સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સ 470 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,700ની નીચે, યસ બેન્ક 16 ટકા તૂટ્યો

અમદાવાદ,તા:૧૯

યુએસ ફેડરલ રિઝર્વે બજારની અપેક્ષા મુજબ વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો, પણ ફેડરલ બેન્કે આગામી સમયમાં વ્યાજદર અંગે કેવું વલણ લેવામાં આવશે, એનો નિર્દેશ સ્પષ્ટ કર્યો નહોતો. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે સાવધાની વર્તતા આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરાશે કે નહીં એ વિશે કશી સ્પષ્ટતા કરી નહોતી. જેથી મિશ્ર સંકેતોની વચ્ચે સ્થાનિક શેરબજારમાં પણ ભારે વેચવાલીનું દબાણ રહ્યું હતું. જેથી સેન્સેક્સ 470 પોઇન્ટ તૂટીને 36,093.47ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 136 પોઇન્ટ તૂટીને 10,704.80ના મથાળે બંધ રહ્યો હતો.

સ્થાનિક શેરબજારોમાં બીએસઈના બધા ઇન્ડેક્સ મંદીમય હતા. નિફ્ટી પર બધા ઇન્ડેક્સ દોઢથી બે ટકા તૂટ્યા હતા. આઇટી, ઓટો બેન્ક, ફાર્મા, રિયલ્ટી, ઓઇલ અને ગેસ અને મેટલ શેરોમાં જોરદાર વેચવાલી હતી, યસ બેન્ક 16 ટકા તૂટ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ  ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઇ ઓટો ઇન્ડેક્સ સતત ચોથા દિવસે ઘટીને બંધ રહ્યો હતો. બીએસઈ ઓટો ઇન્ડેક્સ છ ટકા તૂટ્યો હતો. આ સાથે નિફ્ટી 50 ઇન્ડેક્સ સાત મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો. બજારમાં વીકલી એક્સપાયરીના દિવસે ભારે વેચવાલી જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો પણ નવ પૈસા ઘટીને રૂ. 71.31ના મથાળે બંધ રહ્યો હતો.

ક્રૂડ ઓઇલમાં આવેલો બે દિવસથી ઉછાળો શમ્યો હતો. સાઉદી ઇરેબિયાની અરામ્કોની રિફાઇનરી પર ડ્રોનથી હુમલો થયો હતો. જે બાદ ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો હતો. જોકે ઊંચા મથાળેથી ક્રૂડ ઓઇલની કિંમતો નીચે આવી હતી. જોકે શેરબજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન વીકલી એક્સપાયરીને દિવસે ભારે વેચવાલી ચાલુ રહી હતી. જેમાં સરકારી બેન્કો, ખાનગી બેન્કો, ઓટો, મેટલ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, એફએમસીજી, આઇટી, મિડિયા, ફાર્મા, રિયલ્ટી શેરોમાં જોરદાર વેચવાલી રહી હતી. જેમાં બેન્ક નિફ્ટી 414 પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે ઓટો અને રિયલ્ટી દોઢ ટકા જેટલા તૂટ્યા હતા નિફ્ટીના એફએન્ડ ઓ સેગમેન્ટમાં પણ 19 ઇન્ડેક્સ તૂટ્યા હતા.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 25 શેરોમાં મંદી થઈ હતી અને એનએસઈના નિફ્ટી50 ઇન્ડેક્સમાં 50માંથી 43 શેરોમાં મંદી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1,870 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે 814 શેરો સુધરીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક  એક્સચેન્જ પર 1,671 શેરો ઘટીને રહ્યા હતા, જ્યારે 487 શેરો વધીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 11 શેરો ઘટીને સાથે બંધ થયા હતા.

યસ બેન્ક 16 ટકા તૂટ્યો 

યસ બેન્ક ન ફ્ટી 50નો ટોપ લુઝર્સ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં યસ બેન્કના શેરમાં 16 ટકા ઘટાડો નોંધાયો હતો. કેર રેટિંગ્સે યસ બેન્કના પપ્રમોટર રાણા કપૂરની મોર્ગન ક્રેડિટ પ્રાઇવેટ લિ. (એમસીપીએલ)ના એનસીડીનું રેટિંગ ઘટાડ્યું હતું. કેર રેટિંગ્સે એમસીપીએલનું રેટિંગ  એ-થી ઘટાડીને બીબીબી- કર્યું હતું. જેથી શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને અનેક વર્ષોની નીચલી સપાટીએ આવી ગયો હતો.

