રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. આવી જ ઘટના હિંમતનગર માર્કેટયાર્ડમાં બની હતી. જ્યાં મગફળી ખરીદીમાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
હિંમતનગર માર્કેટયાર્ડમાં પણ મગફળી ખરીદી લેટ ચાલુ થતા અને મંથર ગતિએ ચાલતી ખરીદીનો રોષ ઠાલવતા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો અને સાથે જ માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરીને વિરોધ દર્શવ્યો હતો. ખેડૂતોને મેસેજ કરી વેચાણ અર્થે બોલાવવામાં આવે છે, પરંતુ ધીમી ગતિના કામકાજથી બોલાવવામાં આવેલા તમામ ખેડૂતોની મગફળી ખરીદી થતી નથી. એક તરફ ખેડૂતોને નવીન સિઝનની વાવણીનો સમય છે, તો બીજી તરફ માર્કેટમાં મફગફળી વેચાણ માટે બે -બે દિવસ લાઈનમાં ઊભા રહેવાના કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવીને હોબાળો મચાવ્યો હતો.
હિંમતનગરના માર્કેટ યાર્ડમાં મગફળી વેચાણ માટે તંત્ર દ્વારા રોજે રોજ ૯૦ ખેડૂતોને એસએમએસ કરીને બોલાવવામાં આવે છે. પરંતુ મંગળવારે બોલાવેલા ખેડૂતોની ખરીદી અધૂરી રહી હતી. તેઓને બુધવારે ખરીદી કરવાની હતી અને સાથે બોલાવેલા ૯૦ ખેડૂતો ની પણ ખરીદી કરવાની હતી, પરંતુ ખરીદ કેન્દ્રના અધિકારીઓ લેટ આવવાના કારણે ખરીદી લેટ ચાલુ થઈ હતી. જેના કારણે ખેડૂતોએ હંગામો મચાવી માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો બંધ કર્યો હતો. હોબાળો થવાની જાણ તંત્રને થતા અધિકારીઓ હાજર થાય હતા અને સાથે જ પોલીસ પણ દોડી આવી હતી. અધિકારીઓ અને પોલીસની સમજાવટ બાદ ખરીદી ચાલુ કરવામાં આવી હતી.