હવે નવી લીકર પરમીટનો ચાર્જ પંદર હજાર રૂપિયા, રીન્યુ પરમીટનાં છ હજાર ચૂકવવા પડશે

અમદાવાદ, તા.16

એક તરફ તો ગુજરાતમાં કડક દારૂબંધી છે, તો બીજીબાજુ રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક કરી આપતી દારૂમુક્તિ ધીમે પગલે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા જે પૈકીની નવી લીકર પરમીટ ફી માં ખૂબ જ ટૂંકાગાળામાં કમ્મરતોડ ભાવવધારો કરવામાં આવ્યો છે. જેથી હવે નવી લીકર પરમીટ લેવા માગતા લોકોએ સિવિલ હોસ્પિટલમાં દસ હજાર રૂપિયાને બદલે પંદર હજાર અને રીન્યુ પરમીટના છ હજાર ચૂકવવા પડશે. આમ સિવિલ હોસ્પિટલને લીકર પરમીટથી થતી આવકમાં કરોડો રૂપિયાનો વધારો થશે.

દારુમુકિતનો ધીમે ધીમે પગપેસારો

રાજ્ય સરકાર એકતરફ દારૂબંધીની ગુલબાગો પોકારે છે. તો દારૂમુક્તિ ધીમે ધીમે પ્રવેશી રહી છે. હજી થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે શહેરની કેટલીક જાણીતી હોટલને લીકર પરમીટ શોપની મંજૂરી આપવામાં આવી છે. તો બીજીબાજુ સરકાર પરમીટ શોપમાં મળતા ઇન્ડિયન મેઇડ ફોરેન લીકર (આઈ.એમ.એફ.એલ) ઉપર જબરદસ્ત ટેક્સ નાખતાં પરમીટ શોપમાં દારૂ મોંઘોદાટ થઈ ગયો છે. આમ એક રીતે જોઈએ તો તેનાથી સરકારને કરોડો રૂપિયાની આવક થશે. બીજીબાજુ કંઈક આવી જ સ્થિતિ નશાબંધી ખાતા અને સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી હેલ્થ લીકર પરમીટમાં પણ થઈ છે.

નવી પરમીટમાં 50 ટકા, રીન્યુમાં 20 ટકાનો વધારો

પ્રાપ્ત માહિતી મુજબ સિવિલ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય ના કારણોસર નવી લીકર પરમીટ માટે અરજી કરનાર પાસેથી મેડિકલ ઓપિનિયન પેટે અત્યાર સુંધી દસ હજાર રૂપિયા ચાર્જ લેવાતો હતો. જોકે સિવિલ દ્વારા ૧૧ મી ઓક્ટોબરે તેમાં ગુપચુપ સુધારો-ઠરાવ કરી રૂ પાંચ હજાર નો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે નવી લીકર પરમીટ માટે અરજદારે પંદર હજાર રૂપિયા ચૂકવવા પડશે. તો બીજીબાજુ રીન્યુ પરમીટ માં પણ એક હજાર રૂપિયાનો વધારો કર્યો છે. જેથી હવે જૂની લીકર પરમીટ રિન્યુ કરવાની ફી છ હજાર રૂપિયા થઈ ગઈ છે. આમ નવી લીકર પરમીટ માં ૫૦ ટકા અને રીન્યુ લીકર પરમીટમાં ૨૦ ટકાનો વધારો પાછલા બારણે કરી દેવાયો છે.

પરમીટ કામગીરી ફરી સિવિલને સોપાઈ

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આરોગ્ય વિભાગ દ્વારા લીકર પરમીટની કામગીરી એકાએક અસારવા સિવિલ હોસ્પિટલમાંથી બદલીને સોલા સિવિલ હોસ્પિટલને સોંપવામાં આવી હતી. જેને કારણે અસારવા સિવિલમાં લીકર પરમીટની કામગીરીમાં ગોલમાલ થતી હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી. જોકે સોલા સિવિલમાં લીકર પરમીટની કામગીરી નો ભરાવો થઈ જતાં કામગીરી ફરી અસારવા સિવિલ હોસ્પિટલને સોંપવામાં આવી છે. સૂત્રો જણાવે છે કે લીકર પરમીટની કામગીરી અસારવા સિવિલને પુનઃ સોંપાઈ ત્યારે જ યુનિટ સિસ્ટમ ને બદલે ફિક્સ મેડિકલ ઓપિનિયન ચાર્જ નક્કી કરી નવી પરમીટ માટે રૂ દસ હજાર અને રીન્યુ પરમીટ માટે રૂ પાંચ હજાર કરી વધારવામાં આવ્યા હતાં. એ પછી ફરી આ મહિને નવી લીકર પરમીટમાં ભાવવધારો કરાતાં લોકોમાં હોબાળો મચી ગયો છે.

