કલર અને ઇફેક્ટ પિગમેન્ટના ક્ષેત્રમાં 60 વર્ષથી સક્રિય સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના શેરનો વર્તમાન બજાર ભાવ રૂા. 326નો છે. છેલ્લા બાવન અઠવાડિયામાં તેણે રૂા. 510.10નું ટોપ અને રૂા.290.20નું બોટ જોયું છે. 1952માં તેણે ઇનઓર્ગેનિક પિગમેન્ટના મેન્યુફેક્ચરિંગથી આરંભ કર્યો હતો. તેની પાસે એઝો પિગમેન્ટ અને હાઈપરફોર્મન્સ પિગમેન્ટ્સનો મોટો પ્રોડક્ટ પોર્ટફોલિયો છે. કંપની ઇન્ક પણ મેન્યુફેક્ચર કરે છે. કોસ્મેટિક માર્કેટ માટેના કલર પણ તૈયાર કરે છે.
ભારતની પિગમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં સુદર્શન કેમિકલ એક બહુ જ જાણીતું નામ છે. વિશ્વની પિગમેન્ટના સેક્ટરની ચોથા ક્રમની મોટી કંપની તરીકે તેણે નામના હાંસલ કરેલી છે. યુરોપ, અમેરિકા અને એશિયાના માર્કેટમાં તે સારી નિકાસ કરે છે. કંપનીનું પરફોર્મન્સ સારુ છે અને આગામી દિવસોમાં પણ સારું પરફોર્મન્સ આપે તેથી શેરહોલ્ડર્સ માટે લાભદાયી બની રહેવાની સંભાવના છે. કારણ કે અમેરિકાના બજારમાં તેને બિઝનેસ વધારવાનો અનેરો અવસર મળ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરને પરિણામે અમેરિકાએ ચીનથી આયાત કરવામાં આવતા કલર પિગમેન્ટ પરની ટેરિફમાં ખાસ્સો વધારો કરી દીધો છે. તેને પગલે ચીનથી કરવામાં આવતી આયાત તેમને મોંઘી પડવા માંડી છે.
આ સંજોગોમાં ભારતની આ કંપનીને ચીનની નિકાસમાંથી મોટો હિસ્સો અંકે કરી લેવાની અત્યારે તક મળી છે. કંપનીને મળનારો આ લાભ 2020ની સાલના તેના પરફોર્મન્સમાં રિફ્લેક્ટ થતો જોવા મળશે. ચીન સાથેના ટ્રેડવોરને કારણે અમેરિકાના બલ્ક સપ્લાયર્સે ચીનથી આયાત કરીને મોટો સ્ટોક કરી લીધો છે. આ સ્ટોક ખતમ થાય તે પછી ભારતીય કંપની સુદર્શન કેમિકલ્સને અમેરિકામાંથી નવા મોટા ઓર્ડર મળતા થવાની સંભાવના વધી ગઈ છે.ચીનમાં અત્યારે પર્યાવરણ ખરાબ થવાના પ્રશ્નો વધુ ગંભીર બની ગયા છે. તેથી અત્યાર સુધી પિગમેન્ટની નિકાસ કરનાર ચીન આયાત કરવા પર વળી જાય તેવી સંભાવના રહેલી છે. તેથી સુદર્શન કેમિકલને ચીનના બજારનો પણ લાભ મળી શકે છે. એગ્રોકેમિકલ્સના બજાર પર પણ સુદર્શન કેમિકલ્સ સારુ વર્ચસ્વ ધરાવે છે. કંપનીના કુલ ઉત્પાદનમાંથી 53 ટકા નિકાસ કરે છે અને બાકીના 47 ટકા પ્રોડક્ટ્સ ભારતીય બજારમાં વેચે છે.
આગામી દિવસોમાં ઊભી થનારી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સુદર્શન કેમિકલ્સે રૂા.1000 કરોડનો મૂડી ખર્ચ કરવાનું આયોજન કર્યું છે. 2022 સુધીમાં આ મૂડી ખર્ચ કરીને કંપની તેની ક્ષમતામાં વધારો કરશે. 2019ના વર્ષમાં કંપનીએ રૂા. 200 કરોનો ખર્ચ કર્યો છે. તેમાંથી 80 કરોડ બેકવર્ડ ઇન્ટિગ્રેશન માટે ખર્ચ્યા છે. રોહા વિસ્તારમાં સપ્લાય લાઈનને સંગીન બનાવી છે. બકેવર્ડ ઇન્ટીગ્રેશનમાં કંપનીને ફાઈનલ પ્રોડક્ટ તૈયાર કરવા માટે જોઈતા કાચા માલનો સપ્લાય પહેલા ગણતરીમાં લેવામાં આવે છે. આમ કંપનીએ ગયા વરસે કાચા માલના સપ્લાય માટેની વ્યવસ્થાને સંગીન બનાવવા માટે રૂા.80 કરોડનો ખર્ચ કરી દીધો છે. 2020ની સાલમાં બીજા રૂા. 200 કરોડ આ હેતુથી રોકવાાં આવશે.
