સિંહોમાં મરઘીથી વાયરસ ન ફેલાય તે માટે સરકારનું નિષ્ણાંતોની મદદથી આયોજન

ગીર જંગલ અને જંગલ બહાર વાયરસથી એક પછી એક એમ કુલ 25થી વધારે વનરાજોના મોત થયા હતા.  ગીર અને તેના આસપાસના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વાયરસ ન ફેલાય તે માટે નિષ્ણાંતોની મદદથી તકેદારી રાખવામાં આવી રહી છે અને ખુલ્લા કુવા પર પેરાપેટ વોલ બનાવવામાં આવશે તેવી રજૂઆત કરી છે.  લાયન શો બતાવવા માટે મરઘી પીરસાતાં તેમાં વાયરસ પણ મારણમાં ખાતાં સિહોના મોત થયા હોવાની શક્યતા છે. હાઈકોર્ટ ગેરકાયદેસર લાયન શો અને સિંહોની પજવણીથી લાલઘૂમ થઈ છે.

ઈલેક્ટ્રિક ફેન્સીંગથી થતા સિંહના મોત અટકાવવા માટે પગલા લેવામાં આવ્યા છે. ખુલ્લા કુવામાં સિંહ પડી જવાના બનાવો અવાર-નવાર બને છે. જેથી આવા ભયજનક કુવા પર માર્ક કરીને તેની ઉપર પેરાપેટ વોલ બનાવવામાં આવશે.

સરકારે વધુમાં રજૂઆત કરી હતી કે, ગીર અને તેની આસપાસના વિસ્તારમાં કોઈ પ્રકારનો વાઈરસ ન ફેલાય તેના માટે નિષ્ણાંતોની આગેવાનીમાં તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી મંગળવાર સુધી મુલત્વી રાખી છે. હાઈકોર્ટેમાં અગાઉ થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે અંદાજે 30થી 40 પેજનો જવાબ રજૂ કર્યો હતો. રાજ્ય સરકારનો જવાબ વાચવા માટે અરજદારના વકીલે સમય માગ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર જંગલમાં સાવજોના મોતથી વન વિભાગ દોડતું થઈ ગયું હતું. ભેદી વાયરસથી વનરાજોના મોત થયા સિંહપ્રેમીઓમાં પણ નારાજગી ફેલાઈ હતી. દરમિયાન ગેરકાયદે સિંહદર્શનનો પર્દાફાશ થયો હતો.

ગીરના સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે અને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એક કોષીય સજીવ અમીબા છે. પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેક્સિનેશન કરવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકાથી પણ વેક્સિન મંગાવી છે.

સિંહોનાં લોહીના નમૂના અને મૃત્યુ પામેલા સિંહોનાં ટીસ્યુનાં નમૂના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (એન.આઇ.વી.) પુનાના રિપોર્ટમાં ચાર સિંહોનાં શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે 6 કેસોમાં વેટરનરી કોલેજ જૂનાગઢ તરફથી મળેલા રિપોર્ટમાં TICKSથી ફેલાતા કેટલાક પ્રોટોઝોઆ ઇન્ફેક્શન જોવા મળ્યા છે. આ તમામ ઈન્ફેક્શન સરસીયા (ઋણીયો) વિસ્તારનાં સિંહો પૂરતું મર્યાદિત જોવા મળ્યું છે.

સંશોધન દરમ્યાન ચાર પ્રકારના ચેપી અને ગંભીર વાયરસ સામે આવ્યા હતા.  જેમાં ફેલાઈન પારવો નામના વાયરસમાં સિંહને ડાયેરિયા, વોમેટિંગ, ટેમ્પરેચર, લોહીવાળા ઝાડા થતા હોય છે. કેનાઈન ડીસ્ટેમ્પર વાયરસમાં સિંહોને નાકમાંથી પાણી આવે, તાવ, ઉલટી, ઝાડા, ઉધરસ, ભૂખ ન લાગવી જેવા ચિન્હો જોવા મળે છે અને ઈમ્યૂનો ડીફેસ્યન્સિમાં સિંહોને રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે અને તેના કારણે તમામ પ્રકારના રોગ લાગુ પડવાની શક્યતાઓ વધી જતી હોય છે.  તમામ વાયરસમાં એક જ પ્રકારના ચિન્હો જોવા મળતા હોય છે, પણ વાયરસ અલગ અલગ પ્રકારના હોય છે.

ગંભીર બીમારીઓ સામે વનવિભાગ પાસે તેને પહોંચી વળવા માટે આધુનિક ટેકનોલોજી અને લેબ હોવી ખૂબ જ જરૃરી છે.