવી સામે વસાહતો આપી પણ જેમાં સરકારે કોઈ સુવિધા આપી નથી. ગરીબ લોકો જમીનની સામે જમીન અને ઘરની સામે ઘર માંગી રહ્યાં હતા. ત્યાર બાદ સરકારે તેમને પ્લોટ આપ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી ચાલતો ભારત ભવનનો વિવાદનો આખરે અંત આવ્યો હતો. સરકારે આદિવાસી પરિવાર સામે ઝૂકી અને પ્લોટ અને રોકડ રકમ આપતા આ પરિવારોએ જાતે પોતાના ઘરો ખસેડી લેવાની કવાયત હાથ ધરી હતી.

1961થી વિવાદ

ગુજરાતમાં નવાગામ નજીક 161 ફૂટ (49.80 મીટર) ઉંચાઈના બંધસ્થળની પસંદગી કરવામાં આવી હતી. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુંએ 5 એપ્રિલ 1961માં બંધનો પથ્થર મૂક્યો ત્યારથી વિવાદ શરૂં થયો હતો. પછી ઉંચાઈ વધારવા કેવડિયા પાસે 1965માં 500 ફૂટ કે 152.44 મીટપ ઉંચો બંધ બનાવવાનું નક્કી કરાયું હતું. મધ્ય પ્રદેશે તેમના લોકોની જમીન આપવાનો ઈન્કાર કર્યો હતો. તેથી 1979માં બંધની ઊંચાઈ ઘટાડીને બંધ બનાવવાનું નક્કી કરાયું હતું. 2013માં 131.5 મીટરે બંધ ભરાતાં 7 હજાર આદિવાસીઓને સ્થળાંતર કરાયા હતા. જૂન 2014ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ 138.68 મીટર (455 ફૂટ)ની ઊંચાઈ વધારવા માટે અંતિમ મંજૂરી આપી હતી. ત્યાં સુધી જમીનના મોટા પ્રશ્નો સર્જાયા હતા.

હજારો વૃક્ષો કપાતાં વિવાદ

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી પહોંચવામાં લોકોને સરળતા રહે અને તેનો આનંદ માણી શકે તે માટે સરકાર દ્વારા ગ્રીનરીનો વિચાર કર્યા વગર વડોદરાના ક્યુરાઈ ચોકડીથી કેવડીયા સુધીના માર્ગ પર તેમજ કેવડીયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પહોંચવાના જે-તે માર્ગો પર આવતા હજારો વૃક્ષોને 23 ઓક્ટોબર 2018 સુધીમાં કાપી નાખવામાં આવ્યા હતા.

ઓલ ઈન્ડીયા DG કોન્ફરન્સમાં વિરોધ

કેવડિયાખાતે ત્રણ દિવસ માટે 20 ડિસેમ્બર 2018થી ઓલ ઇન્ડિયા DG કોન્ફરન્સ પૂર્વે કેવડીયામાં વિરોધ થયો હતો. 3 દિવસ ગરુડેશ્વર તાલુકો બંધ રખાયો હતો. મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ હતી. આદિવાસીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એક ઇંચ પણ જમીન નહીં આપીએ. આદિવાસીઓના અલગ-અલગ ગામોની જમીન સરકાર દ્વારા રાજ્યોનાં રાજ ભવન બનાવવા માટે સંપાદન કરી લીધી હોવાથી તેઓ દેશના પોલીસ વડાઓ સામે વિરોધ કરી રહ્યાં હતા. ભાજપના આદિવાસી નેતાઓ ભારે ચૂપકીદી સેવી રહ્યા છે, જેને લઈને ભાજપના આદિવાસી નેતાઓ વિરુદ્વ પણ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. આદિવાસીઓએ અહીં વડાપ્રધાન આવે તે સમયે પોતાના ઘરો પર કાળા વાવટા ફરકાવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગૃહમંત્રી રાજનાથસિંહ આવી પહોંચ્યા ત્યારે જ કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડની આજુબાજુએ પણ કાળા વાવટા ફરકાવામાં આવ્યા હતા. પોલીસે આ કાળા વાવટા તોડી પાડ્‌યા હતા. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવી હોવાથી કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા.