પિગમેન્ટ ઉદ્યોગના વિકાસ માટે વિશ્વબજારમાં વધી રહેલી તકનો પૂરો લાભ લેવા માટે કંપનીએ કમર કસી લીધી છે. ભારતમાં પણ કલર પિગમેન્ટનું બજાર વિકસવાની શક્યતા ઘણી જ વધારે છે. વિશ્વના દેશોમાં કલર પિગમેન્ટ પાછળ માથાદીઠ કરવામાં આવતા ખર્ચની તુલનાએ ભારતમાં કરવામાં આવતો ખર્ચ ઘણો જ ઓછો છે. છેલ્લા બે વર્ષથી આ સ્થિતિમાં ખાસ્સો ફેરફાર આવવા માંડ્યો છે. કેન્દ્ર સરકારે દરેક ગરીબને 2022 સુધીમાં પાક્કું ઘર આપવાના કરેલા નિર્ધારને પરિણામે પણ ડિમાન્ડ વધી રહી છે. તેમ જ સુન્દર-સુઘડ ઘરમાં રહેવાની લોકોની વધેલી માનસિકતા પણ વેપારમાં વધારો કરી રહી છે. બીજી તરફ વાહનોને પેઈન્ટ કરવા માટે કરવામાં આવતા ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રીજું, આ પ્રકારના ખર્ચ કરવા માટેના વધારાના પૈસા પણ મધ્યમ વર્ગની પ્રજા પાસે જોવા મળી રહ્યા છે.
મધ્યમ વર્ગના પરિવારોની સંખ્યા પણ વધી રહી છે. એક જ પરિવારમાં પહેલા એક જણ કમાતો હતો, હવે બે કે ચાર કે તમામ લોકો કમાતા થઈ ગયા છે. તેથી જીવન ધોરણ ઊંચું આવ્યું છે. તેથી તેઓ વધુ સારી સુવિધા ભોગવવાની માનસિકતા કેળવતા થયા છે. તેથી જ છેલ્લા ત્રણ વર્ષથી કંપનીનું વેચાણ અને નફો સતત વધી રહ્યા છે. નાણાંકીય વર્ષ 2018-19માં કંપનીનું વેચાણ રૂા.1432.80 કરોડનું રહ્યું છે. તેની સાથે જ ચોખ્ખો નફો 76 ટકાના વધારા સાથે રૂા.149.52 કરોડની સપાટીએ આવી ગયો છે. 2019-20માં કંપનીની શેરદીઠ કમાણી રૂા.16.5ની થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
સ્ટોકના ટેકનિકલ એનાલિસ્ટ નિલય વ્યાસનું કહેવું છે કે અઠવાડિક ચાર્ટ પર નજર નાખવામાં આવે તો શેરનો ભાવ એક જ રેન્જમાં છે. શેરબજારમાં રોકાણ કરવામાં વધુ જોખમ લેવાની તાકાત ધરાવનારાઓ વર્તમાન બજાર ભાવે શેરમાં રોકાણ કરી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ કરીને ધીરજ રાખીને બેસી રહેનારાઓ શેરનો ભાવ રૂા. 318-321ની રેન્જમાં આવે ત્યારે થોડુંક રોકાણ કરીને ભાવ વધવાની રાહ જોઈ શકે છે. આ આયોજન સાથે જ સ્ટોપલોસ પહેલાથી જ નક્કી કરીને ઇન્વેસ્ટર્સે રોકાણ કરવાનું રહેશે. કંપનીના શેરના ભાવ વધીને મધ્યમગાળામાં 352થી 386ની રેન્જમાં પહોંચી શકે છે.
વર્ષ | ચોખ્ખું વેચાણ (રૂા. કરોડમાં) | ચોખ્ખો નફો (રૂા. કરોડમાં) |
2017-18 | 1305.80 | 84.83 |
2018-19 | 1432.86 | 149.52 |
2019-20 | 1618.51 | 114.28 |