હિંમતનગર, તા.૨૪
હિંમતનગર પાલિકાના સભાખંડમાં મંગળવારે સાંજે 4:00 કલાકે યોજાયેલ સામાન્ય સભામાં ટાઉન પ્લાનીંગ મિટીંગની કાર્યવાહીની નકલો ન મળવાને મામલે અને ગત દિવાળીમાં લાંચ લેતા ઝડપાયેલ ટાઉનપ્લાનીંગ ઇજનેરની મૂળ જગ્યાએ પરત ફરવાની માંગણીના અનુસંધાને શાસક પક્ષ ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો.
પાલિકા પ્રમુખ અનિરૂદ્ધભાઇ સોરઠીયાના અધ્યક્ષ સ્થાને અને ચીફ ઓફીસર અલ્પેશકુમાર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં ગત તા.27-09-19 ના રોજ યોજાયેલ ટાઉનપ્લાનીંગ કમિટિની કાર્ય નોંધ વિપક્ષને મળી ન હોવાને મામલે ઇમરાનભાઇ અલજીવાલા દ્વારા મ્યુનિસિપલ એક્ટની જોગવાઇઓ ટાંકીને શાસક પક્ષ ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં સીઓએ જવાબ આપી મામલો થાળે પાડ્યો હતો.
બેઠકની કાર્યવાહી દરમિયાન નવીન રોડ અને રીસરફેસીંગ રોડ બનાવવા રૂ.2.36 કરોડના ખર્ચ માટે રૂ.1.73 કરોડ નાણાપંચ પરફોર્મન્સ ગ્રાન્ટ 2017-18 અને રૂ.62.74 લાખ નાણાપંચ ગ્રાન્ટ 2019-20 માં ખર્ચ પાડવા ઠરાવ કરાયો હતો. તદ્દપરાંત શૈક્ષણિક હેતુ માટે ટાઉન હોલનું ભાડુ ઘટાડવા પેવર બ્લોકની કામગીરી, સર્કલ ડેવલપમેન્ટ, ધાણધાથી પ્રતાપગઢ પેટ્રોલપંપ સ્ટ્રીટલાઇટની સુવિધા, પે એન્ડ યુઝ વગેરે માટે ઠરાવ કરાયો હતો.
ટાઉનપ્લાનીંગ વિભાગના લાંચ કેસમાં ઝડપાયેલ એન્જિનિયર જીજ્ઞેશ ગોર દ્વારા 100 ટકા પગાર અને મૂળ જગ્યાએ પરત મૂકવા કરેલ અરજી અનુસંધાને મામલો ગરમાયો હતો અને વિરોધ પક્ષના ઇમરાન અલજીવાલાએ વિરોધ કર્યો હતો કે લાંચમાં ઝડપાયેલને કેવી રીતે આ કી પોસ્ટ પર પરત લાવી શકાય. વિરોધ થતાં નિર્ણયની સત્તા પ્રમુખને સોંપવાનો ઠરાવ કરાયો હતો.
સામાન્ય સભામાં પાલિકા વિસ્તારમાં આવતી તમામ મિલકતો માટે ભૂગર્ભ ગટરવેરો ફરજિયાત કરવાનો ઠરાવ કરાયો હતો. હાલમાં હિંમતનગર શહેરમાં ભૂગર્ભ ગટર સુવિધાનો 9 હજાર જેટલા રહીશો વેરો ભરી રહ્યા છે અને અંદાજે 7 હજાર જેટલા લોકો બાકી છે આ ઠરાવ મંજૂર થયા બાદ પાલિકાની આવકમાં રૂ.35 લાખ જેટલો વધારો થશે.
પાલિકા પ્રમુખઅનિરૂદ્ધભાઇ સોરઠીયાએ કહ્યું હતું કે,સામાન્ય સભામાં પૂરી પારદર્શિતાથી કામગીરીનુ વહન થાય છે વિરોધ પક્ષના નેતાનુ એક જ કામ રહી ગયુ છે. વિરોધ કરવાનુ કોંગ્રેસના તેમના સાથી પૂર્વ વિરોધ પક્ષના નેતા ઇશાકભાઇ લેખિત પત્રથી પાલિકાની કામગીરીને બિરદાવે છે જે આજે સામાન્ય સભામાં વંચાણે લેવાયો હતો.