બંધ માટે જમીન લીધી પણ હોટેલો બની

આદિવાસીઓના આક્ષેપ મુજબ, જે જમીનો નર્મદા ડેમ અને નહેરો માટે લેવાઈ છે એની પર હાલ ટેન્ટ સીટી, વિવિધ ભવન, હોટેલ, રેલ્વે સ્ટેશન બની રહ્યાં છે. આદિવાસીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનું આદિવાસીઓ માની રહ્યાં છે. હેતુ ભંગ થયો હોવાથી જમીનો ફરી મૂળ માલિકોને સોંપવામાં આવે એવી માંગણી કરી છે. પદયાત્રા કાઢી અને પોલીસે તે અટકાવી દીધી હતી. તેથી કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. જે દેશના તમામ ડિજીએ જોયું હતું.

ખાતરી આપી પણ કંઈ ન થયું

નર્મદા અસરગ્રસ્તોના 13 ગામોના 178 કુટુંબોને જમીન સામે જમીન,પુખ્ત વયના પુત્રો માટે 5 લાખની રોજગાર સહાયની જાહેરાત. 1962માં ગયેલી જમીનના માલિકોને 58 વર્ષે ફરી એક વખત સહાય મળશે. ભુપેન્દ્રસિંહ ચૂડાયમાએ ખાતરી આપ્યા બાદ જિલ્લા કલેકટરે કેવડિયા ખાતેઅસરગ્રસ્તોનાં પ્રતિનિધિઓની હાજરીમાં કરી જાહેરાત કરી હતી. બે વર્ષથી નર્મદા ના અસરગ્રસ્તો તેમની માંગણીઓ સામે આંદોલન ચલાવી રહ્યા હતા. સરકાર સાથે અનેક વાટાઘાટો કરવા છતા ન્યાય ન મળતા અસરગ્રસ્તોએ 31મી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વિરોધ કરી આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી હતી.

સરોવર નર્મદા બંધમાં ડૂબમાં ગયેલ 19 ગામોના લોકોને તો સરકારે વિવિધ વસાહતોમાં સમાવી લીધા બાદ બંધની આગળ આવતા 6 ગામો કેવડિયા, વાગડીયા, નવાગામ, લીમડી, ગોરા, કોઠી ગામના લોકો વર્ષોથી સહાય માટે અનેક માંગણીઓ કરી ઉપવાસ આંદોલન કર્યા હતા. તેમની જમીન નર્મદા નિગમની કચેરીઓ બનાવવા કે વિયર માટે સરકારે તે સમયે પૈસા આપીને લીધી હતી. હવે આદિવાસીઓ ફરીથી વળતર માંગી રહ્યાં હોવાથી તે આપવા સરકાર તૈયાર થઈ છે.
કેવડિયા, ઇન્દ્રવર્ણા, નાનાપીપરિયા, મોટાપીપરિયા, વસંતપુરા, ગભાણા, વાગડીયા આ 7 ગામો મળી કુલ 13 ગામોના 178 પરિવારોની જમીનો સામે જમીનો અથવા હેકટર દીઠ 7.50 લાખ અને રહેણાંકના પ્લોટ સામે પ્લોટ અને આ 178 પરિવારોના શિક્ષિત અને યુવાનો માટે ધંધો રોજગાર માટે રૂ.5 લાખ આપવાની જાહેરત કરી હતી. ભૂપેનદ્રસિંહ ચૂડાસમાએ કેવડીયા ખાતે ખાતરી આપ્યા બાદ કંઈ થયું નથી.

