હિંમતનગર, તા.01
બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન થયેલ માવઠાને કારણે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં મગફળી તથા કપાસને નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે પરંતુ બીજા દિવસે સવારથી જ તડકો નીકળતા એકંદરે નુકસાનની સંભાવના નહિવત્ હોવાનુ ખેતીવાડી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે બીજી બાજુ દિવેલાને પિયત મળી જતાં ફાયદો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડતાં તંત્ર દ્વારા સરવેનો આદેશ કરવામાં આવ્યો છે.
મોડી રાત્રે માવઠુ થજતાં મગફળી પલળી જતાં નુકસાનનની ભીતિ સેવાઇ રહી છે. બીજી બાજુ કપાસના જીંવડા ફાટી ગયા છે અને રૂ પલળી ગયાની બૂમ ઉભી થઇ છે. ખેડૂતોના જણાવ્યાનુસાર વરસાદથી ખરીફ જણસ પલળી જતાં ભાવ ઓછા મળતા નુકસાન થયુ છે. ખેડૂતોનો ઘાસચારો પણ પલળી ગયો છે. હિંમતનગર તાલુકામાં 7 મીમી, પ્રાંતિજ તલોદ પંથકમાં 15 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો રાત્રે વરસાદ થયા બાદ બીજા દિવસે સવારથી જ તડકો નીકળ્યો હતો. ખેતીવાડી અધિકારી વી.કે.પટેલે જણાવ્યુ કે પ્રાંતિજ અને તલોદ તાલુકામાં નુકસાન અંગે તપાસ કરવા વિસ્તરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
ભા.કિ.સંઘ દ્વારા માંગ કરાઇ છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે વરસાદથી નુકસાનગ્રસ્ત પાકની ટેકાના ભાવે પણ ખરીદી થનાર નથી. 33 ટકાથી વધુ નુકસાનીમાં જ સહાય આપવાના નિયમોથી ઉપર ઉઠીને આ મુદ્દાને પ્રાધાન્ય આપી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે.
આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ થઇ રહી છે ત્યારે રાજ્યના પૂરવઠા નિગમ દ્વારા જિલ્લા પૂરવઠા અધિકારી અને નાયબ જિલ્લા મેનેજરોને સૂચના અપાઇ છે કે કમોસમી વરસાદને કારણે પાકને અસર થઇ હોય અને ખેડૂતને જથ્થો લઇને વેચાણ માટે આવવા ટેલીફોનીક જાણ કરાય ત્યારે આપેલ તારીખે ખેડૂત આવી શકશે કે નહી તે અચૂક પૂછવાનુ રહેશે અને ખેડૂત આવી શકે તેમ ન હોય તો તેની અલગથી યાદી બનાવી તા. 18 નવે.થી 22નવે.દરમિયાન જણાવવાનુ રહેશે. તથા પ્રથમ દિવસે મહત્તમ 25 ખેડૂતોને બોલાવવાના રહેશે. અને તા.4-11-19 થી વ્યવસ્થા અને આયોજન મુજબ સંખ્યા વધારવાની રહેશે.