સુઝુકી મોટર્સ ગુજરાતમાં લિથિયમ આયર્ન બેટરીનો પ્લાન્ટ શરૂ કરશે

ગાંધીનગર, તા. ૩૧

જાપાનની સુઝુકી મોટર અને તોશીબાએ આજે જણાવ્યું છે કે ગુજરાતમાં તેમની લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર(જેવી) વર્ષ 2020 થી મોટા પાયે ઉત્પાદન શરૂ કરશે.

કેનિચિ આયુકાવા મેનેજિંગ ડિરેક્ટર અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના સીઇઓએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઇન્ડિયા જાપાન બિઝનેસ એન્ડ ટૂરિઝમ કોનક્લેવમાં કહ્યું હતું કે, સુઝુકી જૂથ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા દ્રષ્ટિ માટે પ્રતિબદ્ધ છે. સુઝુકી મોટરનું ગુજરાતમાં વિસ્તરણ ચાલુ છે અને 2020માં ગુજરાતનો પ્લાન્ટ 7.5 લાખ યુનિટ ઉત્પાદનની પૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરશે. સુઝુકી, તોશીબા અને ડેન્સો વચ્ચેનો લિથિયમ આયન બેટરીનો સંયુક્ત પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે અને 2020 માં તેની કામગીરી શરૂ કરશે.

મેનેજિંગ ડિરેક્ટર, તોશિબા ઇન્ડિયા પ્રા. લિમિટેડના તોમોહિકો ઓકાડાએ કહ્યું હતું કે, ગુજરાતમાં લિથિયમ બેટરી પ્લાન્ટ વર્ષ 2020 માં તેનું ઉત્પાદન શરૂ કરશે.

તેમણે કહ્યું કે, તોશીબા, સુઝુકી અને ડેન્સોએ ભારતમાં પ્રથમ, ઓટોમોટિવ લિથિયમ બેટરીના ઉત્પાદન માટે સંયુક્ત સાહસ કંપનીની સ્થાપના કરી હતી. આ પ્લાન્ટ હાંસલપુરમાં હશે.  ભારતમાં લિથિયમ બેટરી મેન્યુફેક્ચરિંગ માટેનું આ સંયુક્ત સાહસ પ્રથમ ઉત્પાદન એકમ હશે.  આ સાહસ મોટાપાયે ઉત્પાદન શરૂ કરશે, જે ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘ક્લીન ઈન્ડિયા’ પહેલ માટે યોગદાન આપશે.

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં સ્લો ડાઉન અંગેના પ્રશ્નના જવાબમાં સુઝુકી મોટર્સના કેનીચિ આયુવાવાએ કહ્યું હતું કે, દુર્ભાગ્યવશ અત્યારે ઓટોમોબાઈલ ઉદ્યોગ ધીમો પડી રહ્યો છે, પરંતુ કેન્દ્રના ઉચિત પગલાંને કારણે ઝડપથી આ ઉદ્યોગ ફરીથી ધમધમશે.

ગુજરાતમાં એક નવી ફેક્ટરી તૈયાર કરવામાં આવી રહી છે અને નવા વર્ષમાં તેનો પ્લાન્ટ કાર્યરત થઈ જશે. આયુકાવાએ ગુજરાતમાં કંપનીની કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) અંગે કહ્યું કે, સીએસઆરના ભાગ રૂપે અમે ટૂંક સમયમાં ગુજરાત પ્લાન્ટ નજીક એક શાળા અને છાત્રાલય શરૂ કરીશું મારુતિ સુઝુકી દ્વારા જેઆઈએમ (જાપાન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર મેન્યુફેક્ચરિંગ)એ વિદ્યાર્થીઓની બે બેચ પૂર્ણ કરી છે. પ્રથમ બેચમાં 100 ટકા પ્લેસમેન્ટ હતું અને બીજી બેચ ટૂંક સમયમાં પ્લેસમેન્ટ કરશે. કંપનીએ હરિયાણામાં બીજી જીઆઈએમ શરૂ કરી દીધી છે.