રસ્તા પૈકીની જગ્યાના અસરગ્રસ્તોને નાંદોદ તાલુકાના વાગડીયા વાઘોડિયા ગામે વસાવવામાં આવશે સાથે સાથે 1200 એકર ખેતીની જમીનો કરજણ યોજના અને નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં અપાશે. નહેરો ન બની પણ પુતળુ બન્યું

ખોટની યોજના

ગુજરાતમાં 18 લાખ હેકટર જમીન, 9000 ગામડાં, 135 શહેરોને પીવાનું પાણી આપી શકે તેવી યોજના બની છે. પણ ગુજરાતની ભાજપ સરકારે નહેર બનાવીને 18 લાખ હેક્ટરમાં સિંચાઈ કરવાનું પસંદ કરવાના બદલે સરદારનું પુતળું બનાવવાનું પહેલાં નક્કી કર્યું હતું. સિંચાઈ માત્ર 4 લાખ હેક્ટરમાં જ થઈ રહી છે. ગામોને હજુ પૂરું પાણી મળતું નથી. 16 મુખ્ય પ્રધાનોએ નહેર બનાવવા માટે લડાઈ લડી હતી. પણ ભાજપે નહેરના બદલે પુતળું બનાવવા રૂ.3000 કરોડ ખર્ચ કરી નાંખ્યો છે. ખેડૂતોએ નહેરો બનાવવા માટે જમીન આપી છે પણ તેમના ખેતરો નહેરના કાંઠે હોવા છતાં પાણી આપવામાં આવતું નથી અને તળાવો ભરવામાં પાણી વેડફી નાંખવામાં આવે છે.

બંધના અંદાજ જેટલું ખર્ચ પુતળા માટે

ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલ, કેશુભાઇ પટેલ સહિત૧૪ મુખ્યમંત્રીઓએ કર્યો હતો. નર્મદા બંધનું ખર્ચ 1980માં માત્ર રૂ.3333 કરોડ અંદાજાયુ હતું. જે યોજનાનું કામ પૂરું થયું નથી છતાં રૂ.66 હજાર કરોડ ખર્ચ થઈ ગયું છે. આટલું જંગી ખર્ચ છતાં આદિવાસીઓને વળતર આપવામાં આવતું નથી.

સાધુ બેટ આસપાસ જમીન આપવા ઈન્કાર

નર્મદા બંધથી દૂર સાધુ બેટ નામના દ્વીપ પર 3.2 કિમી દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી 20,000 ચો.મી. વિસ્તારમાં બની છે. 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે કંઈક નવુ

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટની યોજના કરવામાં આવી હતી. આ યોજનાની ખાસ વાત એ છે કે મૂર્તિ માટે જરૂરી લોખંડ અને તેમા ઉપયોગમાં લેવાતા ખેતીના સાધનો દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. ૫00,000 થી વધુ ભારતીય ખેડૂતો પાસેથી દાનની અપેક્ષા કરવામાં આવી, અને આ જ કારણે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું.

લાખો ટુકડાઓ એકત્ર કરવા માટે ત્રણ મહિનાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન, 5000 મેટ્રિક ટનથી વધુ લોખંડ મેળવાયું હતું. ત્યારે પણ વિવાદ થયો હતો. લખ્યા તારીખ January 18, 2019


આજેય કરમસદમાં તેમની પાંચ ભાઈઓની પૈતૃક ૧૦ વીઘા જમીન ક્યાં છે તે શોધવી પડે. અવસાન સમયે માંડ રૂ. ૨૧૬નું બેન્કબેલેન્સ, ૪ જોડ ખાદીનાં જાડાં કપડાં, ૨ જોડી ચંપલ, પતરાંની એક પેટી, રેંટિયો, ૨ ટિફિન, એક સગડી ને એક એલ્યુમિનિયનો લોટો-આટલી સંપત્તિ ધરાવનાર માણસની પ્રતિભા વડા પ્રધાનપદ કરતાંય વિશાળ હતી.

