January 10, 2019
ગુજરાતમાં ભાજપ જે પાટીદાર આંદોલન અને નેતાને કારણે બેકફૂટ આવી તે હાર્દિક પટેલે હવે આંદોલન બંધ કરવાના સંકેત આપ્યા હતા. કેન્દ્રની ભાજપ સરકાર જો ખરેખરમાં આર્થિક પછાતોને અનામત આપવાની જ હોય તો હું અનામત આંદોલન બંધ કરી દઈશ તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે પ્રથમ વખત આંદોલન સમેટી લેવાની વાત કરી છે. ગુજરાતથી લઈને દેશભરમાં જે અનામત આંદોલનને લીધે હાર્દિકે નામના મેળવી તેને પૂર્ણ કરવાની વાત કરી છે.
મોદી સરકાર ૧૦ ટકા EWC અનામત લાવી છે, જેમાં દરેક સમાજના ગરીબને ૧૦ ટકા આર્થિક પછાતની અનામત મળશે. આ બિલ લોકસભામાં પસાર થઇ ચુક્યું છે.
ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેમાં તેણે અનેક માધ્યમોમાં જણાવ્યું છે કે, જો આ EWC અનામત સફળતાથી લાગુ થાય તો હું મારું આંદોલન પૂર્ણ કરી દઈશ.
જો કે હાર્દિકે ગઈકાલે પણ તેના અમલીકરણ એટલે કે લાગુ કરવાની ફોર્મ્યુલા પર અને તે ક્યારે અમલી થશે તેના પર શંકા વ્યક્ત કરી હતી.
હાર્દિકે પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે આ અનામત ક્યાં અને કઈ રીતે લાગુ થશે, તો આ અનામત કયા વિભાગોમાં લાગુ થશે અને ક્યાં નહીં થાય તેના પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
વધુમાં તેણે કહ્યું છે કે, આ નિર્ણય અગાઉ લેવાઈ ગયો હોત તો ઘણું સારું હતું. જો EWC અનામત લાગુ થશે તો હું મારું આંદોલન પૂર્ણ કરી દઈશ.
હાર્દિક પટેલ આ અંગે અગાઉ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, સવર્ણોને ૧૦ ટકા અનામત આપવામાં આવે તો એનું હું સ્વાગત કરીશ પણ જો એ દરવખતની જેમ લોલીપોપ હશે તો હું ખુલ્લેઆમ વિરોધ કરીશ.
નરેન્દ્ર મોદીની માસ્ટરી છે કે કેવીરીતે જાહેરાત કરવી ક્યારે કરવી અને કેવીરીતે વોટ મેળવવા. કેવીરીતે લોકોને આકર્ષવા અને મુર્ખ બનાવવા એમાં મોદી સાહેબની માસ્ટરી છે.
સવર્ણોમાં અત્યારે વિરોધનો માહોલ છે અને આ વિરોધને ડામવા અને તેમના વોટો અંકે કરવા માટે મોદી સરકાર આ ૧૦ ટકા અનામતની લોલીપોપ લાવી છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં બ્રાહ્મણો, રજપૂતો અને ગુજરાતમાં પાટીદાર પણ સરકારની વિરુદ્ધમાં છે તેને ડામવાનો પ્રયત્નમાત્ર હોઈ શકે છે આ ૧૦ ટકા અનામતનો પ્રસ્તાવ. પરંતુ હજુ મેં ઠરાવ જોયો નથી જોઈશ પછી જ વધારે ખબર પડશે.
જો સરકાર આ પ્રસ્તાવને પાસ કરાવવામાં નિષ્ફળ જશે અને આ પ્રસ્તાવ માત્ર લોલીપોપ સાબિત થશે તો હું તેનો ખુલ્લેઆમ વિરોધ કરીશ. મોદી સરકાર સારી રીતે જાણે છે કે લોકોને આકર્ષવા શું કરવું અને ક્યારે કરવું. જાહેરાતો કરીને લોકોને આકર્ષીને વોટ મેળવવામાં મોદી સરકારની માસ્ટરી છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ અને તેમના સાથી મિત્રો દ્વારા સવર્ણ સમાજને આર્થિક આધાર પર અનામત આધારની માંગ સાથે પાટીદાર અનામત અંદોલનની શરૂઆત કરી હતી.