સ્ટેચ્યુ  ઓફ યુનિટી તેની ઊંચાઈનું સ્ટેટસ ગુમાવશે, ભારત જ રેકોર્ડ તોડશે

ગાંધીનગરઃ તા:08 ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું 182 મીટરનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી થોડા સમયમાં જ તેનું ગૌરવવંતું સ્થાન ગુમાવશે, કારણ કે ભારતમાં જ બે પ્રતિમાઓ એવી બની રહી છે કે જે ગુજરાતના ગૌરવને તોડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ઊંચાઈનો રેકોર્ડ આ બે પ્રતિમા તોડશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3000 કરોડ રૂપિયા થયો છે. મોદીએ એવો દાવો કર્યો હતો કે આ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ વિશ્વનું સૌથી ઊંચું સ્મારક છે, પરંતુ તેમનો દાવો ભારતનાં બે રાજ્યો તોડી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં મુંબઈમાં અરબી સમુદ્રમાં બની રહેલા શિવાજી મહારાજના સ્ટેચ્યૂની ઊંચાઈ 212 મીટર રાખવામાં આવી છે. શરૂઆતમાં શિવાજીની પ્રતિમા 192 મીટર ઊંચી બનાવવાની થતી હતી, પરંતુ મહારાષ્ટ્ર સરકારે પાછળથી તેની ઊંચાઈ વધારીને 212 મીટર કરી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવાજીની પ્રતિમાના પ્રોજેક્ટનું જળપૂજન 24મી ડિસેમ્બર 2016ના રોજ કર્યું હતું. આ સ્મારક દેશ અને વિદેશના ટૂરિસ્ટ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તેવો દાવો મહારાષ્ટ્રની સરકારે કર્યો છે.

આ સાથે ઉત્તરપ્રદેશની સરકારે પણ એવી જાહેરાત કરી છે કે તેઓ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા બનાવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પ્રોજેક્ટ માટે 447 કરોડની બજેટ જોગવાઈ કરી દીધી છે. ભગવાન રામની આ પ્રતિમા 151 મીટર ઊંચી હશે, જેની ઉપર ઓવરહેડ છત્રની ઊંચાઈના 20 મીટર અને પ્રતિમાની પીઠની ઊંચાઈના 50 મીટર ઉમેરતાં કુલ 221 મીટર ઊંચી પ્રતિમા હશે.

દેશનાં બે રાજ્યો પૈકી મહારાષ્ટ્ર શિવાજી મહારાજનું સ્મારક 212 મીટર અને ઉત્તરપ્રદેશ ભગવાન રામની પ્રતિમા 221 મીટરની બનાવશે, ત્યારે ગુજરાતના કેવડિયાસ્થિત 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઊંચાઈમાં નાની પડશે અને દેશનાં બે રાજ્યો ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો વિક્રમ તોડશે.