૧૯૫૦માં વિદાયના થોડાક દિવસ પૂર્વે ઇંદોરમાં કસ્તુરબાગ્રામ ખાતે સરદારે આપેલાં ભાષણને આપણે સમજવું-વાંચવું પડે. તે સમયે સરદારે કહ્યું હતું કે, ”બાપુનાં લશ્કરમાં જોડાયો ત્યારથી મારં આખું જીવન આજે હું જોઈ શકું છું. બાએ મારા પર જેટલું હેત રાખ્યું છે તેટલું મારી સગી મા પાસેથી પણ મને મળ્યું નથી. મા-બાપનું હેત મારાં નસીબમાં લખાયું હશે તે મને બા અને બાપુ પાસેથી મળ્યું. બાપુએ મરેલા દેશને સજીવન કર્યો છે અને બાએ તેમને સાથ આપ્યો. આ બંનેનું સજોડે ચિત્ર આપણે નજર સમક્ષ રાખવું જોઈએ. આપણે ભૂલ કરીએ તો આપણો હિસાબ માગવાને તે બેઠા છે. અમે બધા તેમની છાવણીના સિપાઈ હતા. મને લોકો નાયબ વડો પ્રધાન કહે છે. હું મારી જાતને પદાધિકારી ગણતો નથી. જવાહર આપણા નેતા છે. બાપુએ તેમને પોતાના વારસદાર નીમ્યા છે. બાપુનું વસિયતનામું પાળવું તે બાપુનાં તમામ સૈનિકોની ફરજ છે. જે લોકો હૃદયપૂર્વક ખરેખરી રીતે તેનું પાલન ન કરે તો ભગવાનના ગુનેગાર ગણાય. હું દ્રોહી સિપાઈ નથી. હોદ્દાનો વિચાર કદી કરતો નથી. હું તો એટલું જ જાણું છું કે, બાપુએ મને જે સ્થાને બેસાડયો ત્યાં જ બેઠો છું અને તેનો મને સંતોષ છે.” આત્મનિવેદન સમા જીવનસંધ્યાનાં તેમનાં પ્રવચનમાં સરદારને અન્યાય થયાની આપણી લાગણીનો જવાબ ખુદ સરદારે આપણને આપી દીધો છે. આપણે સાચા સરદારની પ્રતિમાને સમજવાની ભૂલ ન કરી બેસીએ તે જ તેમની સાચી પ્રતિમા છે.

સરદાર સાહેબ સ્ટેચ્યુ કે પ્રતિમાના મોહતાજ ન હતા. તેમની પ્રતિભામાંથી અત્યારના નેતાઓએ શીખ લેવાની જરૂર છે. જો તેમની પ્રતિમા ન હોત તો પણ તેમની પ્રતિભાને કોઈ ઝાંખપ ન લાગત.

અહેમદ પટેલે કહ્યું કે, 31 ઓક્ટોબરનો દિવસ સંકલ્પ દિવસ હોવો જોઈએ. આ પ્રતિમાના નિર્માણના કારણે જેમણે બલિદાન આપ્યા છે, તેમને અન્યાય ન થવો જોઈએ. ખાસ કરીને આદિવાસીઓને સન્માન અને ન્યાય મળે તેવી જાહેરાત સરકારે કરવી જોઈએ. તેમણે કહ્યું કે, શિક્ષણ, આરોગ્ય, પાણી અને આર્થિક સદ્ધરતા માટે સરકારે સંકલ્પ કરી જાહેરાત કરવી જોઈએ.

કોંગ્રેસે સરદારને અન્યાય કર્યો હોવાના ભાજપના આરોપોનો જવાબ આપતા પટેલે કહ્યું કે, આ વાત પાયાવિહોણી છે. જે નેતા આજે હયાત નથી તેમના નામે લોકો રાજકારણ કરી રહ્યાં છે. સરદાર, નહેરૂ સહિતના નેતાઓએ સાથે મળીને દેશની આઝાદી માટે કાર્ય કર્યું હતું. તેમના પત્રવ્યવહાર પરથી તેમની વચ્ચે મતભેદ હોવાનું સામે આવ્યુ છે. પરંતુ કોઈ વિખવાદ ન હતો. તેમની વચ્ચેના વિખવાદને રાજકીય ભાથુ સમજીને આજે પોતાના રાજકીય રોટલા શેકવા યોગ્ય નથી. લોકો પોતાની સત્તા ટકાવી રાખવા માટે રાજકીય રોટલા શેકી રહ્યાં છે. લોકો આજે સરદાર અને ગાંધીની વાતો કરી રહ્યાં છે.

