સૌરભની સુવાસ ઉડી ગઈ !!!

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:23
ગુજરાત સરકારમાં એક સમયે ભાજપના પ્રવક્તા મંત્રી અને જેમનો પડ્યો બોલ ઝિલાતો હતો તેવાસૌરભ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કદ પ્રમાણે વેતરાયા છે. સૌરભ પટેલનું શારીરિક  કદ ઘટ્યું છે તેની સાથે રાજકીય કદ પણ ઘટ્યું છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં તેમને માંડ માંડ ટિકીટ મળી છે અને સિનિયર હોવાથી તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે.

સચિવાલયમાં ચર્ચાઇ રહ્યું છે કે સૌરભ પટેલને ભાજપના હાઇકમાન્ડે કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે.
અગાઉની સરકારોમાં જયનારાયણ વ્યાસ અને સૌરભ પટેલને સરકારે પ્રવક્તા મંત્રીઓ બનાવ્યા હતા. આ બન્ને સૌથી વધુ ભણેલા નેતાઓ છે તેથી ભાજપમાં તેઓ ચાલ્યા નહીં. જયનારાયણ વ્યાસ ને ટિકીટ  આપીને પાર્ટી તરફથી વારંવાર હરાવવામાં આવ્યા છે, જ્યારે સૌરભ પટેલને કેટલીક શરતોને આધિન  ટિકીટ આપી મંત્રીપદ આપવામાં આવ્યું છે.

વજન ઓછુ થયું

ગુજરાત ભાજપના કદાવર નેતા સૌરભ પટેલની શારીરિક સ્થિતિ પહેલાં જેવી મજબૂત રહી નથી. તેમણે ઓપરેશન કરાવ્યા પછી તેમના શરીરમાં ફેરફાર થયો છે. તેમને આંખની તકલીફ શરૂ થઇ છે. રાજ્યના ઉર્જા મંત્રી ચૂંટણી પહેલાં સરકારમાં મજબૂત અને શક્તિશાળી નેતા તરીકે ઉભરી રહ્યાં હતા પરંતુ આજે તેમનું રાજકીય કદ ઘટ્યું છે અને શારીરિક કદ પણ ઓછું થયું છે.

2016ના ઓપરેશન પછી તેમની આંખને ઇન્ફેક્શન થયું છે તેમજ વેટ લોસ પણ થયું છે. તેમણે બેરીયાટ્રીક એન્ડ મેટાબોલિક સર્જરી કરાવી છે. આ પહેલાં તેમનું વજન 114 કિલોગ્રામ હતું તેમાં 35 કિલોનો  ઘટાડો થયો હતો. આજે તેમનું વજન તેનાથી પણ ખૂબ ઓછું થઇ ગયું છે.

ઓપરેશન સમયે ડોક્ટરે કહ્યું હતું કે સૌરભ પટેલના કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં લાવવાની જરૂર છે. ઓપરેશનમાં પેટના કદને પણ ઘટાડવામાં આવ્યું હતું. આજે સૌરભ પટેલ એ રૂપાણી સરકારના ઉર્જા વિભાગના કેબિનેટ મંત્રી છે. પહેલાં જ્યારે તેમનું વજન વધારે હતું ત્યારે તંદુરસ્ત દેખાઇ આવતા હતા પરંતુ હાલ તેઓની શારીરિક સ્થિતિ સારી છે પરંતુ દેખાવમાં ગજબનો ચેન્જ આવી ગયો છે.

નાણા ખાતુ નિતીન પટેલને આપી દેવામાં આવ્યું

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માટે જે નામો ચાલતા હતા તેમાં અમિત શાહ, આનંદીબહેન પટેલ પછી સૌરભ પટેલનું નામ હતું પરંતુ તેઓ મુખ્યમંત્રી બની  શક્યા ન હતા. એ પછી જ્યારે વિધાનસભાની ચૂંટણી પછી મંત્રી બન્યા ત્યારે તેમને પહેલાં ફાયનાન્સ ખાતુ આપવામાં આવ્યું હતું પરંતુ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે નારાજગી વ્યક્ત કરતાં તેમની પાસેથી નાણા ખાતું છીનવી લઇને નિતીન પટેલને આપવામાં આવ્યું હતું. આજે રૂપાણી સરકારમાં તેમની પાસે ઉર્જા વિભાગનો હવાલો છે.

પ્રવકતા મંત્રી તરીકે નામ કપાયુ

સરકારમાં એવી દરખાસ્ત થઇ હતી કે બે પ્રવક્તા મંત્રીઓ બનાવવામાં આવે,જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ઉર્જા મંત્રી સૌરભ પટેલનું નામ મૂકવામાં આવ્યું હતું પરંતુ કોણ જાણેબન્નેનું નામ કાપી નાંખવામાં આવ્યું છે અને પ્રવક્તા મંત્રી તરીકે નાણા, આરોગ્ય અને માર્ગ-મકાન મંત્રી નીતિન પટેલ જેવા સૌથી વધુ બિઝી મંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે.

ઉર્જા વિભાગની મહત્વની જાહેરાતો મુખ્યમંત્રી કક્ષાએ થઈ રહી છે

સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે સૌરભ પટેલ પાસે ઉર્જા વિભાગનો હવાલો છે પરંતુ તેમની પાંખો કાપી નાંખવામાં આવી છે. ઉર્જા વિભાગની મહત્વની યોજનાઓ અથવા તો નીતિઓ મુખ્યમંત્રી કક્ષાએ નક્કી થાય છે અને તેની જાહેરાત પણ મુખ્યમંત્રી કક્ષાએ થઇ રહી છે. સૌરભ પટેલને નામ માત્ર ઉપસ્થિત રાખવામાં આવે છે. એક સમય હતો જ્યારે સૌરભ પટેલની ચેમ્બરમાં રાજ્યભરના અને વિદેશોના ઉદ્યોગપતિઓ લાઇન લગાવતા હતા પરંતુ આજે ઉદ્યોગજૂથો માત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળે છે.

ઔધોગિક મહેમાનો રુપાણીએ છીનવ્યા

ગુજરાત સરકારમાં તેમનું કદ વધે તે માટે સૌરભ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ભક્તિ કરવાનું શરૂ કર્યું છે તેમ છતાં રૂપાણી સરકારમાં તેમને સ્થાન મળતું નથી. આ બન્ને કેન્દ્રીય નેતાઓની સોશ્યલ સાઇટ્સને સૌથી વધુ લાઇક સૌરભ પટેલ કરે છે. આ બન્ને નેતાઓના ગુજરાત પ્રવાસ સમયે સૌરભ પટેલ અચૂક હાજર હોય છે છતાં ગુજરાત સરકારમાં તેમનું મહત્વ ઓછું કરી દેવામાં આવ્યું છે. સચિવાલયમાં એવું કહેવાય છે કે સૌરભ પટેલના ઔદ્યોગિક મહેમાનો રૂપાણીએ છીનવી લીધા છે, કારણ કે અગાઉ તેમની ચેમ્બરમાં આવતા ઉદ્યોગજૂથો અત્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં જોવા મળે છે.