હિમાલયની નદીઓનાં પાણી કચ્છ લાવી શકાય તેમ છે

પીવા માટે નર્મદાનાં પાણી કચ્છને મળવા લાગતાં તમામ સ્થાનિક સોર્સનું મહત્ત્વ ઘટી ગયું છે. તળાવો, બોર વગેરે સ્ત્રોતની જાળવણી કરવામાં બેદરકારી સેવાઈ રહી છે. નર્મદાનાં પાણી નિયમિત રીતે અનિયમિત મળે છે. ક્યારેક નહેરમાંથી પાણીની ચોરી થવી કે ક્યારેક પાઇપલાઇન તૂટી જવી જેવાં કારણોસર દિવસો સુધી નર્મદાનાં નીરનું વિતરણ બંધ થઈ જાય છે અને કચ્છના લોકો પાણી માટે ટળવળે છે. આવી સ્થિતિમાં પીવા માટે અને સિંચાઈ માટે પાણીના વૈકલ્પિક સ્ત્રોતની તાતી જરૃર છે…

કચ્છમાં એક પણ બારમાસી, મોટી નદી નથી. તેથી બહારના પ્રદેશની નદી પર જ નજર દોડાવવાની રહી. સદીઓ પહેલાં સિંધુ કચ્છમાં વહેતી હતી. આજે જ્યાં રણ છે ત્યાં સાગર સમા ભાસતા સિંધુનાં પાણી લહેરાતાં હતાં. ચોખા, ઘઉં, મકાઈ જેવો પાક મોટા પાયે લેવાતો હતો. ભૂકંપના કારણે સિંધુનું વહેણ બદલાયું અને રણ રચાયું, કચ્છ પાણી માટે તરસતો પ્રદેશ બની ગયો. એક સમયે સિંધુના તટપ્રદેશમાં આવતો હોવાથી કચ્છનો પણ તેના પાણી પર હક્ક છે, પરંતુ ભારત- પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થીથી સિંધુ જળ કરાર થયા, જે અન્વયે હિમાલયની પૂર્વની ત્રણ નદીઓ સતલજ, બિયાસ અને રાવીનાં પાણી ભારત વાપરે જ્યારે પશ્ચિમની ત્રણ નદીઓ સિંધુ, જેલમ અને ચીનાબનાં પાણીનો પાકિસ્તાન ઉપયોગ કરે તેવું નક્કી થયું. આમ રાષ્ટ્રના હિતમાં કચ્છના હિતનો ભોગ લેવાયો. ભારતના ભાગે આવતી ત્રણે નદીઓનાં પાણી પર રાજસ્થાનનો કોઈ હક્ક ન હોવા છતાં તેને હેરિક બંધમાંથી નીકળતી રાજસ્થાન (ઇંદિરા) કેનાલ દ્વારા પાણી અપાઈ રહ્યું છે. ઉપરાંત નર્મદા નદી પર પણ રાજસ્થાનનો અધિકાર ન હોવા છતાં તેને પાણી અપાઈ રહ્યાં છે. અત્યારે કેન્દ્ર સરકારે ભારત જે પાણી વાપરી શકતું નથી અને જે પાકિસ્તાનમાં વહી જાય છે તે અટકાવવા માટે શાહપુર કંડી પર બંધ બાંધવા કાર્યવાહી શરૃ કરી છે ત્યારે આ વધારાના પાણી કચ્છને તેના હક્કના સિંધુના પાણીની અવેજીમાં રાજસ્થાન કેનાલ કચ્છ સુધી લંબાવીને આપવાની માગ જોર પકડી રહી છે.

આજે રણ અને દરિયા વડે ઘેરાયેલા કચ્છમાંથી દોઢ-બે સદી પહેલાં સુધી સિંધુ નદીનાં પાણી વહેતાં હતાં અને તેના કાંઠે લખપત જેવાં બંદરો પર દૂર દેશાવર ખેડતાં વહાણો લાંગરતા હતાં. ચોખાની ખેતી હતી. આ વાત આજે સાચી માનવી અઘરી લાગતી હોવા છતાં હકીકત છે. ૧૭૬૧માં સિંધના અમીર ગુલામ શાહ કલોરાએ કચ્છ પર ચડાઈ કરી, ઝારાના યુદ્ધમાં કચ્છને શિકસ્ત આપી અને કચ્છને સુજલામ્ સુફલામ્ રાખતી સિંધુ નદીનાં પાણી અટકાવવા માટે અલ્લાબંધ નામે એક બંધ બાંધ્યો. આ બંધના કારણે સિંધુનાં પાણી અટક્યાં, તે સમયના કચ્છના રાજવીઓએ બંધ દૂર કરાવવા કોઈ પગલાં ન ભર્યાં અને ૧૮૧૯માં મોટો ભૂકંપ આવ્યો. જેનાથી કચ્છ અને સિંધ પ્રાંતની ભૂગોળમાં અનેક ફેરફાર કર્યા. અલ્લાબંધ પાસેની જમીન એક માઈલના વિસ્તારમાં ૧૮ ફૂટ ઊંચી થઈ ગઈ અને સિંધુનાં પાણી કચ્છમાં આવવાનો માર્ગ કાયમ માટે અવરોધાયો.