સરદારની પ્રતિમાના અનાવરણમાં પોતે હાજરી આપશે તે અંગે તેમણે કહ્યું કે, હજુ આમંત્રમ મળ્યું કે, નહીં તેની ખબર નથી. પણ આ સરકાર સતત તેવું ઈચ્છે છે કે સરકારના કાર્યક્રમમાં કોંગ્રેસના લોકો ન આવે, તે માટે તેમની કાર્યક્રમના દિવસે સવારે 4 વાગ્યે ધરપકડ થઈ જાય છે. જે લોકશાહી માટે સારી બાબત નથી.

2012માં ભાજપે 50 લાખ મકાનો બનાવવાનું વચન આપ્યું હતું. પાંચ વર્ષ પૂરા થયા 50 લાખ તો ઠીક 5 લાખ મકાનો બન્યા નથી. ખેડૂતોની સમસ્યાઓ ઠેરની ઠેર છે. મોંઘવારી વધી રહી છે. ભાજપના મંત્રીઓ મોંઘવારી રોકી શકાય તેમ નથી એવા નિવેદનો કરે છે.

——–
કરમસદના લોકો તેમના શબ્દો અને તેમના વચન યાદ અપાવવા ઉપવાસ પર બેઠા છે તે કરતાં તેઓ સરદારની જન્મભૂમિને એક રાષ્ટ્રીય ઓળખ મળે તે માટે મથી રહ્યાં છે ત્યારે આ રાષ્ટ્રીય દરજ્જો આપવામાં વિલંબ નો પાલવે. સરદારની જન્મભૂમિને રાષ્ટ્રીય દરજ્જો નહીં મળે તો કોને મળશે? સરદાર જેમને પોતાના ગુરૂ માનતા તે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો હોય તો લોખંડી પુરૂષ સરદારની જન્મભૂમિ માટે કેમ નહીં?

4 વર્ષ રાહ જોયા બાદ કરમસદના લોકોને એમ લાગ્યું કે સરદારને ન્યાય અપાવવા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા સિવાય બીજો કોઇ શૂરાનો માર્ગ નથી ત્યારે જ તેઓ બહાર આવ્યાં છે. સરદાર જન્મભૂમિને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં વાર કેટલી? ગાંધીનગરમાં જે પક્ષની સરકાર એ જ પક્ષની સરકાર મુકામ દિલ્હીમાં છે. ફટ ફટાફટ અને ફટ..ફટ..નિર્ણયો લેવાય છે છોટે સરદારના શાસનમાં. ગુજરાત સરકારે તો રાષ્ટ્રીય સ્મારક માટે દિલ્હીને દરખાસ્ત મોકલી જ હશે.દિલ્હીમાં પણ એ જ પક્ષની સરકાર છે. કોઇ વિરોધ નથી. વિરોધ કરે તો તેનો વિરોધ કરવા માટે આપણે તૈયાર જ બેઠા છે. ત્યારે ભારત સરકારે કરમસદને વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય દરજ્જો આપીને દેશ-વિદેશના પ્રવાસીઓ જેમ ગાંધી દર્શન માટે પોરબંદર જાય છે તેમ સરદાર દર્શન માટે કરમસદ પધારશે. પેલા લોકોએ તે 60 વર્ષમાં કાંઇ કર્યું નથી. જવા દો એમને. પણ આપણે તો કંઇક કરીએ.કરમસદ સાદ પાડે છે કે છેલ્લાં 10 વર્ષથી રજૂઆતો થઇ છે છતાં કોઇ સાંભળતું નથી. જેમના નામે ડેમ છે તે સરદાર સરોવર પર દરવાજા મૂકવાનો નિર્ણય સરકાર રચાયાના 17 દિવસમાં લેવાયો તો સરદાર જન્મસ્થળીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં વાર કેટલી? 3 હજાર કરોડના ખર્ચે સરદાર સાહેબની 182 મીટર ઉંચી પ્રતિમા સરદાર સરોવર નજીક મૂકવાની તડામાર તૈયારીઓ ધડાધડ ચાલતી હોય અને તેનું સતત મોનિટરીંગ પીએમઓ કક્ષાએથી થઇ રહ્યું છે ત્યારે કરમસદની લાગણી તેમના સુધી ગુજરાત સરકાર પહોંચાડે તે જરૂરી છે.

