સ્લમ કવાટર્સના એક હજાર રહીશો છેલ્લા ત્રણ મહીનાથી પ્રદૂષિત પાણી પીવા મજબૂર

અમદાવાદ,તા.૨૧
શહેરના ઉત્તરઝોનમાં આવેલા રખિયાલ વોર્ડના સરસપુરમાં વર્ષો જૂના  તુલસીદાસ સ્લમ કવાટર્સ આવેલા છે.આ સ્લમ કવાટર્સમાં રહેતા એક હજાર જેટલા લોકો છેલ્લા ત્રણ મહીનાથી પ્રદૂષિત પાણી પીવા મજબુર બન્યા છે.આ રહીશોએ ચાર કોર્પોરેટરો અને એક ધારાસભ્યને તેમના ખોબલે ખોબલે  મત આપી વિજયી બનાવ્યા છે.પણ આ પૈકી એકપણ હવે તેમને મોં બતાવવાને આવતા નથી.

સરસપુર વિસ્તારમાં આવેલા તુલસીદાસ સ્લમ કવાટર્સમાં કુલ નવ બ્લોક આવેલા છે.આ નવ બ્લોકમાં બ્લોક દીઠ કુલ ૨૪ ફલેટ આવેલા છે.અહીંના રહીશોની સમસ્યા એ છે કે,છેલ્લા ત્રણ મહીનાથી બ્લોક નંબર-ત્રણ પાસે જે પીવાના પાણીની ટાંકી આવેલી છે તેનુ પાણી ઉભરાઈને નજીકમાં આવેલી ચેમ્બરમાંથી બહાર નીકળે છે.એમાં જીવાતો પણ હોય છે.આ પાણી જેવુ ટાંકીમાં પાણી પડવાનુ બંધ થઈ જાય તે પછી આ ચેમ્બરમાં જતુ રહે છે.આ સમસ્યા મામલે ડેપ્યુટી હેલ્થ ઓફિસરથી લઈને છેક ધારાસભ્ય હીંમતસિંહ પ્રહલાદસિંહ ગુર્જર સુધી સ્થાનિકોએ અસંખ્યવાર રજૂઆતો કરી હોવા છતાં આજદીન સુધી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી.

અહીંના રહીશ ધર્મેશ ઠાકોરે એક વાતચીતમાં કહ્યુ,પ્રદૂષિત પાણી પીવાના કારણે થોડાસમય અગાઉ સો જેટલા લોકોને શારદાબહેન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવાની તંત્રને ફરજ પડી હતી.છતાં તંત્રમાં અમારી કોઈ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવતી નથી.ઉપરાંત વર્ષ-૨૦૧૭-૧૮ના વર્ષમાં આ કવાટર્સમાં પથ્થર પેવિંગ માટે કોર્પોરેટર દ્વારા બજેટની ફાળવણી પણ કરવામાં આવી હતી.આજે બે વર્ષ પુરા થઈ ગયા છતાં પથ્થરો નાંખવામાં આવ્યા નથી ત્યારે આ પેવિંગનુ બજેટ કયાં ફાળવવામાં આવ્યુ તેનો પણ તંત્ર પાસે કોઈ જવાબ નથી.

કોણ-કોણ જવાબદાર
૧.શાંતાબેન શાંતિલાલ પંચાલ,કોર્પોરેટર
૨.ગીતાબેન અશોકજી ઠાકોર,કોર્પોરેટર
૩.કીરીટકુમાર જીવણલાલ પરમાર,કોર્પોરેટર
૪.તૌફીકખાન બાસીતખાન પઠાણ,કોર્પોરેટર
૫.હીંમતસિંહ પ્રહલાદસિંહ ગુર્જર,ધારાસભ્ય
૬.દક્ષાબેન મૈત્રક,ડેપ્યુટી હેલ્થ ઓફિસર