સુરત અને મુંબઇ વચ્ચે 15મી નવેમ્બરથી ક્રુઝ સર્વિસ શરૂ કરાશે

ગાંધીનગર, તા.૧૯
મુંબઇ અને સુરત વચ્ચે 15મી નવેમ્બરથી ક્રુઝ સર્વિસ શરૂ થશે, જેનો લાભ સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને મળશે. આ ક્રુઝમાં પ્રવાસીઓ ઉપરાંત કાર્ગોની સુવિધા પણ હશે, જેથી વ્યાપારીઓ તેમજ બિઝનેસ પર્સન તેનો ઉપયોગ કરી શકશે.

મુંબઇ સ્થિત સમુદ્રી શિપીંગ કંપનીએ સુરત અને મુંબઇ બંદરો વચ્ચે ક્રુઝ સંચાલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેને ગુજરાત સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી હોવાનું ગુજરાત મેરીટાઇમ બોર્ડના સીઇઓ મુકેશકુમારે જણાવ્યું છે. ક્રુઝ સેવાઓનું ઉદ્દધાટન 10મી નવેમ્બરે કરાશે. જ્યારે વાણિજ્યિક સંચાલન 15મી નવેમ્બરે શરૂ કરાશે.

એસએસઆર મરીન સર્વિસિઝના મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવ અગ્રવાલે કહ્યું છે કે, ઘણાં લાંબા સમયથી અમે સુરત અને મુંબઇ વચ્ચે સમુદ્દના રસ્તાને જોડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ગુજરાત સરકારે અમને ક્રુઝ સર્વિસ શરૂ કરવાની અનુમતિ આપી છે.

અગ્રવાલે કહ્યું કે અમે ક્રુઝ જહાજ ચલાવવા માટે હજીરામાં એક કંપનીના આધુનિક જેટનો ઉપયોગ કરવાના છીએ. આ જહાજ સુરતના હજીરાથી રવાના થશે જે બાંદ્રા પહોંચશે. આ જહાજ બાંદ્રા વર્લી સીલિંક માટે ગુરૂવારે સાંજે પાંચ કલાકે રવાના થશે અને શુક્રવારે સવારે 9 કલાકે હજીરા પહોચશે. ફરીથી આ જહાજ હજીરાથી શુક્રવારે સાંજે પાંચ કલાકે રવાના થશે અને બાંદ્રા વર્લી સીલિંગ બીજા દિવસે પહોંચશે.

આ જહાજમાં પ્રવાસીઓ માટે લકઝરી સુવિધા હશે અને પાર્ટી કરવા માટેનો અવકાશ રહેશે. જહાજની યાત્રા પ્રવાસીઓની સંખ્યાના આધારે વધારવામાં આવશે. પ્રવાસીઓ ઓનલાઇન ટીકીટ બુક કરાવી શકશે.
આ જહાજમાં ત્રણ ડેક પર 250 પ્રવાસીઓને બેસવાની સુવિધા છે. આરામદાયક સફર માટે લાઉંજ અને કેબિન હશે. બહેતર ગતિશીલતા માટે ટ્વિન સ્ક્રૂ સજ્જ હશે. સુરત અને મુંબઇ વચ્ચેને ક્રુઝ સેવાઓ આવનારા દિવસોમાં સમુદ્રી પરિવહન અને પર્યટન માટે નવો રસ્તો ખોલશે. ગુજરાતના દરિયાકિનારો ક્રુઝ માટે સાનુકૂળ હોવાથી જેટલી ક્રુઝ સર્વિસ શરૂ થશે તેને પ્રવાસીઓની સંખ્યા મળી રહેશે.