સુન રહા હૈ..ના તું…આ કરમસદની નહીં સરદારની આબરૂનો સવાલ છે….!

સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે .અને તે જ દિવસે લોખંડી મહિલા વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની શહાદતનો દિવસ પણ છે. ત્યારે હું ભાજપને એમ પૂછવા માંગુ છું કે યુનિટી શબ્દ એટલે શું ? તેવો પ્રશ્ન કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ તબક્કે તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું. કે ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલ ના નામે ખોટું માર્કેટિંગ કરીને એક જુઠી આભા ઉભી કરવાનો પ્રયત્ન કરે છે. ભૂતકાળમાં દેવગૌવડા સરકાર ની અંદર અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ સાથે જોડવા માટે મેં દરખાસ્ત કરી હતી. પરિણામે મારી દરખાસ્તને દેવગૌડાજી એ માન્ય રાખી સ્વીકારી હતી. ત્યારે તે સમયે નામાભિધાન ના આયોજિત કાર્યક્રમમાં ભાજપનીજ મહિલાઓ એ છાતી માં કાળા કપડા છુપાવીને સરદાર પટેલના નામ નું વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
આ તબક્કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે વારે ઘડીએ કેટલાક સાધુ સંતો અને કટાર લેખકો દ્વારા એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે સરદાર સાહેબને અન્યાય કર્યો હતો .તો હું એવા તત્વો ને પૂછવા માગું છું કે સરદાર પટેલ ની કોણે અન્યાય કર્યો હતો ? તેમ કહી કટાર લેખક ગુણવંત શાહ અને સચિદાનંદ જી મહારાજ ના નામનો ઉલ્લેખ કર્યો હતો .
તો બીજી તરફ મહાકાય પ્રતિમા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા શંકર સિંહે જણાવ્યું હતું કે સરદાર પટેલના અન્યાયના નામે ચાલતું જૂઠાણું ભાજપ એ હવે બંધ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે પોતાના અંગત વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વગર મતલબે પ્રતિમા પાછળ અધધધ ખર્ચ ભાજપ એ કર્યો છે .ત્યારે સરદારના જીવનની અને આ પ્રતિમાને નાહવા-નીચોવાનો ય સંબંધ નથી સરકારે આ બીનઉત્પાદક ખર્ચે કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગે તેમણે એમ પણ જણાવ્યું હતું કે1952 માં ચૂંટણી સમયે સરદાર વલ્લભભાઈ તો હતા જ નહીં તો પછી ભાજપ અન્યાયનો મુદ્દો કેવી રીતે ફેલાવે છે ? આજે જે જગ્યાએ પ્રતિમા બની ગઈ છે ત્યાં આદિવાસીઓની હાલત કફોડી છે. તેમની પાસે જમીન કે પાણી પણ નથી ત્યારે સરકારે તેમની વ્યથા સાંભળવી જોઈએ .ભંગાર ભેગુ કરીને સ્ટેચ્યુ બનાવવાનું નાટક આજ સરકાર કરી શકે છે. ખરેખર તો એમણે પ્રજાને આપેલા વચનો પૂરા કરવા જોઈએ તો જ સરદાર પ્રત્યેની લાગણી ખરા અર્થમાં સાર્થક થશે પરંતુ આ ભાજપ આવું કાંઈ પણ નહીં કરી ને તેના બદલામાં પ્રતિમાનું લોકાર્પણ કરીને કોને ખુશ કરવા માંગે છે ? તેવો આક્ષેપ પણ કર્યો હતો.
પાટીદાર સમાજ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સિંહે જણાવ્યું હતું કે સરકારે જેલમા પુરેલા લોકોને છોડી દેવા જોઈએ અને પાટીદાર સમાજના કેસો પણ પાછા ખેંચવા જોઈએ તેવી અપીલ પણ કરી હતી. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાત અને સૌરાષ્ટ્ર ની અંદર 222 જેટલા રજવાડી રોયલ ફેમિલી વસે છે. ત્યારે પોતાના વડવાઓએ સરદારને આખેઆખા રજવાડા આપી દીધા હતા. ત્યારે આવા પ્રસંગે રજવાડા પરિવારોની સરકારે કદર કરવી જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ તેવી અપીલ પણ કરી હતી .આ તબક્કે શંકરસિંહ વાઘેલાએ એમ પણ જણાવ્યું હતું કે અમદાવાદના સરદાર મ્યુઝિયમ ની હાલત કફોડી બની ગઈ છે . ત્યારે સરકારે તેની મરામત કરવા ગ્રાન્ટ આપવાની તસ્દી પણ લીધી નથી . અને એ સ્મારક સામે જોયું પણ નથી ત્યારે હું ભાજપના નેતાઓને એમ પૂછવા માગું છું કે અમદાવાદ ખાતેના સરદાર મેમોરિયલ હોલ ઉપર તમે કેટલી વાર ગયા ? ત્યાં તમે કેટલી મદદ કરી ? તેવા આક્ષેપો કર્યા હતા .
તો બીજી તરફ તેમણે એમ પણ જણાવ્યું હતું કે નડિયાદને ખાસ દરજ્જો આપવા કરેલી દરખાસ્ત નો પણ આ જ ભાજપ સરકારે ઇનકાર કર્યો હતો. તો પછી સરદાર ઉપર એકાએક આટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ રહ્યો છે ? સનદી અધિકારીઓના નામનો ઉલ્લેખ કર્યા વિના એવો આક્ષેપ કર્યો હતો .કે થોડાક સમય અગાઉ જે અધિકારીઓએ ગુજરાતમાં દાટ વાળ્યો હતો તે જ અધિકારીઓ આજે દિલ્હીમાં દાટ વાળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે આપને આમંત્રણ મળે છે કે નહીં તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે હું આવા ખોટા તાયફા માં જવા માંગતો જ નથી તેમ જણાવ્યું હતું.