લીકર પરમીટના પૈસા રોગી કલ્યાણ સમિતીમાં જમા પરંતુ કેટલા દર્દીઓનું કલ્યાણ?

આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારી કહે છે કે સિવિલ હોસ્પિટલ દ્વારા લીકર પરમીટ બદલ જે મેડિકલ ઓપિનિયન પેટે ચાર્જ લેવાય છે તે હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં યૂઝર્સ ચાર્જ તરીકે જમા થાય છે જે લોકકલ્યાણમાં વપરાય છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે જે રોગી કલ્યાણ સમિતિમાં આ પૈસા જમા થાય છે તેનાની દર્દીઓનું કેટલું કલ્યાણ થાય છે એ જ એક મહત્વનો પ્રશ્ન છે. જોકે લીકર પરમીટ પેટે કરોડો રૂપિયા જે રોગી કલ્યાણ સમિતિમાં જમા થાય છે તેનું પણ સમયસર ઓડિટ કરાતું નથી. આથી આ નાણાંથી કોનું કલ્યાણ થાય છે એ તપાસનો વિષય છે.

લીકર હેલ્થ પરમીટ કઈ રીતે આપવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો જે એમ સોલંકી કહે છે કે, ‘જે વ્યક્તિને આરોગ્ય સંબંધી તકલીફ હોય તેને જ આ લીકર (હેલ્થ) પરમીટ આપવામાં આવે છે. આ માટે જે તે અરજદારે રાજ્યના નશાબંધી વિભાગમાંથી લીકર હેલ્થ પરમીટનું ફોર્મ લઈ તે માટેના આવશ્યક દસ્તાવેજો રજૂ કરી નશાબંધી વિભાગમાં નિશ્ચિત ફી ભરવી પડે છે. ત્યારબાદ જે તે અરજદારને લીકર હેલ્થ પરમીટ આપવી કે નહિ તે માટેના મેડીકલ ઓપિનિયન માટે ફોર્મ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. જ્યાં અમે અરજદારની યોગ્ય મેડિકલ તપાસ કરાવીએ છીએ. આ માટે અરજદારે મેડીકલ ઓપિનિયન પેટે ફી ભરવી પડે છે. જે તે અરજદારની શારીરિક તપાસ બાદ અમે અરજદાર અંગેનો મેડિકલ ઓપિનિયન નશાબંધી ખાતાને મોકલી આપીએ છીએ. જેને આધારે નશાબંધી ખાતા દ્વારા અરજદાર ને લીકર પરમીટ ઈશ્યુ કરવામાં આવે છે.

છેલ્લા ૧૦ વર્ષમાં લીકર (હેલ્થ) પરમીટ થી સિવિલ હોસ્પિટલને કરોડોની આવક

લીકર હેલ્થ પરમીટમાં મેડિકલ ઓપિનિયન આપવા બદલ હોસ્પિટલ તંત્રને વર્ષે દહાડે લાખો કરોડોની આવક થાય છે. સૂત્રો જણાવે છે કે લીકર પરમીટ દ્વારા સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જે રકમ જમાં થાય છે , તે ક્યારેક તો સરકાર દ્વારા રોગી કલ્યાણ સમિતિને આપવામાં આવતી ગ્રાન્ટ કરતાં પણ વધારે હોય છે.

વર્ષ. રકમ
૨૦૧૧-૧૨. ૧,૧૯,૭૧૦૦૦
૨૦૧૨-૧૩ ૧,૫૯,૯૪૦૦૦
૨૦૧૩-૧૪. ૧,૮૬,૩૯૦૦૦
૨૦૧૪-૧૫. ૩,૩૯,૫૯૦૦૦
૨૦૧૫-૧૬. ૨,૦૫,૬૨૦૦૦
૨૦૧૬-૧૭. ૨,૪૩,૪૧૫૦૦
૨૦૧૭-૧૮. ૨,૪૩,૬૬૦૦૦
૨૦૧૮-૧૯. ૦,૦૭,૯૯૦૦૦
૨૦૧૯-૨૦. ૦૬૧,૬૨૦૦૦

છેલ્લા પાંચ વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં લીકર પરમીટ ની અરજીઓની સંખ્યા

વર્ષ નવી રીન્યુ કુલ
૨૦૧૫ ૪૩૮ ૧૫૧૫ ૧૯૫૩
૨૦૧૬ ૭૬૩ ૨૨૩૧ ૨૯૯૪
૨૦૧૭ ૧૦૩૬ ૧૭૭૧ ૨૮૦૭
૨૦૧૮ ૨૦૫ ૭૪૫ ૯૫૦
૨0૧૯ — — ૧૪૬૮