પ્રશાંત પંડિત,
અમદાવાદ,તા:૦૨
રૂપિયા આઠ હજાર કરોડનું રાજ્યનું બીજા નંબરનું વાર્ષિક અંદાજપત્ર ધરાવતા અમપાના વહીવટી તંત્રમાં એસ્ટેટ અને ટીડીઓ પછી ટેક્સ વિભાગ ભ્રષ્ટાચારમાં બીજા નંબરે છે. સામાન્ય કરદાતાને ટેક્સ ભરવામાં એક દિવસ પણ મોડું થાય તો ૧૮ ટકા વ્યાજ ચઢાવી દેતું અમપાનો વેરાવિભાગ અમદાવાદ શહેરમાં વર્ષોથી કરોડો રૂપિયાનો કર ન ભરનારાઓ પાસેથી બાકી કરની વસૂલાત કરવામાં કાયર પુરવાર થયો છે. મિલકતવેરો ઓનલાઈન ભરો એવું સૂચન કરતા ખુદ ટેક્સ ખાતામાં જ જ્યારથી વિભાગની કામગીરી ઓનલાઈન કરી ટાટા કન્સલ્ટન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારથી કરોડો રૂપિયાનાં કૌભાંડો ટેક્સ ખાતામાં આચરવામાં આવ્યાં છે. આ કૌભાંડોની તપાસ અભરાઈ ઉપર ચઢાવી દઈને કૌભાંડીઓને બચાવી લેવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકને ત્યાં બાકી કરની રકમ ન ભરવામાં આવે તો નળ અને ગટરનાં જાડાણો કાપી પ્રસિદ્ધિ લેતું અમપાનું ટેક્સ ખાતું કરોડો રૂપિયાના બાકી વેરાની વસૂલાત કેમ કરતું નથી એવો યક્ષપ્રશ્ન આ શહેરના નિયમિત કર ભરનારા લાખો કરદાતાઓ દ્વારા પુછાઈ રહ્યો છે.
પૂર્વ ઝોનમાં ૫૫ લાખથી વધુ રકમનું કૌભાંડ કરાયું હતું
અમપામાં ભ્રષ્ટાચારથી ખદબદતા ટેક્સ વિભાગમાં પૂર્વ ઝોનના વસ્ત્રાલમાં આવેલા સિવિક સેન્ટરમાં રૂપિયા ૫૫ લાખથી પણ વધુ રકમનું ટેક્સ કૌભાંડ વર્ષ-૨૦૧૭ના વર્ષમાં ઓનલાઈન કરવેરાની રકમમાં ઘટાડો કરી આપવા મામલે ઝડપાયું હતું. જે સમયે આ કૌભાંડ તંત્રના ધ્યાનમાં આવ્યું એ સમયે ભારે હોબાળો મચ્યો હતો. કારણ એ હતું કે, આ કૌભાંડમાં અમપાના જ એક કર્મચારીનો પાસવર્ડ ઉપયોગમાં લઈને જે લોકોની કરની રકમ મોટી હતી એમની પાસેથી નાણાકીય લેતી-દેતી કરીને કરની રકમ ઓનલાઈન ઘટાડી આપવામાં આવી હતી.
થલતેજમાંથી પણ કૌભાંડ ઝડપાયું હતું
પૂર્વ ઝોનના સિવિક સેન્ટરમાં આચરવામાં આવેલા કૌભાંડને પગલે અમપા દ્વારા શહેરના નવા પશ્ચિમ ઝોનમાં કાર્યરત્ સિવિક સેન્ટર્સ પર પણ તપાસ કરાવી હતી. એ સમયે તપાસમાં શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરમાંથી પણ લાખો રૂપિયાના કરમાં ઘટ કરી આપવામાં આવી હોવાનું ખૂલતાં તંત્ર ચોંકી ઊઠ્યું હતું.
કૌભાંડ કેવી રીતે ઢાંકી દેવાયું?
અમપા દ્વારા ટેક્સ સહિતના અન્ય વિભાગોની કામગીરી ઓનલાઈન કરી શકાય એ માટે ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસ)ને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. આ કંપનીના કર્મચારીઓ અને અમપાના પણ ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સુધી આ કરોડોના કૌભાંડનો રેલો પહોંચતો હોઈ તેમને બચાવવા કંપની પાસે જેટલી-જેટલી એન્ટ્રીમાં ઘટ કરાઈ હતી એ તમામમાં ઓનલાઈન વધ બતાવી દઈને અમપાએ કૌભાંડને ઢાંકી દીધું હતું.
