ગાંધીનગર, તા. 08
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરની હોટેલો અને રેસ્ટોરન્ટના રસોડામાં દરેક ગ્રાહકને પ્રવેશ આપવાના નિયમને અમલી બનાવ્યાના બીજા જ દિવસે સુરતમાં ફરાળી લોટમાં ભેળસેળ કરતાં બે એકમોને રૂ. 5-5 લાખનો દંડ ફટકાર્યો છે.
ફરાળી લોટમાં ઘઉંના લોટની ભેળસેળ
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરાળી લોટ અંગે વિશેષ ડ્રાઈવ યોજીને રાજ્યભરમાંથી નમુના એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમુનામાં સુરતના બે એકમોના લોટના નમુના નિષ્ફળ થયા હતા. આ અંગે વિગતો આપતાં કમિશનર એચ. જી. કોશિયાએ કહ્યું કે, સુરતની શ્રદ્ધા ટ્રેડિંગ અને જયશ્રી સ્વામિનારાયણ નામના બે એકમોના ફરાળી લોટમાં ભેળસેળ માલુમ પડી હતી અને તેઓ ફરાળી લોટમાં ઘઉંના લોટની ભેળસેળ કરતા હોવાનું ટેસ્ટમાં માલૂમ પડ્યું હતું. આ સંદર્ભે બન્ને એકમોને રૂ. 5-5 લાખ એમ કુલ રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, આ ડ્રાઈવ દરમિયાન સરકારે રૂ. 1.1 કરોડનો દંડ વસૂલ્યો છે. ”
પેકેજ્ડ વોટરના નમુના પણ નિષ્ફળ
સમગ્ર રાજ્યમાં હાલમાં પેકેજ્ડ વોટરની બોલબાલા વધી છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ મામલે અનેક ફરીયાદો મળી હતી. જેમાં આ પાણી પીવાલાયક નહિ હોવાની ફરીયાદો અનેક હતી. જે સંદર્ભે વિભાગ દ્વારા ચાલુ વર્ષે રાજ્યમાંથી આવા પેકેજ્ડ વોટર વેચતા અને બનાવતા એકમો પર પણ તપાસ કરવામાં આવી હતી અને તેમના પાણીના નમુના લીધા હતા. જેમાં ગુણવત્તાની દ્રષ્ટિએ 28 ટકા પેકેજ્ડ વોટરના નમુના નિષ્ફળ નીવડ્યા હતા. જે અનહાઈજેનિક કંડિશનમાં પેકિંગ અને અન્ય કારણોસર નિષ્ફળ થયા હોવાનું જાણવા મળ્યું છે.