સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2 લૉ કોલેજના વિદ્યાર્થીઓની હાજરી વિવાદનું કેન્દ્ર

રાજકોટ,તા:૧૬ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ આવતી જામનગરની બે લૉ કોલેજના વિદ્યાર્થીઓ મુદ્દે વિવાદના વંટોળ સર્જાયા છે. સપ્ટેમ્બર મહિનામાં તમામ નીતિનિયમોને અવગણીને પૂર્વ શિક્ષણમંત્રીની ભલામણના આધારે જામનગરમાં બે લૉ કોલેજને મંજૂરી તો અપાઈ ગઈ, પરંતુ તેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી ન થતી હોવા છતાં તેમનાં પરીક્ષા ફોર્મ પણ ભરાઈ ગયાં છે.

વિદ્યાર્થીઓની આ હાજરીમાં વિવાદ મુદ્દે સત્તાધીશો અને અધિકારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જે મુજબ કુલપતિ રજિસ્ટ્રારને પૂછવાનું કહે છે, તો રજિસ્ટ્રાર જોડાણ વિભાગને પૂછવાનું કહે છે. જોડાણ વિભાગ ડીનના કહેવા મુજબ મંજૂરી આપી છે તેમ કહે છે, તો પરીક્ષા વિભાગના જણાવ્યા પ્રમાણે આ જવાબદારી જોડાણ વિભાગની છે. જોવાનું એ છે કે આ બધા ગતકડાં જોતાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે, અધિકારીઓ અને સત્તાધીશોએ યુનિવર્સિટીના નિયમોને ગિરવે મૂકી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, બંને લૉ કોલેજના 22 વિદ્યાર્થીઓ એવા છે જેમના અભ્યાસના 28 દિવસ પણ પૂર્ણ થઈ રહ્યા નથી, તેમ છતાં આવા વિદ્યાર્થીઓ પાસેથી ટર્મ ગ્રાન્ટ કરી પરીક્ષા ફી પણ લઈ લેવામાં આવી છે. આ 22 વિદ્યાર્થીઓ પૈકી ગોસરાણી કોલેજના 8 અને એસવીઈટી કોલેજના 14 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ જોતાં કયા નિયમોના આધારે પરીક્ષા વિભાગ દ્વારા ટર્મ ગ્રાન્ટ કરવામાં આવી તે મોટો સવાલ છે. આમ આ સમગ્ર બેદરકારીમાં પરીક્ષા વિભાગની બેદરકારી સ્પષ્ટ રીતે જણાઈ રહી છે, પરંતુ કોઈ જવાબદાર વ્યક્તિ કે વિભાગ આ અંગે પોતાની જવાબદારી સ્વીકારતા નથી.