સૂક્ષ્મ સિંચાઈ : જીએસટી સબસિડીનો લાભ ઓળવી ગઈ

કરણ રાજપૂત
દેશનાં ગામડે ગામડે અને ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની સરકારની અતિ મહત્ત્વાકાંક્ષી યોજનાને જીએસટીનું ગ્રહણ લાગી ગયું છે. ‘પર ડ્રોપ મોર ક્રોપ’ નામની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ સરકારે ૫,૩૦૦ કરોડ રૂપિયાનાં બજેટની ફાળવણી કરી છે. ખેડૂતોની આવક ડબલ કરવા અને સિંચાઈક્ષેત્રનો વ્યાપ વધારવા માટે વર્ષ ૨૦૧૯ સુધી રૂપિયા ૫૦ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. દેશમાં સૂક્ષ્મ સિંચાઇમાં હેક્ટરદીઠ આંકમાં રાજસ્થાન નંબર વન હોવા છતાં ગુજરાતની પ્રગતિ આવકારદાયક છે. ગુજરાત સરકારે નવાં બજેટમાં સબસિડી ૭૦ ટકા કરી પણ કેન્દ્રે જીએસટી ૧૮ ટકા લાગુ કરતાં સરકારની અતિ મહત્ત્વાંકાંક્ષી યોજનાનો ૩૧મી જુલાઈ બાદ ઘડોલાડવો થઈ ગયો છે. ગુજરાતમાં હવે નવાં બજેટની જોગવાઈ કર્યા બાદ જીજીઆરસી ખેડૂતો સાથેના ત્રિપક્ષીય કરાર અંતર્ગત કામગીરી કરી રહી છે પણ નવી અરજી સ્વીકારાઈ રહી નથી.
દેશભરમાં જીએસટી લાગુ થયા બાદ સૂક્ષ્મ સિંચાઈ યોજના પર પણ ઇફેક્ટ પડતાં ખેડૂતો ૧૮ ટકા જીએસટી ચૂકવવાની સ્થિતિમાં આવી ગયા હતા. આમ ગુજરાત સરકારે એક હાથે લાભ આપ્યો પણ કેન્દ્રએ બીજા હાથે છીનવી લીધો હતો. આ બાબતે પડેલી મડાગાંઠ ઉકેલાતી જ ન હતી. છેલ્લા બે માસથી સોલર અને સૂક્ષ્મ સિંચાઈ યોજનાઓ અંશતઃ ખોરંભે ચડી ગઈ છે. જે અંતર્ગત રાજ્ય સરકાર અને જીજીઆરસી દ્વારા પણ પ્રયત્નો કરાઈ રહ્યા હતા. આખરે હૈદરાબાદની બેઠકમાં આંશિક સફળતા મળી છે. સૂક્ષ્મ સિંચાઈમાં ૧૮ ટકા જીએસટીનો દર ઘટાડીને ૧૨ ટકા કરવા નાણા મંત્રાલયને કાઉન્સિલે ભલામણ કરી દીધી છે. જેના નોટિફિકેશન બાદ આ સ્લેબ અંતર્ગત કામગીરી કરવી પડશે. દેશમાં આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં જ ૫ ટકા વેટ લાગુ થતો ન હોવાથી શૂન્ય ટેક્સના આધારે ખેડૂતોને થનારો ફાયદો જીએસટી ઓળવી ગયો છે. સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે હવે સરકાર ૭૦ ટકાની સબસિડી વધારીને ૮૨ ટકા કરે અથવા ખેડૂતોએ ૧૨ ટકા જીએસટીનો દર ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
રાજ્યમાં માર્ચ ૨૦૧૫ સુધીમાં ૧૫ લાખ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો લાભ લીધો છે. એક ખેડૂત ૧ લાખની મશીનરી ખરીદે તો ૭૦ ટકા સબસિડીના આધારે ૩૦ હજાર રૂપિયા ભરવાના થતા હતા. હવે ખેડૂતે ૧૨ ટકા જીએસટીને પગલે રૂપિયા ૪૨ હજાર આસપાસ ખર્ચ કરવો પડશે. આ બાબતે નવી ગાઇડલાઇન પણ જાહેર થઈ શકે છે. રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ અતિ મહત્ત્વની યોજના છે. વરસાદી ખાધ ધરાવતાં ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધારવા માટે જીજીઆરસી નામની એક અલગથી કંપનીની પણ રચના કરાઈ છે.
દેશમાં ખેતીલાયક ૩૨.૮ કરોડ હેક્ટર જમીનવિસ્તાર પૈકી ૧૬.૨ કરોડ હેક્ટર જમીનમાં ખેતી થાય છે. ૨૧ ટકા જમીન પર જંગલ અને ૨૪ ટકા જમીન બિનઉપજાઉ પડી રહી છે જ્યાં ત્રણથી ચાર વર્ષે એકાદવાર ખેતી થાય છે. આમ પણ વિશ્વમાં સૌથી વધુ ખેતીલાયક વિસ્તાર ભારત પાસે છે. આ ૫૨ ટકા ખેતીલાયક જમીન પૈકી ૪.૫ કરોડ હેક્ટરમાં જ સિંચાઈની સુવિધા છે.
દેશમાં સિંચાઈ યોજના પાછળ ૧૯૫૧થી લઈને ૨૦૧૧ સુધીની અલગ અલગ પંચર્વિષય યોજનાઓ હેઠળ ૩.૫૧ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૫-૧૬થી ૨૦૧૯ સુધીમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ બજેટમાં ૫૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. દેશમાં ૮૫ લાખ હેક્ટરની આસપાસ સૂક્ષ્મ સિંચાઈથી ખેતી થાય છે. જે આંકને ૭ કરોડ હેક્ટરે પહોંચાડવાના લક્ષ્યાંકને આધારે સરકાર કામગીરી કરી રહી છે. દેશમાં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, રાજસ્થાન અને ગુજરાત એ સૂક્ષ્મ સિંચાઈમાં અગ્રેસર રાજ્યો છે. દેશમાં દર વર્ષે ૫.૫૦થી ૬.૫૦ લાખ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઈની વધતી ખેતીમાં ગુજરાત અગ્રેસર છે.
ગુજરાતમાં સૌથી વધુ સૂક્ષ્મ સિંચાઈથી ખેતી બનાસકાંઠા જિલ્લામાં થાય છે. જુલાઈના અંતમાં આવેલાં વરસાદી પૂરમાં ખેડૂતોને મોટાપાયે નુકસાન અંતર્ગત સરકારે પાક નુકસાન અને જમીનધોવાણના કેસમાં પ્રથમ તબક્કામાં ૩૭૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે પણ સૂક્ષ્મ સિંચાઈમાં નુકસાન બાબતે કોઈ જોગવાઈ કરાઈ નથી. આ તમામ ખેડૂતોએ નવેસરથી યોજનાનો લાભ મેળવવો હોય તો સરકારી નિયમો નડી રહ્યા છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ૨,૫૦૦ કરોડ રૂપિયાની કરાયેલી જોગવાઈમાં રાજ્યને ૨૭૫ કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. બજેટમાં આંધ્ર પ્રદેશને ૪૨૫ કરોડ રૂપિયા ફાળવાયા છે. મહારાષ્ટ્રમાં પણ ૩૮૦ કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. પૂર્વોત્તર અને પર્વતીય રાજ્યોમાં તો ૯૦ ટકા સુધી સબસિડી અપાય છે. ગુજરાતમાં પણ ખેડૂતો સરકાર સબસિડીના ધોરણમાં વધારે કરે તેવી માગ કરી રહ્યાં છે.