આ વિસ્તારના ૧૩ ગામડાઓ અને ૭૫૦૦ જેટલા આદિવાસીઓની જમીન સરકારે હસ્તક કરી લીધી હોઇ અને યોગ્ય વળતર કે જમીન અપાઈ નથી તેવી માંગ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અને વડાપ્રધાનના ઉદઘાટન કાર્યક્રમનો વિરોધ અને રસ્તા રોકો જેવા કાર્યક્રમો જાહેર થયા છે

આદિવાસી લોકોને થયેલા અન્યાયના વિરોધમાં આજે બંધનું એલાન આપ્યું છે. આજે આદિવાસીઓએ સ્વેચ્છિક બંધ પાળ્યું છે. પોલીસ દ્વારા આજે રાજ્યભરમાં 500 જેટલા આદિવાસી નેતાઓની અટકાયત કરી હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત રાજપીપળા ખાતે આદિવાસી આગેવાનોએ બ્લેક બલૂન આકાશમાં ઉડાવીને લોહીથી ‘મોદી ગો બેક’ના સૂત્રો લખ્યા હતા.

બ્લેક બલૂન ઉડાવી કર્યો વિરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે કેવડિયા પહોંચ્યા છે, ત્યારે આદિવાસીઓના હક્કોને લઇને આદિવાસીઓએ અંબાજીથી ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી પંથકમાં બંધનું એલાન આપ્યું છે. રાજપીપળા ખાતે આદિવાસી આગેવાનોએ બ્લેક બલૂન આકાશમાં ઉડાવીને લોહીથી ‘મોદી ગો બેક’ના સૂત્રો લખ્યા હતા.રાજ્યભરમાં 300 જેટલા આદિવાસી નેતાઓની અટકાયત કરી હોવાની માહિતી મળી છે.