સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળ્યા, અત્યાર સુધીમાં સંખ્યાબંધ ફોન મળી ચુક્યા છે.

સેન્ટ્રલ જેલ સ્ટાફે એક જ દિવસમાં બે મોબાઈલ ફોન શોધી કાઢી ત્રણ કેદી સામે નામજોગ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપી દીધી છે. પ્રથમ વખત સીસીટીવી ફૂટેજની મદદથી પાકા કામના કેદીએ પ્લાસ્ટીકની ડોલમાં છુપાવેલો મોબાઈલ ફોન જેલ કર્મચારીઓએ શોધી કાઢ્યો છે.

સાબરમતી જેલના ગ્રુપ-2ના જેલર કનુભાઈ એસ. પટણીએ બે પાકા કામના કેદી ફારૂક ઉર્ફે ગોલી ઉસ્માન અને રૂપેન્ર્દ્રસિંગ ગુરમીતસિંગ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે શનિવારે સાંજે સવા છ વાગે જુની જેલ બડા ચક્કર બેરેક નં.3 આફટરમાં બંધી થતા ઝડતી સ્કવૉડે પાકા કામના કેદી ફારૂક ઉર્ફે ગોલી ઉસ્માન પાસે રહેલી પ્લાસ્ટીકની ડોલમાં છુપાવેલો સીમ કાર્ડ વિનાનો એક મોબાઈલ ફોન કબ્જે લીધો હતો. સીસીટીવી ફૂટેજમાં પાકા કામનો કેદી રૂપેન્દ્રસિંગ ગુરમીતસિંગ પ્લાસ્ટીકની કોથળીમાં કોઈ વસ્તુ પ્લાસ્ટીકની ડોલમાં છુપાવતો હોવાનું નજરે જોવા મળ્યું હતું. જેથી મોબાઈલ ફોન મળી આવવાના મામલામાં ફારૂક અને રૂપેન્દ્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજા કિસ્સામાં ગ્રુપ-2ના જેલર હમીરભાઈ રાણાભાઈ લાંબાએ કાચા કામના કેદી સંજય ઉર્ફે સાંગો બળદેવભાઈ ઠાકોર વિરૂદ્ધ રાણીપ પોલીસને ફરિયાદ આપી છે. ગઈકાલે શનિવારે બપોરે સર્કલ યાર્ડના સુબેદાર બળવંતસિંહ ઈશ્વરસિંહ રાવે જેલર હમીર લાંબા પાસે એક મોબાઈલ ફોન જમા કરાવ્યો હતો. સુબેદાર બળવંતસિંહને બેરેક નંબર 5/2માં રહેલા કેદી સંજય ઉર્ફે સાંગોની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની તલાશી લીધી હતી. સંજય ઉર્ફે સાંગોએ પેન્ટના નેફામાં છુપાવી રાખેલો સીમ કાર્ડ સાથેનો એક મોબાઈલ ફોન મળી આવતા સુબેદાર બળવંતસિંહે કબ્જે લીધો હતો.

સંખ્યાબંધ ફોન મળ્યા છતાં જેલ કર્મચારીની સંડોવણી સામે આવી નથી

સેન્ટ્રલ જેલમાંથી સંખ્યાબંધ મોબાઈલ ફોન મળી આવવા છતાં જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ બંધ થવાના બદલે દિન-પ્રતિદિન વધી રહ્યો છે. અતિસુરક્ષિત ગણાતી જેલમાં મોબાઈલ ફોન કર્મચારી-અધિકારીઓની સંડોવણીથી જ પહોંચે છે તે જગજાહેર છે, પરંતુ આજદીન સુધી એકપણ કેસની તપાસમાં જેલ સ્ટાફની સંડોવણી સામે આવી નથી. તાજેતરમાં જ એન્ટી હાઈજેકીંગ કેસમાં સજા પામેલા બિઝનેસમેન અને હાલ પાકા કામના કેદી બિરજુ સલ્લા પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. એન્ડ્રોઈડ ફોન મળવાની આ પહેલી ઘટના હતી.