ત્યાર પછી સિંધુનાં પાણી કચ્છમાં લાવવાના અનેક પ્રયત્નો તો થયા, પરંતુ તેને સફળતા ન મળી, આઝાદી પછી વિશ્વબેંકની મધ્યસ્થીથી જ્યારે હિમાલયમાંથી નીકળતી નદીઓ પૈકીની પશ્ચિમ તરફની નદીઓ પર પાકિસ્તાનનો હક્ક અબાધિત થયો ત્યારે પૂર્વની નદીઓનાં પાણી રાજસ્થાન સહિતનાં રાજ્યોને મળવા લાગ્યાં, પરંતુ કચ્છ તેના અધિકારથી વંચિત રહ્યું. રાજસ્થાન કેનાલને કચ્છ સુધી લંબાવવાનું આશ્વાસન અપાયું અને તે માટેનો સરવે પણ થયો, પરંતુ પછી રાજસ્થાન સરકારે પાણીની અછતની દલીલ કરીને ગુજરાત સુધી કેનાલ લંબાવવાનો ઇન્કાર કર્યો. આમ અત્યાર સુધી કચ્છનો હક્ક હોવા છતાં તેને સિંધુનાં પાણીની અવેજીના પાણી મળી શક્યાં નથી.

‘સિંધુનાં પાણી અને કચ્છ’ નામનું દસ્તાવેજ સમું એક પુસ્તક લખનારા અબડાસાના માજી ધારાસભ્ય અને અભ્યાસુ મહેશભાઈ ઠક્કર સાથે આ બાબતે વાત કરતાં તેઓ સિંધુની અવેજીનું પાણી મેળવવા થયેલા તબક્કાવાર પ્રયત્નો અંગે જણાવે છે કે, ‘સદીઓથી વહેતાં સિંધુ નદીનાં પાણી ૧૯મી સદીની શરૃઆત સુધી કચ્છને નવજીવન આપતાં હતાં. તેથી કચ્છના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં ચોખાની મોટા પાયે ખેતી થતી હતી. સિંધુનાં પાણી પરનો કચ્છના અધિકારનો ભૂતકાળમાં વાંધારહિત સ્વીકાર થયો હતો. રૃઠેલી કુદરતને કારણે વહેણ બદલનારી સિંધુનાં પાણી કચ્છ માટે મેળવવા આઝાદી પહેલાં પણ પ્રયાસો થયા હતા, પરંતુ ત્યારથી શરૃ કરીને અત્યાર સુધી થયેલા વિવિધ પ્રયત્નોનું પરિણામ શૂન્ય આવ્યું છે. હવે જ્યારે કેન્દ્ર સરકાર પાકિસ્તાનમાં વહી જતાં હિમાલયની નદીઓનાં વધારાનાં પાણી અટકાવવા પ્રયત્નશીલ છે ત્યારે આ પાણી કચ્છને ફાળવવા જ જોઈએ. તો જ નર્મદાનાં પાણીનો એક સદ્ધર વિકલ્પ ઊભો થશે અને કચ્છને તેની જરૃરત મુજબનું પાણી મળી રહેશે. આ માટે અત્યારે જ જો તમામ સ્તરથી પ્રયત્ન થાય તો શુભ ફળ મળી શકે.’

૧૯૪૩માં કચ્છના મહારાવ વિજયરાજજીએ સિંધ સરકાર પાસે કોટરી ખાતે બંધાનારા સિંધુ બેરેજ (બંધ)માંથી કચ્છને પાણી આપવા વાટાઘાટો કરી હતી. કોટરીથી નહેર કાઢીને ૨૬૫૦ ઘનફૂટ પ્રતિ સેકન્ડ (ક્યુસેક) પાણી મેળવવા સરવે કરાયો હતો. આ સૂચિત કેનાલ દ્વારા બન્ની અને રણની ૮૫ હજાર એકર જમીનને સિંચાઈ સુવિધા આપવાનું આયોજન કરાયું હતું. ત્યાર બાદ ૧૯૪૬માં સેન્ટ્રલ વૉટર પાવર ઇરિગેશન અને નેવિગેશન કમિશન તથા ઇન્ડિયન વૉટરવેઝ એક્સપરિમેન્ટ સ્ટેશનના ડાયરેક્ટર સમક્ષ પણ વાત મુકાઈ હતી. તે સમયે તપાસના અંતે સિંધુનાં પાણી કચ્છને આપવા માટે કેનાલ બનાવવી શક્ય છે તે વાત સાબિત થઈ હતી. આઝાદી પછી કચ્છ ‘ક’ વર્ગનું રાજ્ય બન્યું, મુંબઈ રાજમાં ભળ્યુંું, પછી ગુજરાતમાં ભળ્યું, તમામ સમયે વિવિધ સ્તરે સિંધુનું પાણી કચ્છને મળે તે માટે સ્થાનિક નેતાગીરી દ્વારા પ્રયાસો થતા રહ્યા, પરંતુ સફળ ન રહ્યા. ત્યાર બાદ ૧૯૬૦માં સિંધુ જળ કરાર થયા. તેમાં ભારતને પશ્ચિમી નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબનાં પાણીનો ઘરવપરાશ તથા નિયત ખેતીવાડી માટે વપરાશ કરવાની છૂટ અપાઈ છે અને વધારાનું પાણી બેરોકટોક મુક્તપણે વહેવા દેવાનું નક્કી કરાયું છે. આવી સ્પષ્ટ જોગવાઈ હોવાથી કચ્છ માટે સિંધુનાં પાણી લાવવા માટે પાકિસ્તાન સાથે વાટાઘાટ કરી શકાય તેમ છે. જોકે આજની સ્થિતિ જોતાં આ વાત ખૂબ અઘરી હોવાથી કચ્છને તેના હક્કના સિંધુના પાણીના બદલામાં હિમાલયની પૂર્વની ત્રણ નદીઓનાં પાણી આપવા જોઈએ.

