હાર્દિક ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો છે, ઉપવાસ છાવણીમાં કોંગ્રેસનું બેનર નહીં

ગાંધીનગર –

ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને હવે કોંગ્રેસના સિમ્બોલની જરૂર હોય તેમ લાગતું નથી, કારણ કે ખેડૂતોના મુદ્દે જનસભા કરનારા હાર્દિકે મંચ પર કોંગ્રેસનો કોઇ સિમ્બોલ રાખ્યો નથી. હાર્દિક હવે રાજ્યમાં ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે.

રાજકોટમાં હાર્દિક પટેલે ઉપવાસ કર્યા છે તે છાવણીમાં કોંગ્રેસ પાર્ટીનો કોઇ સિમ્બોલ નથી. કોઇ સ્થાનિક કે રાષ્ટ્રીય નેતાઓની તસવીર પણ નથી. તે કોંગ્રેસથી દૂર થઇ રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે, કારણ કે કોંગ્રેસમાં તેની પણ ઉપેક્ષા શરૂ થઇ છે. ખેડૂત સત્યાગ્રહના નામે તેણે ઉપવાસ કર્યા છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોના પાકને મોટું નુકશાન થયું છે ત્યારે હાર્દિક પટેલ મેદાનમાં ઉતર્યો છે. ખેડૂતોના પ્રશ્નોને લઇ તેણે ઉપવાસ શરૂ કર્યા છે. એક દિવસિય ઉપવાસમાં હાર્દિકે ખેડૂતોની પડખે રહેવાનું નક્કી કર્યું છે. હાર્દિકના આક્રમક રવૈયા સાથે કોંગ્રેસ સહમત થઇ નથી તેથી કોઇપણ કોંગ્રેસી નેતા ઉપવાસ સ્થળે પણ આવ્યા નથી.

હાર્દિક માટે કોંગ્રેસમાં બઘું સારૂ છે તેવું નથી. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ હાર્દિક પટેલથી અંતર બનાવી રહ્યાં છે, કારણ કે હાર્દિક ફાયર બ્રાન્ડ યુવા નેતા છે. કોંગ્રેસ વિરોધપક્ષમાં હોવા છતાં આક્રમકતા દાખવી શકતી નથી ત્યારે હાર્દિક પટેલે પાર્ટીનો ભાર તેની ઉપર લેતાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓને એમ થયું છે કે હાર્દિક જો કોંગ્રેસનો હીરો બની જશે તો તેમનો ભાવ પૂછાશે નહીં. આ નેતાઓ હાર્દિકથી અંતર બનાવી રહ્યાં છે.

ગુજરાતમાં છ બેઠકોની પેટાચૂંટણીમાં હાર્દિક પટેલને ચૂંટણી પ્રચારથી દૂર રાખવામાં આવ્યો હતો. આ દરમ્યાન હાર્દિક પટેલે કહ્યું હતું કે મારે તો મારા સમાજ અને જનતાના કામ કરવા છે, હું કોઇપણ પક્ષમાં હોઉં મને કોઇ ફરક પડતો નથી. હાર્દિકનું આ વાક્ય સૂચક છે અને તે ભાજપને ગલગલિયા કરાવે તેવું છે. કોંગ્રેસ તેની નીતિ અને રીતિમાં કોઇ ફેરફાર કરવાના મૂડમાં નથી અને એટલે જ ગુજરાત પછી દેશભરમાંથી ફેંકાઇ રહી છે.

હાર્દિકની નજીકના યુવા નેતા કહે છે કે હાર્દિકને ગુજરાતની પેટાચૂંટણીમાં જ નહીં મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ તક આપવામાં આવી નથી. કોંગ્રેસ પાસે હાલ ફાયર બ્રાન્ડ નેતા નથી ત્યારે હાર્દિક એકમાત્ર એવો યુવા નેતા છે કે જે કોંગ્રેસને જીત અપાવી શકે છે પરંતુ કોંગ્રેસના નેતાઓને હાર્દિક પટેલ મોટો થાય તેવો ડર લાગે છે તેથી તેનાથી અંતર બનાવી રાખે છે.

આ સાથે જ હાર્દિક પટેલના પોસ્ટર વાયરલ થયાં છે જેમાં લખ્યું છે કે – મારા માટે કોઇ પણ પાર્ટી મહત્વની નથી. મારા માટે ફક્ત મુદ્દા મહત્વના છે. – આવું હાર્દિકે મિડીયા સાથેની ચર્ચામાં કહ્યું હતું જેનું તે પાલન કરી રહ્યો છે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે હાર્દિક પટેલ એકલો જ ઉપવાસ પર ઉતર્યો છે. ઉપવાસ છાવણીમાં તેણે કોંગ્રેસનો સિમ્બોલ કે કોંગ્રેસના નેતાઓના ફોટા પણ રાખ્યા નથી.