મહેસાણા, તા.૦૯
મહેસાણા અર્બન બેંકની હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં વર્તમાન શાસકોની વિકાસ પેનલનો બહુમતીથી ઝળહળતો વિજય થયો છે. જી.કે. પટેલની વિકાસ પેનલે 17માંથી 16 બેઠકો જીતી લીધી છે. તો વિશ્વાસ પેનલમાંથી એકમાત્ર ડી.એમ. પટેલ જીત્યા છે. જોકે, વિશ્વાસ પેનલના મહેન્દ્ર પટેલે એમ કહીને રિકાઉન્ટીંગ માગ્યું કે, 960ની પાતળી સરસાઇ છે, એટલે ફેર મત ગણતરી થવી જોઇએ, પણ તેમણે અરજી સાથે રકમ નિયત સમયમાં નહીં ભરતાં ચૂંટણી અધિકારીએ તેમની માંગણી નામંજૂર કરી હતી. આ પછી જ ચૂંટણી અધિકારીએ રાત્રે 1-45 વાગે સત્તાવાર રીતે પરિણામ જાહેર કર્યું હતું. જોકે, આ પહેલાં વિજેતા ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડીને વધામણાં કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, બેંકના કુલ 66,238 સભાસદો પૈકી 31,871એ મતાધિકારનો ઉપયોગ કરતાં 48 ટકા મતદાન નોંધાયું હતું. રવિવારે રાત્રે દોઢ વાગ્યા સુધી બેંકના હેડ ક્વાર્ટર બહાર સમર્થકોનો મેળાવડો જામ્યો હતો.
વિજેતા પેનલના ઉમેદવારો અને વર્તમાન ચેરમેન જી.કે. પટેલે કહ્યું કે બેન્કનો વિકાસ લેખે લાગ્યો છે. અમે અમારા સંકલ્પપત્ર જાહેર કર્યા છે, એ મુજબ બેંકમાં બિઝનેસમાં બમણો વધારો કરી રૂ.18 હજાર કરોડનો કરીશું. 100થી વધુ બ્રાન્ચો ચાલુ કરીશું અને ડિજિટલને વેગ આપીશું. આગામી ટર્મમાં આ કાર્ય સંકલ્પ પ્રમાણે બેંકમાં વધુ પ્રગતિ સાધીશું. જયારે વિશ્વાસ પેનલના ડી.એમ. પટેલે જણાવ્યું કે, હું ડિરેક્ટર તરીકે ચૂંટાયો છું. પરંતુ અમારી પેનલના મહેન્દ્રભાઇ અને કિરીટભાઇ વચ્ચે 960નો ફરક છે. ક્યાંક ગરબડ થઇ હોઇ શકે એટલે અમે રિકાઉન્ટીંગ માગ્યું છે. મહેસાણાની બ્રાન્ચોમાં અમારી પેનલને 3500 મતની લીડ મળી છે.