રાજસ્થાનનો સિંધુ કે નર્મદાનાં પાણી પર અધિકાર ન હોવા છતાં પાણી તેને અપાય છે. નર્મદાનું પાણી ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અપાય છે. ગુજરાતના ભાગે નર્મદાનું પાણી ૯ મિલિયન એકર ફૂટ આવે છે. તેમાંથી કચ્છને અંદાજે ૦.૫૦ મિલિયન એકર ફૂટ પાણી મળે છે. જેમાં પીવા માટે, ખેતી માટે અને ઉદ્યોગો માટેનું પાણી સામેલ છે. આટલું પાણી કચ્છ માટે તદ્દન અપૂરતું છે. જ્યારે હક્ક ન હોવા છતાં રાજસ્થાનને પણ આટલું જ પાણી નર્મદાનું અપાય છે. ઉપરાંત તેને હિમાલયની નદીઓનું પાણી હેરિક બેરેજમાંથી રાજસ્થાન કેનાલ થકી મળી રહ્યું છે.

કચ્છ સરહદી જિલ્લો છે. આ જિલ્લાના ૯૦૦થી વધુ ગામો પૈકીનાં ૭૦૦ જેટલાં ગામો નો-સોર્સ વૉટર જાહેર થયેલાં છે. ભારતના સિંચાઈ પંચે ‘૭૦ના દાયકામાં જિલ્લાના દસે દસ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલા. અત્યારે પણ પરિસ્થિતિમાં વિશેષ ફરક પડ્યો નથી. ત્યારે સરહદી વિસ્તાર ઉજ્જડ ન બને તે હેતુથી કચ્છને વધુ પાણીની તાતી જરૃર છે. અત્યાર સુધી હિમાલયની પૂર્વની જે ત્રણ નદીઓનાં પાણી ભારતના ફાળે આવ્યાં છે તેમાંથી લગભગ ૮થી ૯ મિલિયન એકર ફૂટ પાણી વપરાયા વગરનું રહેતું હોવાથી તે પાકિસ્તાન તરફ વહી જાય છે. જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં લશ્કરી છાવણીમાં થયેલા હુમલામાં ૧૮ જવાનો શહીદ થયા પછી પાકિસ્તાન સામેનાં કડક પગલાંના ભાગરૃપે વહી જતાં પાણી રોકવાની કાર્યવાહી થઈ રહી છે. આ પાણી કચ્છને આપવા જોઈએ. આ માટે રાજસ્થાન કેનાલને લંબાવવાની જરૃર છે અથવા ૬ ફૂટ વ્યાસની મોટી પાઇપલાઇન નાખીને પાણી કચ્છ સુધી લંબાવી શકાય.

અત્યારે પાકિસ્તાન લિચિંગ પ્રોસેસ (જમીનની ખારાશ ઘટાડવા માટે થતી પ્રક્રિયા)માં વાપરેલું સિંધુનું પાણી કચ્છના રણમાં છોડે છે. આ પાણી તીવ્રતમ ક્ષારયુક્ત હોવાથી બન્ની વિસ્તારની જમીનને ભારે નુકસાન કરે છે. તેના કારણે અનેક ગામડાં પણ ઉજ્જડ થઈ રહ્યાં છે. બીજા દેશને નુકસાનકર્તા હોય તે રીતે પાણી વાપરી શકાય નહીં તેવી સિંધુ કરારમાં શરત હોવા છતાં તેનો સરેઆમ ભંગ થાય છે.

