બહુચર્ચિત ગાંધીનગર સિરિયલ કિલિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. જેના પર હત્યાઓની આશંકા હતી તે કિન્નર રાણી નિર્દોષ હોવાનું સામે આવ્યું છે.તેની એટીએસે પૂછપરછ કરી છે. જેમાં ખુલાસો થયો છે કે રાની કિન્નરની આ હત્યાઓમાં સંડોવણી નથી. સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાય છે તે હજુ પોલીસ પક્કડથી દૂર છે. આ કેસમાં હવે મુંબઇ પોલીસ પણ તપાસ કરી રહી છે. મુંબઇમાં આ જ રીતે ટ્રેનમાં બે મહિલાઓની હત્યા કરી દેવાતા ગાંધીનગરના હત્યારાનું મુંબઇ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. જેથી મુંબઇ પોલીસે ગાંધીનગરમાં તપાસ શરૂ કરી છે.
ઓક્ટોબર 2019 થી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એક સરખી અને એક પિસ્તોલથી કરવામાં આવી હતી. 14મી ઓક્ટોમ્બરે દંતાલી નજીક જયરામ રબારીની હત્યા કરાઇ હતી, તેમની પાસેથી 70 હજાર રૂપિયાના દાગીનાની લૂંટ થઇ હતી. 9 ડિસેમ્બરે કોબા નજીક કેશવ પટેલની હત્યા કરી દેવાઇ હતી અને 26 મી જાન્યુઆરીએ શેરથા નજીક જુઠાજી ઠાકોરની હત્યા કરીને અઢી લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરાઇ હતી. ત્રણેય હત્યાઓ એક જ સ્ટાઇલથી કરવામાં આવતા ગાંધીનગર એસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરાઇ હતી અને સમગ્ર કેસની ઉંડી તપાસ શરૂ કરવામાં આવી હતી.