હળવદ તા.૧૦:
તાલુકાના વેગડવાવ ગામે આવેલ એક વાડી વિસ્તારમાં કપાસમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ મચી ગઇ હતી.આ ઘટનાને પગલે હળવદ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા હવામાન વિભાગના માપક યંત્રની વસ્તુ હોવાનું અનુમાન દર્શાવાયું છે. હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ બળદેવભાઈ મનજીભાઈ દલવાડીની વાડીમાં વાવેલ કપાસમાં આજે વહેલી સવારના ઉપર આકાશમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ પડી હતી.આ વસ્તુઓ ધ્યાને આવતા ખેતરમાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. બાદમાં આ વસ્તુ પડયાની ગ્રામજનોને પોલીસ અને મામલતદારને જાણ કરી હતી.જેને પગલે પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી જઈને આ વસ્તુઓ અંગે તપાસ કરી હતી. પોલીસ અને મામલતદારની ટીમની તપાસમાં ખેતરમાં પડેલી આ વસ્તુઓમાં એક કેમેરો, એક સર્કિટ, બે થર્મોકોલના બે બોકસ, ફુગ્ગો જોવા મળ્યા હતા. આ ફુગ્ગો હવામાન વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાય છે તેવો હતો.આથી આ તમામ વસ્તુઓ હવામાન વિભાગના માપક યંત્રની હોવાનું હાલ પ્રાથમિક તારણ નીકળ્યું છે.હવામાન વિભાગની જ આ વસ્તુઓ નીકળતા ગ્રામજનોએ રાહત અનુભવી છે.જોકે હાલ હળવદ પોલીસ અને મામલતદારે આ બાબતે હવામાન વિભાગને જાણ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.