સિંધુનું વહેતું પાણી કચ્છને મળતું નથી, પરંતુ જમીનના પેટાળમાં પણ સિંધુના જળ વહી રહ્યાં છે. તે મેળવવા પણ પ્રયાસો શરૃ થયા છે. કચ્છને સિંધુનાં પાણી મળે તે માટે જાગૃતિ આવે તેવા સમયાંતરે પ્રયાસો કરનારા કીર્તિભાઈ ખત્રી કહે છે, ‘૧૮૧૯ના ધરતીકંપ પહેલાં સિંધુ લખપત સુધી વહેતી હતી. આથી સિંધુનાં પાણી પર કચ્છનો અધિકાર છે, પરંતુ કચ્છના ભોગે રાજ્સ્થાન અને હરિયાણાને પાણી અપાયું છે. જમીનના પેટાળમાં હજુ સિંધુનાં પાણી વહી રહ્યાં છે. નેત્રા પાસે બનેલા પાતાળ કૂવામાં નીકળતું પાણી સિંધુનું હોવાનું મનાય છે. આ પાતાળ કૂવા આધારિત જૂથ પાણી પુરવઠા યોજના પણ ચાલી રહી છે. ૨૦૦૧ના ભૂકંપ પછી સિંધુનાં વહેણ પુનર્જીવિત થઈ રહ્યાં હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે ત્યારે જમીન ઉપરથી સિંધુનું પાણી ન મળે તો પેટાળનું પાણી મેળવવું જોઈએ. કચ્છના ભાગ્યવિધાતા તરીકે પહેલા મેઘરાજા અને પછી નર્મદાને મનાય છે, પરંતુ નર્મદા અત્યાર સુધી તો ભાગ્યવિધાતા બની શકી નથી. અત્યારે પણ નર્મદાનું પાણી મળતું હોવા છતાં લોકોને બોર પર આધાર રાખવો પડે છે. આથી નર્મદાનાં પાણી ઉપરાંત જેટલી ઘટ પડે તેટલું પાણી જો સિંધુ અથવા હિમાલયની નદીઓનું મળે તો કચ્છની પાણીની મુશ્કેલી મહદ્અંશે હળવી બને.’

સિંધુનાં પાતાળ-પાણી અંગે વાત કરતાં ઇસરોના માજી વૈજ્ઞાનિક પ્રભુદાસ ઠક્કર કહે છે, ‘પાકિસ્તાન જમીનનું ક્ષારતત્ત્વ ઘટાડવા માટે સિંધુનું પાણી વાપરે છે. તેનું વેસ્ટ વૉટર અતિ ક્ષારયુક્ત હોય છે. તેમાં ગટરના પાણી પણ ભળેલા હોય છે. આથી આ પાણી એમ ને એમ તો વાપરી શકાય જ નહીં, પરંતુ મોટા રણમાં સિંધુ અને સરસ્વતીના પાણીનો પ્રવાહ ઉપગ્રહીય તસવીરમાં જોવા મળી રહ્યો છે. રુદ્રમાતા, રવેચી અને આશાપુરા ત્રણે દેવીઓને પુરાણોમાં બહેનો બતાવી છે. આ દેવીઓનાં ત્રણે સ્થાન પાસે પણ સરસ્વતીના પ્રવાહો વહેતા હતા. આ પ્રવાહોનો યોગ્ય રીતે અભ્યાસ કરીને જો બોર બનાવાય તો તેના પાણીનો ઉપયોગ થઈ શકે તેમ છે. સદીઓ પહેલાં મોટું રણ ફળદ્રુપ જમીન હતી. અહીં નદી કિનારે બંદરો અને શહેરો વસેલાં હતાં. સારી ખેતી થતી હતી. આથી જમીનના પેટાળમાં પાણીનો પ્રવાહ વહે છે એ વાત સાચી. સરહદની સુરક્ષા કરતા જવાનો માટે આ પાણી અતિઉપયોગી બની શકે તેમ છે.’

કચ્છની સરહદ પર જવાનોને પાણી પહોંચાડવામાં પાણી પુરવઠા બોર્ડને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે પીવાના પાણી માટેની પાઇપલાઇન વિઘાકોટ સુધી નખાઈ છે, પરંતુ પાણી ધરમશાલા સુધી પહોંચાડી શકાયા છે. ત્યાંથી વિઘાકોટ સુધી જવાનોને ટેન્કર દ્વારા પાણી અપાય છે. જો આ વિસ્તારમાં પીવાલાયક પાણી મળી આવે તો ત્યાં બોર કરીને તેમની પાણીની સમસ્યા હલ કરી શકાય તેમ હોવાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા આ અંગે પ્રયાસો થતા હતા. તાજેતરમાં જ ગેન્ડી પોસ્ટ પાસે બોર બનાવવા આયોજન કરાયું છે.

