હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે, વડી અદાલતે સ્ટે ન આપ્યો

ગુજરાત વડી અદાલતે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. અદાલતે અરજી ફગાવતા હવે એ નક્કી થઇ ગયું છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. વિસનગર તોફાનોમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને બે વર્ષ કેદની સજા સંભળાવી હતી. આ સજાને ગુજરાત વડી અદાલતે માન્ય રાખીને હાર્દિકની અરજી પર સ્ટે આપવાથી ઇનકાર કરી દીધો છે.

લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં સામેલ થયેલા હાર્દિક પટેલે પોતાની સામે ચાલી રહેલા કેસમાં મળેલી સજા પર સ્ટે આપવા માટે વડી અદાલતમાં અપીલ કરી હતી. સરકારે હાર્દિક પટેલ સામેનો કેસ પડતો મૂકવાનો કોર્ટમાં વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામે ગંભીર આરોપો છે. તે સતત ભડકાઉ ભાષણ આપતો રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે જુલાઈ, 2015માં હાર્દિક પટેલે વિસનગરના PAAS ના કાર્યકર્તાઓ સાથે એક રેલી કરી અનામતની માગ સાથે વિસનગર મામલતદારને આવેદન પત્ર પાઠવવ્યું હતુ. આવેદન પત્ર પાઠવ્યા બાદ કેટલાક PAASના કાર્યકર્તાઓએ ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલે 25 જુલાઈના રોજ સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલ, એ. કે. પટેલ અને લાલજી પટેલે બે વર્ષની સામાન્ય સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે હાર્દિક પહેલે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેથી હાઈકોર્ટે હાર્દિકની સજા પર સ્ટે મૂક્યો છે અને હાર્દિક પટેલને દોષી ઠરાવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. જેના કારણે હાર્દિક પટેલે ફરીથી હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે, તેને દોષિત ઠરાવતા ચુકાદા પર સ્ટે હોવાથી તે લોકસભા ઉમેદવાર તરીકે ગેરલાયક ઠરે તેવી પરિસ્થિતિ છે. તેથી તે ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટના આદેશ પર સ્ટે મુકાવો જોઇએ