બંધ મિલો, પશ્ચિમ રેલવે, રાજ્ય અને કેન્દ્ર સરકારની કચેરીઓનો બાકી વેરો વસૂલાતો નથી
અમપા ટેક્સ વિભાગ ‘એકને ગોળ અને બીજાને ખોળ’ એ કહેવત મુજબ વેરાની વસૂલાત કરે છે. સામાન્ય નાગરિકને ઘણા કેસમાં વેરો ભરવાની છેલ્લી તારીખના થોડા દિવસો અગાઉ બિલ પહોંચતાં કરાય છે અને બિલ ભરવામાં મોડું થાય તો ૧૮ ટકા વ્યાજની વસૂલાત કરાય છે. બીજી તરફ બંધ મિલો, પશ્ચિમ રેલવે, રાજ્ય અને કેન્દ્ર સરકારની કચેરીઓ અને અમદાવાદમાં આવેલી મિલકતોનો લાખો રૂપિયાની બાકી રકમનો વેરો વસૂલવામાં અમપાના વેરા વિભાગના અધિકારીઓ કાયર પુરવાર થઈ રહ્યા છે.
કોનો કેટલો વેરો બાકી
નામ રકમ(કરોડમાં)
૧. કેલિકો પ્રિન્ટિંગ ૧૯,૫૯,૩૯,૯૪૨
૨. ન્યૂ ગુજરાત સિન્થેટિક ૯,૦૨,૧૮,૩૪૯
૩. ડીવી.રેલવે (પશ્ચિમ) ૮,૮૭,૭૯,૫૯૪
૪. પ્રસાદ મિલ ૬,૯૮,૪૪,૮૦૬
૫. ગુજરાત ટેક્સટાઈલ ૩,૩૩,૦૫,૩૩૦
૬. ગુજરાત જિનિંગ ૨,૯૦,૩૭,૫૨૬
૭. કોમર્શિયલ મિલ ૨,૩૮,૫૬,૫૭૪
૮. સિવિલ હોસ્પિટલ ૨,૨૮,૧૪,૮૩૯
૯. ગુજરાત જિનિંગ ૧,૭૫,૬૯,૨૫૮
૧૦. બીબીસી માર્કેટ ૧,૩૮,૦૮,૪૧૨
૧૧. ગુજરાત જિનિંગ ૧,૨૪,૨૩,૩૧૯
૧૨. ડી.રેલવે (પાર્કિંગ) ૧,૧૭,૯૨,૮૫૧
૧૩. ગુજરાત જિનિંગ ૧,૧૩,૨૩,૪૯૫
૧૪. રજિસ્ટ્રાર (સ્ટેટ) ૧,૦૦,૪૨,૨૫૩
૧૫. અરુણ પ્રતાપ (પાર્કિંગ) ૯૯,૫૦,૦૮૩
૧૬. ગુજરાત જિનિંગ ૯૧,૯૧,૫૫૧
૧૭. એનટીસી ૮૮,૫૯,૭૯૬
૧૮. પી.એન્ડ ટી. ૮૨,૩૯,૨૦૩
૧૯. કે.બી. કોમર્શિયલ ૭૭,૭૨,૯૯૧
૨૦. ધનલક્ષ્મી માર્કેટ ૭૬,૯૮,૧૩૧
૨૧. ભંવરલાલ કાલુજી ૭૬,૭૭,૪૮૦
૨૨. નટવરલાલ (દાણાપીઠ) ૭૬,૪૩,૫૪૧
૨૩. ગુજરાત જિનિંગ ૭૦,૯૧,૬૩૬
૨૪. હોટેલ કેપ્રી (રિલીફરોડ) ૬૭,૨૭,૨૫૬
૨૫. જ્યુબિલી મિલ ૬૪,૯૧,૩૨૩
૨૬. પાર્વતી હોસ્પિટલ ૬૪,૩૪,૩૭૦
૨૭. એસઆરપી ટ્રેનિંગ ૫૪,૫૧,૪૫૪
૨૮. હર્ષવદન મંગળદાસ ૫૩,૭૪,૫૦૪
૨૯. ગુજરાત જિનિંગ ૫૩,૫૩,૨૯૯
૩૦. મેન્ટલ હોસ્પિટલ ૫૩,૫૨,૯૬૯
૩૧. સેક્રે.જીએસઆરટીસી ૫૨,૬૫,૩૮૭
૩૨. રવિ ચેમ્બર ૫૧,૯૭,૬૦૯
૩૩. ભોગીલાલ(હોસ્પિટલ) ૫૦,૫૭,૮૯૮