આ અંગે વાત કરતાં પાણી પુરવઠા બોર્ડના હાઇડ્રોલોજિસ્ટ નરેશ ગોરના જણાવ્યા મુજબ, ‘પાકિસ્તાન અને ભારતની સરહદ પર સિંધુનાં પાણીના કારણે શકુર લૅક બન્યો છે. ૩૦૦ કિ.મી.માં ફેલાયેલા આ લૅકનો ૨૧૦ કિ.મી.નો વિસ્તાર ભારતમાં અને ૯૦ કિ.મી.નો વિસ્તાર પાકિસ્તાનમાં છે. સિંધુનું પૂરનું પાણી ધોરોપુરાણમાં થઈને શકુર લૅકમાં આવે છે. જોકે તેમાં પાકિસ્તાન વિસ્તારના ખાંડ કારખાનાનું, બદીન જિલ્લાનું ગંદંુ પાણી પણ ભળે છે, જ્યારે ભારતે આ પાણીના સેમ્પલ લીધા અને તેનું પરીક્ષણ કર્યું તો આ પાણીમાં માનવને નુકસાનકારક હેવી મેટલ્સ જોવા મળ્યા ન હતા, પરંતુ આ પાણીનું ટી.ડી.એસ., પીએચ., ક્લોરાઇડ અને અલ્કલાઇન લેવલ ઘણું વધુ હતું. જો સતીષ પોસ્ટ પર ક્ષાર નિયંત્રણ માટે ડિસિલિનેશન પ્લાન્ટ નખાય અને આ પાણીનું શુદ્ધીકરણ કરાય તો તે પીવાલાયક બની શકે તેમ છે. ધરમશાલા પાસે ૩૬ મીટરની ઊંડાઈએ પાણી હોવાનું રિમોટ સેન્સિંગથી જણાયું હતું, પરંતુ આ સ્થળ દરિયાથી વધુ નજીક હોવાથી દરિયાથી ૨૫ કિ.મી. દૂર આવેલા ગેન્ડી પોસ્ટ પર ૯૦ મીટરની ઊંડાઈએ આવેલું ભૂગર્ભ જળ બહાર ખેંચવા બોર બનાવવાનું આયોજન છે. જો અહીં પાણી મળે અને તેના પર ટ્રીટમેન્ટ કર્યા પછી તે પીવાલાયક બને તો સરહદ પરનો પાણીનો પ્રશ્ન મહદ્ અંશે ઉકેલાઈ જાય.’

નર્મદાનું પાણી કચ્છને અનિયમિત રીતે અને અપૂરતું મળતું હોવાના કારણે પીવા માટેના પાણીની રાડ સમયાંતરે સંભળાયા કરે છે. જ્યારે પશ્ચિમ કચ્છ માટે તો સિંચાઈ માટે નર્મદાનું પાણી હજુ સ્વપ્નવત્ છે. પૂર્વ કચ્છના પણ બહુ થોડા ભાગને પાણી મળે છે, પરંતુ તે પણ અનિયમિત છે. આથી સિંધુના પાણીના અવેજીનું પાણી રાજસ્થાન નહેર વાટે કચ્છને મળે અને સિંધુના ભૂગર્ભ જળના આધારે બોર તૈયાર કરીને પાણીની સમસ્યા હલ કરવાનો આ સમય છે.

‘મોસાળમાં જમણ અને મા પીરસનારી’ એવું જ્યારે મુખ્યમંત્રીએ થોડા સમય પહેલાં કહ્યું હતું. સિંધુના જળ અંગે પ્રથમવાર અવાજ ઉઠાવનારા નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન છે ત્યારે કચ્છના પ્રાણપ્રશ્ન સમો પાણીનો પ્રશ્ન સિંધુ અને હિમાલયની નદીઓનાં જળ વડે ઉકેલવા તમામ સ્તરથી એડીચોટીનું જોર લગાવાય તે જરૃરી છે. એક સમાચાર એવા આવ્યા છે કે વીઘોકોટની ઉત્તરે ૧૧૧૮ બોર્ડર પિલર પાસે આવતા નરાના પ્રવાહમાં આજે પણ સિંધુ નદીનું પાણી આવે છે. અહીં પાતાળકૂવો કરીને સિંધુનું પાણી સૈનિકોના ઉપયોગ માટે મેળવી શકાય.

ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ. પ્રભુ ઠક્કર છેલ્લાં પચીસ વર્ષથી પુરાતત્ત્વ, સરસ્વતી નદી અને અન્ય નદીઓના પ્રવાહનો અભ્યાસ કરી રહ્યા છે. ડૉ. પ્રભુ ઠક્કર કહે છે, ‘વાસ્તવમાં આ પાણી પાકિસ્તાનમાંથી સક્કર બેરેજમાંથી છોડવામાં આવે છે અને તે થરના રણની ખારાશ દૂર કરીને આગળ વધે છે અને તેમાં ઉમરકોટ અને ચોટિયારી પાસે ગટરનું પાણી ભળે છે. આ પાણીનો ઉપયોગ સૈનિકો ન્હાવા માટે કરી શકે કે કેમ અને તેમાં રહેલી માછલીઓનો ઉપયોગ થઈ શકે કે કેમ તેવો મત અમારી પાસે માંગતા અમે તે પાણીના નમૂનાની લેબોરેટરી તપાસ કરાવી અને તારણ આપ્યું હતું કે તે પાણી ન્હાવાના ઉપયોગમાં લઈ શકાય તેવું નથી અને તેમાં કેટફિશ જેવી ઝેરી માછલીઓ હોઈ શકે તેથી તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી. ડૉ. ઠક્કરના મતે કચ્છની પાકિસ્તાન સરહદે સૈનિકો માટે પીવાના મીઠા પાણીની સમસ્યાનો ઉકેલ સરસ્વતીના પેટાળમાં સમાઈ ગયેલા પ્રવાહને પુનઃ મેળવવામાં રહેલો છે.’

