હિંમતનગર, તા.૧૭
તાજેતરમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માસિક 15 ટકા થી વધુ વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ હિંમત ખુલતાં વધુ એક શોષિત અને 10 થી 15 ટકા માસિક વ્યાજ થી પાયમાલ થઇ જતાં અને મારી નાખવાની તથા બૈરી-છોકરાને ઉપાડી જવાની ધમકીઓથી ડરીને કચ્છમાં ભાગી ગયેલ કુરીયર સર્વિસના વ્યવસાયીએ એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સામાં પણ માસિક 3 ટકાના વ્યાજથી રૂ.50 હજારની શરૂ થયેલ ડાયરી ત્રણ વર્ષમાં રૂ. 20 લાખ સુધી પહોંચી ગઇ હતી અને રૂ.20 લાખ ચૂકવવા છતાં દુકાન લખાવી લઇ મકાન પડાવી લેવા છતાં રૂ.17.49 લાખ બાકી કાઢ્યા હતા.
શહેરના દુર્ગા બજારમાં કુરીયરનો વ્યવસાય કરતાં હરેશકુમાર પ્રજાપતિએ તેમની દુકાન નીચે ભરતભાઇ બારોટની ફાઇનાન્સમાંથી 2015માં માસિક 3 ટકા વ્યાજે રૂ.50 હજાર લીધા હતા. 2015 થી 2018 સુધીમાં હરેશકુમારે ટુકડે ટુકડે ભરતભાઇ પાસેથી રૂ.20 લાખ લીધા હતા. જેના વ્યાજ અને પેનલ્ટી સાથે રૂ.40 લાખ કરી દીધા હતા, તે પૈકી હરેશકુમારે રૂ.20 લાખ દૈનિક ડાયરી તેમજ વ્યાજ અને પેનલ્ટી સાથે ચૂકવેલ હતા. હિસાબ કરતાં 2017 માં રૂ.11 લાખ ચૂકવવાના તથા હોઇ બાકીના રૂપિયા આપવાની ના પાડતા તને ઉપાડી લઇ શરીરે પથ્થરો બાંધી કેનાલમાં નાખી દઇશ તેવી ધમકીઓ આપતા માતાને વાત કરી દુકાનની કિંમત રૂ.11.50 લાખ ગણી ભરતને દસ્તાવેજ કરી આપ્યો હતો. ત્યારબાદ ભરતે માત્ર રૂ.7.11 લાખ જમા કરી રૂ.4 લાખ જેટલી રકમ બાકી કાઢી હતી ધમકીઓથી દબાયેલા હરેશકુમારે સ્વીકારી લીધુ હતુ અને બીજા રૂ.2.11 લાખ લીધા હતા.
ભરત બારોટના રૂ.6.11 લાખ ચુકવવા હરેશકુમારે ઉત્સવ વિઠ્ઠલભાઇ સુથાર પાસેથી દસ ટકાના વ્યાજે બે તબક્કામાં રૂ.2 લાખ લીધા હતા અને હેમંત ભુપેન્દ્રભાઇ ગોસ્વામી પાસેથી રૂ.50 હજાર 16 ટકા વ્યાજે લીધા હતા. દરમિયાનમાં ભરત બારોટ પાસેથી ત્રણ મિત્રોની જામીનગીરી થી વધુ રૂ.3 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા. તા. 15-05-18 નારોજ ભરત બારોટે હરેશકુમારને ઓફિસે બોલાવી હુ તારી પાસે દસ-બાર લાખ રૂપિયા માગુ છુ તેની કબજા પાવતી લખી આપ નહી તો કચ્છમાંથી તારી પત્ની અને સંતાનોને ઉપાડી લેવાની ધમકી આપી હતી.
ઓગસ્ટ -2018માં ઓફિસ બોલાવી રૂ. 17.49 લાખ બાકી હોવાનુ લખાણ છે, કહી સ્ટેમ્પમાં સહી કરાવી લીધી હતી અને હરેશકુમારના જણાવ્યાનુસાર બે માળના મકાનની કબ્જા પાવતીમાં તેમની માતાની ખોટી સહીઓ કરી નીચેના માળનુ તાળુ તોડી કબજો લઇ મકાન ભાડે આપી દીધુ હતુ. ધમકી અને ડરથી હરેશકુમાર ડિસે-2018 માં હિંમતનગર છોડી કચ્છના આદીપુર જતા રહ્યા હતા, પરંતુ તાજેતરમાં ભરત બારોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા અને હિંમત ખુલતા હરેશકુમાર વિજુભાઇ બારોટ, ઉત્સવ વિઠ્ઠલભાઇ સુથાર, હેમંત ભૂપેન્દ્રભાઇ ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતા ભરત બારોટ વિરુદ્ધ પઠાણી વ્યાજનો વધુ કેસ નોંધાયો હતો.