દલાલ સ્ટ્રીટ પર 100થી વધુ શેરો 52 સપ્તાહના નીચલા સ્તરે

સ્થાનિક શેરબજારમાં સેન્સેક્સ 470 પોઇન્ટ અને નિફ્ટી50 ઇન્ડેક્સ 136 પોઇન્ટ તૂટ્યો છે. ત્યારે નિફ્ટી મિડિયા સેક્ટર ચાર ટકા જેટલો તૂટ્યો છે. જેમાં ઝી એન્ટરટેઇઉનમેન્ટ, ડિસ ટીવી, જાગરણ પ્રકાશન, ડેન નેવર્કસ, સન ટીવી હેથવે કેબલ સાત ટકાથૂ વધુ તૂટ્યા છે. બીએઇ ખાતે 246 શેરોએ નીચલી સરકિટ બનાવી હતી, જેમાં 100 શેરોએ તેની 52 સપ્તાહની નીચલી સપપાટીને સ્પર્શ્યા હતા. જેમાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, દાલમિયા ભારત, કેનેરા બેન્ક, સિન્ડિકેટ બેન્ક, ઇન્ડિયન બેન્ક, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને કોર્પોરેશન બેન્ક સહિત અન્ય શેરોનો સમાવેશ થાય છે.

જીએસટી કાઉન્સિલની  બેઠક પહેલાં સાવચેતી

જીએસટીની  કાઉન્સિલની 20 સપ્ટેમ્બરે બેઠક યોજાવાની છે. બજારમાં સતત સ્લો ડાઉન ચાલી રહ્યું છે, ત્યારે જીએસટી કાઉન્સિલ પાસે બજારને ઘણી અપેક્ષાઓ છે. જેમાં  ખાસ કરીને ઓટો ક્ષેત્રને જીએસટીના દરો 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે એવી આશા છે. બીજી બાજુ જીએસટીની વસૂલાત પણ અપેક્ષા કરતાં ઓછી છે. એક બાજુ ઓટો ક્ષેત્રે માગ 20 વર્ષના તળિયે પહોંચી છે. ત્યારે હોટેલ, સિમેન્ટ, સ્ટીલ, સિરેમિક ટાઇલ્સ અને સેનિટરી વેર ક્ષેત્ર પણ ટેક્સના ઘટાડેલા સ્લેબના દરો ઇચ્છી રહ્યા છે.

ટૂંકા ગાળા માટે બજારનું સેન્ટિમેન્ટ નબળું

છેલ્લા ચાર મહિનાથી શેરબજારનું સેન્ટિમેન્ટ નબળું છે. નિફ્ટી ઇન્ડેક્સ જૂનના પ્રારંભે તેના ઉપલા સ્તરથી 12 ટકા ઘટીને 23 ઓગસ્ટે 10,640 નીચલી સપાટીને સ્પર્શ્યો હતો. વળી, છેલ્લા બે મહિનામાં નિફ્ટી ઇન્ડેક્સ  200 દિવસની મુવિંગ એવરેજથી સતત નીચે ટ્રેડ થાય છે અને નિફ્ટીની રેન્જ 10,650થી 11,100 છે. બજાર આ સાંકડી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. હાલમાં બજાર આ રેન્જની વચ્ચે ટ્રેડ થાય છે. જોખમથી દૂર રહેવાના વલણને કારણે બજાર ટૂંકા ગાળામાં આ રેન્જમાં નકારાત્મક વલણ સાથે ટ્રેડ થવાની સંભાવના છે.

હીરા ઉદ્યોગમાં પણ મંદીના ભણકારા

વૈશ્વિક બજારમાં સ્લો ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે દેશમાં હીરા ઉદ્યોગ પણમંદીની ચુંગાલમાં ફસાયો છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા એક મહિનામાં કમસે કમ 5,000 હીરા કારીગરોએ નોકરી ગુમાવી છે. મંદીની માર નાની કંપનીઓ પર પણ પડી છે, જેમાં ઉત્પાદન કાપ મુકાયો છે અથવા વેપાર બંધ કરવામાં આવ્યો છે.