આ માટે ડૉ. ઠક્કરે લખપતથી વાયવ્યમાં કોરી નદીના મુખ પ્રદેશથી શરૃ કરી, વીઘોકોટ, બાવરલા બેટ, ભેડિયાબેટ, ધર્મશાળા, ખાવડા, ખડીર, બેલા બેટ તથા નડા બેટ સુધી તેમજ માવસરીથી રાજસ્થાનમાં બાડમેર જિલ્લાના બાખાસર સુધી ઉપગ્રહની તસવીરોની મદદથી રણમાં જૂની નદીઓના શક્ય પ્રવાહો શોધી કાઢી ભૂગર્ભ જળશાસ્ત્રી આદિત્ય શાહની સાથે તાંબાના સળિયાની મદદથી ડાઉઝિંગ(પાણીકળાની એક પદ્ધતિ) કર્યું છે અને તેમાં તેમણે પેટાળમાં વહેતાં સરસ્વતીના ભારે પ્રવાહની ખાતરી મેળવી છે.

વૈદિક સરસ્વતી નદીના પ્રવાહના માર્ગે આવતી માટીના નમૂનાઓનું પૃથક્કરણ દ્વારા તેનો સમયગાળો નક્કી કરવાનું કામ પણ થયું છે. આ કાર્ય સાથે કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તર શાસ્ત્રી ડૉ. મહેશ ઠક્કર તથા અમદાવાદની વિખ્યાત ફિઝિકલ રિચર્સ લેબોરેટરી (પીઆરએલ)ના વૈજ્ઞાનિકો જોડાયેલા હતા. મોટા રણમાં પૂર્વ વિસ્તારમાં આવેલા સાત સરગુડિયા બેટ પર પંદર મીટરની ઊંડાઈ સુધી ફળદ્રુપ માટી હોવાનું જીઓ-ફિઝિકલ સર્વેક્ષણ દ્વારા પુરવાર થયું છે.

ડૉ. પ્રભુ ઠક્કરનું કહેવું છે કે, સોળસો વર્ષ પહેલાં વહેતી વૈદિક સરસ્વતી નદીના છેલ્લા પ્રવાહની જાણકારી મેળવી આ પ્રવાહ પર પાતાળકૂવા કરવામાં આવે તો ચોક્કસપણે આપણને આપણે લુપ્ત થયેલી સરસ્વતીનું મીઠું પાણી મળે. આશરે સોળ સો વર્ષો પહેલાં આજના પાકિસ્તાનના નગર પારકર વિસ્તારમાં આવેલ વીરાવાવ ગામ પાસેથી વૈદિક સરસ્વતી નદીનો સળંગ છેલ્લો પ્રવાહ વહેતો હશે તેવું ભૌગોલિક તથા ભૂ વૈજ્ઞાનિક અભ્યાસ પરથી જાણવા મળે છે.

