અમપાના દક્ષિણઝોન ના લાંભા અને બહેરામપુરા વોર્ડ એસ્ટેટખાતાના અધિકારીઓ અને વહીવટદારો માટે “સોનાની ખાણ” સમાન છે. વોર્ડમાં બાંધકામ તોડવામાં આવતા નથી. ઉચ્ચકક્ષાએથી દબાણ હોય તો બાંધકામ દૂર કરવામાં આવે છે. પરંતુ બે-ત્રણ મહીનામાં જ ફરીથી બાંધકામ થઈ જાય છે. બહેરામપુરા વોર્ડના સુએઝફાર્મ વિસ્તારના બાંધકામોમાં આવી જ પરીસ્થિતિ જોવા મળે છે.
દક્ષિણઝોનના લાંભા અને બહેરામપુરા વોર્ડમાં ભૂ-માફીયાઓનો દબદબો છે. આ બંને વોર્ડમાં સરકારી અને મ્યુનિ. જમીનો પર મોટા પાયે દબાણ થાય છે. એક અંદાજ મુજબ લાંભા વોર્ડમાં જ ૪૪.પ હેકટર સરકારી જમીન ભૂ-માફીયાઓના કબજામાં છે. મ્યુનિ. કોર્પોરેશનની અંદાજે પાંચ લાખ ચો.મી. જમીન પર દબાણ છે. ટી.પી. પપ અને પ૬ માં જ બે લાખ ચો.મી. જમીન પર ગેરકાયદેસર કબજા છે.
જયારે બહેરામપુરા વોર્ડના સુએજ ફાર્મ વિસ્તારમાં સરકારી જમીન પર ૮૦ કરતા વધારે અનઅધિકૃત ફેકટરી શેડ પ્રકારના બાંધકામ છે. જેને દૂર કરવામાં આવતા નથી. જેના માટે પોલીસ બંદોબસ્તના કારણો આપવામાં આવે છે. જયારે વાસ્તવીકતા અલગ જ છે. બહેરામપુરા વોર્ડમાં પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ પણ ડીમોલેશન કરવામાં આવતા નથી. સુએઝ ફાર્મમાં “રાજુ-વિકાસ” નામની ફેકટરી વિષ્ણુલક્ષ્મી ફેકટરીની સામેની ગલીમાં છે. જેમાં પાંચ હજાર ચો.મીનું ગેરકાયદેસર બાંધકામ છે.
જેને તોડવા માટે દક્ષિણઝોન એસ્ટેટખાતા દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. દાણીલીમડા પોલીસ સ્ટેશને ૧૯ નવેમ્બર ર૦૧૮ના દિવસનો બંદોબસ્ત પણ આપ્યો હતો. ઝોન એસ્ટેટ ખાતાના અધિકારીઓ ડીમોલેશન સ્ટાફ સાથે રાજુ-વિકાસના બાંધકામને તોડવા માટે રવાના થયા હતા. પરંતુસ્ટાફ સ્થળ પર જઈને કાર્યવાહી શરૂ કરે તે પહેલા જ ડે.કમીશ્નર પરાગ શાહે તેમને પરત ફરવા આદેશ કર્યા હતા. ડે.કમીશ્નરે કોના દબાણથી સ્ટાફને પરત બોલાવ્યો હતો. તે હજુ સુધી અધ્યાહાર છે. નોધનીય બાબત એ છે કે પોલીસ બંદોબસ્ત મળવા છતાં બાંધકામ તોડવામાં આવ્યું ન હતું ત્યારબાદ પેપર પર મજબુત થવા માટે બે વખત બંદોબસ્ત માંગવામાં આવ્યા હતા.
સુએઝ ફાર્મમાં ગેરકાયદેસર બાંધકામની ચેઈન ચાલી રહી છે. ભારત નામથી લગભગ આઠ ફેકટરીના અનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યા છે. જેને દુર કરવામાં ડે.કમીશ્નર અને વોર્ડ ઈન્સ્પેકટરને રસ નથી. બહેરામપુરા વોર્ડમાં ખોડીયારનગર વિસ્તારના બાંધકામ ને દુર કરવા માટે રજા દિવસે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. દાણીલીમડા પોલીસ સ્ટેશને બંદોબસ્ત આપ્યો હોવા છતાં તેને પણ તોડવામાં આવ્યું નથી.
દક્ષિણઝોનના ડે.મ્યુનિ. કમીશ્નર અગમ્ય કારણોસર ભૂ-માફીયાઓને બચાવી રહયા છે. બહેરામપુરા અને લાંભા વોર્ડના પંદર કરતા વધુ અનઅધિકૃત બાંધકામોને તોડવા માટે સ્થળ પર ટીમ મોકલવામાં આવ્યા બાદ તેને પરત બોલાવવામાં આવી છે.
જેમાં વિનસ ડેનીમ, કોમલ ટેક્ષટાઈલ્સ, રાજુ-વિકાસ મુખ્ય છે. જયારે આર.વી. ડેનીમ સહીત દસ સ્થળે ડીમોલેશન થયા બાદ ફરીથી બાંધકામ થઈ ગયા છે.
લાંભા (પૂર્વ) વોર્ડમાં અંબિકા ગ્લાસનું બે મહીના અગાઉ ડીમોલેશન કરવામાં આવ્યું હતું. તે સ્થળેથી ફરીથી બાંધકામ થઈ ગયા છે.
બાલાજી એસ્ટેટમાં પણ ચાર સ્થળે અનઅધિકૃત બાંધકામ ચાલી રહયા છે. જેને નજર અંદાજ કરવામાં આવી રહયા છે. ચોકાવનારી માહિતી મુજબ લોકસભા ચુંટણી ર૩ એપ્રિલના દિવસે પણ ડિમોલેશન માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.