સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપમાં મોટાપાયે ફેરફારો

ગાંધીનગર,તા.21   ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. 2020માં છે જેમાં મહાનગરો, જિલ્લા અને તાલુકા તેમજ ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે. આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ગુજરાત ભાજપમાં નવા પ્રમુખની વરણી થવાની છે.

ભાજપમાં અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે. દર ત્રણ વર્ષે થતાં આ પર્વ દરમ્યાન મંડળથી પ્રદેશ સુધીના માળખામાં મોટા ફેરફારો થઇ રહ્યાં છે. અત્યારે મંડળ પ્રમુખોની વરણી પૂર્ણ થઇ છે. હવે પ્રદેશ સંગઠન, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપે ત્રણ ત્રણ સભ્યોની નિરીક્ષક ટીમો બનાવી છે. ચાર ઝોન પ્રમાણે ચાર ટીમો દ્વારા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ માટે સેન્સ લેવામાં આવી રહી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જિલ્લા પ્રમુખોની જાહેરાત થાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં હાલના વિવાદાસ્પદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વિદાય નિશ્ચિત બની છે. પોતાના કાર્યકાળ દરમ્યાન જીતુ વાઘાણીએ રફ લેગ્વેઝ, વિવાદો અને અંગત રાગદ્વેશ ફેલાવ્યો છે. પ્રમુખપદ છોડીને તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ મંત્રી તરફ દોડ મૂકી હતી પરંતુ તેમનો ગજ વાગ્યો નથી. વાઘાણી કેબિનેટ મંત્રી તો બની શક્યા નહીં પરંતુ હવે પ્રદેશ પ્રમુખનું પદ પણ છોડવાનો સમય આવી ગયો છે. તેમના માટે તો બાવાના બેય બગડ્યા જેવો ઘાટ થયો છે.

પ્રદેશ ભાજપે ઝોન પ્રમાણે નિરીક્ષકોની નિયુક્તિ કરી છે જેઓ જિલ્લા અને તાલુકાઓમાં નિયુક્તિ માટેની કાર્યવાહી કરશે. સૌરાષ્ટ્ ઝોનમાં ગોરધન ઝડફિયા, હર્ષદગીરી ગોસ્વામી તેમજ ભુપેન્દ્રસિંહ ચુડાસમા છે. મધ્યગુજરાત ઝોનમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભાર્ગવ ભટ્ટ અને જસવંત સિંહ ભાભોર, ઉતર ગુજરાત ઝોનમાં ભરત પંડ્યા, આર.સી.ફળદુ અને કે.સી.પટેલ તેમજ દક્ષિણ ગુજરાતમાં કૌશિક પટેલ, ગણપત વસાવા અને ભરતસિંહ પરમાર નિરીક્ષક છે.

આ ઝોન નિરીક્ષકો જિલ્લા અને મહાનગરોના કાર્યકરોની સેન્સ લઇને તેમની કાર્યવાહી 22મી નવેમ્બર સુધીમાં પૂર્ણ કરશે, ત્યારબાદ પ્રદેશ ભાજપમાં સંકલન બેઠકોમાં જિલ્લા પ્રમુખ તેમજ મંત્રીઓના નામની ચર્ચા થશે. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તમામ જિલ્લા પ્રમુખો અને મહામંત્રીની જાહેરાત કરવામાં આવશે.

ભાજપના સૂત્રોએ કહ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં જ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવશે પરંતુ તે પહેલાં રાષ્ટ્રીય કક્ષાના નિરીક્ષકોની ટીમ ગુજરાત આવશે અને પ્રદેશ પ્રમુખના સંભવિત નામોની ચર્ચા કરી તેમનો રિપોર્ટ દિલ્હી મોકલશે. પ્રદેશ પ્રમુખ ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના કન્વિનરો સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.