બોર્ડર પર મીઠા પાણીનો સ્ત્રોત અંગે વાત કરતા આગળ ડૉ. ઠક્કર કહે છે, ‘આ અહેવાલો વાંચતા મને વિચાર આવ્યો કે આના કરતાં કચ્છના રણમાં રહેલા નરા કે સરસ્વતીના જૂના પ્રવાહ ઉપર પાતાળકૂવા કરવામાં આવે તો બોર્ડર ઉપર, ઝીરો પોઇન્ટ પર ઓછા ખર્ચે સૈનિકોને શુદ્ધ પાણી મળી રહે. નદીની રેખા પર ૧૦ કિલોમીટરના બફર વિસ્તારમાં પાતાળકૂવા ગાળવામાં આવે તો ચોક્કસ પાણી મળે.’ તાજેતરમાં જ હરિયાણામાં સરસ્વતી હેરિટેજ બોર્ડ અને સેન્ટર ફોર એક્સલન્સ ઇન સરસ્વતી દ્વારા ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને તેમાં વ્યાખ્યાન માટે ડૉ. પ્રભુ ઠક્કરને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સરસ્વતી આદિ બદરીથી વહી છે અને હરિયાણા સરકાર હરિયાણા અને હિમાચલ પ્રદેશની સરહદે શિવાલિક પર્વતમાળામાં આવેલા અધ બદરીને આદિ બદરી ગણાવે છે તેનો ડૉ. ઠક્કરે વિરોધ કર્યો હતો. ડૉ. ઠક્કર કહે છે, સોળસો વર્ષ પહેલાં વહેતી સરસ્વતી નદી તિબેટમાં આવેલ કૈલાસ માનસરોવરથી ૧૦૦ કિલોમીટર ઇશાન દિશામાં આવેલા ગાંગલા રીગ નામના સરોવરના ગૌમુખમાંથી નીકળી માનસરોવરમાં આવી, ત્યાંથી રાક્ષસતાલમાં આવી, ત્યાંથી ઉત્તર પશ્ચિમ તરફ વહી તિબેટના ધૂલીંગ મઠ જે જૂના સમયમાં આદિ બદરીના સ્થાનકથી ઓળખાતું હતું ત્યાંથી વહેતી ફરીથી દક્ષિણે માના ઘાટ પર વહી અને વર્તમાન ભારતમાં દાખલ થતી હતી. ગંગા ઘાટ પર ઘોડાના મુખમાંથી કરનાલી, હાથીના મુખમાંથી બ્રહ્મપુત્રા અને ગૌમુખમાંથી સરસ્વતી ઉત્પન્ન થાય છે. માના પાસથી નીચે સરસ્વતી નગર હતું. આજે પણ ત્યાં સરસ્વતી મંદિર છે. પહેલાં તિબેટ અને કૈલાસ માનસરોવર ઉત્તર પ્રદેશના યુક્ત પ્રાંતના પ્રદેશો હતા.

સરસ્વતી ઋષિ ગંગા તથા ધૌલી- ધોળી ગંગાના પ્રવાહમાં વહી છેલ્લે વિષ્ણુ ગંગાના પ્રવાહમાં વહી, બદ્રીકેદાર થઈ વાલખિલેશ્વર આશ્રમ એટલે કે હૃષિકેશ હરિદ્વાર પાસે મેદાની પ્રદેશમાં દાખલ થતી હતી. આ સરસ્વતીનો પ્રવાહ હરિયાણા તથા રાજસ્થાનમાંથી પસાર થઈ આજના પાકિસ્તાનના નગર પારકર વિસ્તારમાં વીરાવાવ પાસે વહીને કચ્છના મોટા રણમાં ખડીરની ઉત્તરે આવેલ મરુડા ટક્કર પાસે થઈ, ભાન્જાડો બેટ પાસે નાની બન્નીમાં વહી ભુજ તાલુકાના ઝીક્ડી ગામ સુધી આવતો હતો તેવું નકશાઓ અને સેટેલાઇટ ઇમેજ પરથી જાણવા મળે છે. ખડીર પાસે આ પ્રવાહના ત્રણ ફાંટા પડ્યા. એક આશાપુરા માતાના મઢ સુધી ગયો, બીજો ભુજમાં રુદ્રાણી માતા સુધી ગયો અને ત્રીજો પૂર્વમાં બેલાબેટમાં રવેચી માતા પાસે ગયો. કચ્છના લોકો માને છે કે આ ત્રણેય માતાજી બહેનો હતી. આ વાતના પ્રમાણરૃપે આ વિસ્તારમાં મીઠું પાણી ઉપલબ્ધ છે, તેની નિશાની રૃપે ભચાઉ તાલુકાના ધરમપુર ગામ પાસે આવેલ શ્રવણકાવડિયા મંદિર પાસે ચાલીસ જેટલા ચેરનાં વૃક્ષો ઊભાં છે. ડૉ. ઠક્કર કહે છે, જો ઓ.એન.જી.સી., સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ કે ગુજરાત સરકારના અન્ય સંબંધિત વિભાગ અને સંરક્ષણ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો સરસ્વતીના મીઠા પાણી મેળવી શકાય. આપણે ૯૯૨ બોર્ડર પિલરથી ૧૦૦૫ બોર્ડર પિલર વચ્ચે ટ્યુબવેલ કરવામાં આવે તો સૈનિકોને સરસ્વતીનું પાણી પૂરું પાડી શકાય.

ડૉ. ઠક્કર કહે છે, અફઘાનિસ્તાન અને સિલોનની સરહદ બંધબેસતી હોવાના કારણે આ માનચિત્રોમાં બહુ નગણ્ય કહી શકાય તેવી ભૂલો રહેવાનો સંભવ છે. આ નકશાઓનો ઉપયોગ કરી સ્થળ પર યોગ્ય સર્વેક્ષણ કરી કાર્યવાહી કરવામાં આવે તો જરૃર આપણા સૈનિકોને આપણે ઓછા ખર્ચે મીઠું પાણી પૂરું પાડી શકીએ. સરસ્વતીના પ્રવાહ જુદા-જુદા સમયે બદલાયા હતા. બહુ પહેલા સરસ્વતી નદીનો પ્રવાહ ગંગામાં વહીને બિહારમાં છપરા સુધી ગયો, ત્યાંથી નર્મદા સાથે મળીને ગુજરાતમાં ભરૃચમાં આવતો હતો અને ભરૃચની સામે આજના ખંભાતના અખાતમાં વહીને શત્રુંજય પાસેથી સોમનાથ પાસે ગયો હતો. પછી આ પ્રવાહ ઉત્તર પશ્ચિમ તરફ વહેતો ગયો તેમ મહી, સાબરમતી, બનાસમાં ફંટાયો. પ્રાચીમાં મળતા સરસ્વતીના પાંચ પ્રવાહો હરણી, કપિલા, સરસ્વતી, નેનકુ અને વ્રજિયાણી છે. આજે કેટલાય પુરાતત્ત્વીય સ્થળો આ પ્રવાહો પર આવેલા છે, પણ આ પ્રવાહો જુદાં-જુદાં નામે ઓળખાય છે. સરસ્વતી રાજસ્થાનમાં ગુહ્ય નદી નામે ઓળખાય છે. અમે જુદાં-જુદાં સ્થળેથી નમૂના લઈને ડેટિંગ(કાળગણના)નું કામ શરૃ કર્યું ત્યારે બાવરલા બેટ પાસે અમને ૧૯,૦૦૦ વર્ષ જૂનો પ્રવાહ મળ્યો. ખડીર અને વીઘોકોટ પાસે ૧૬૦૦ વર્ષ જૂનો, કરીમશાહી પાસે ૩૦૦૦ અને ૫૦૦૦ વર્ષ જૂનો પ્રવાહ મળ્યો. કચ્છના રણમાં જુદા- જુદા સમયે જુદા-જુદા વિસ્તારમાં સરસ્વતીના પ્રવાહો વહ્યા છે. કચ્છનું રણ ભૂતકાળમાં ભૂકંપ અને સુનામીના પગલે વારંવાર ઉપર આવ્યું છે કે સમુદ્રસપાટીથી નીચે બેસી ગયું છે. કચ્છનું મોટું રણ કોઈ કાળે ફળદ્રુપ ખેતીનો પ્રદેશ હતો. અહીં લાલ ચોખા – શાલી ચોખા થતા હતા અને બસ્તા બંદર, લિજ્જત બંદર, જખૌ તેમજ લખપત બંદર પરથી અન્ય દેશોમાં તેની નિકાસ થતી હતી.
૧૨૦૦ વર્ષ પહેલાં રા નવઘણને ગિરનારથી સિંધ તરફ જવું હતું ત્યારે રણ ઓળંગવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેમના ભાલાની અણી ઉપર દેવચકલી બેઠી અને તે બધું પાણી પી ગઈ. આવું મંદિર સાંતલપુર તાલુકાના ચારણકા પાસે વરવડી માતાનું મંદિર છે. આમ, ભૂતકાળમાં ક્લાયમેટ ચેન્જને કારણે થયેલા ફેરફારોની ગાથાને લોકોએ મંદિરો સાથે વણી લીધી છે.

૧૬૦૦ વર્ષ પહેલાં સરસ્વતી નદી વિશે સરસ્વતી માહાત્મ્ય, સરસ્વતી પુરાણ જેવા પુસ્તકોમાં લખવામાં આવ્યંુ છે. રાજસ્થાનમાં તાજેતરમાં મળી આવેલા એક જૂના પુસ્તક પ્રમાણે, ૧૨૦૦ વર્ષ પહેલાં સરસ્વતી જેસલમેર પાસેથી વહેતી હતી. સરસ્વતી નદીનો અભ્યાસ ઇસરોના વૈજ્ઞાનિકો પ્રોફેસર યશપાલ, આર.કે. સુદ અને બલદેવ સાહીએ કર્યો. તેમાં તેમણે ઉપગ્રહની તસવીરોનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમણે આપણા પુરાણો અને સંસ્કૃત ગ્રંથોમાં સરસ્વતી વિશે જે લખ્યંુ છે તેનો અભ્યાસ નહોતો કર્યો એટલે સતલજ અને ઘઘરના પ્રવાહને એમણે સરસ્વતીનો પ્રવાહ માની લીધો અને આ પ્રવાહ થરના રણમાં અદ્રશ્ય થઈ જતો હતો એટલે તેમણે એવું માની લીધું કે સરસ્વતી કુમારિકા હતી અને રણમાં સમાઈ જતી હતી એટલે આ પ્રવાહ સાચો છે. એ અભ્યાસ પછી ભારતના ભૂગોળ શાસ્ત્રીઓમાં સરસ્વતી નદીનો અભ્યાસ કરવાનું જોશ આવ્યું. તેમાં ડૉ. પ્રભુ ઠક્કરે સરસ્વતીના ઉદ્દભવથી લઈને અંત સુધીના પ્રવાહનું શોધ કાર્ય કર્યું છે. ડૉ. ઠક્કર સરસ્વતીનું ઉદ્દભવ વૃત્તાંત કહે છે, સરસ્વતીને કેમ અવતરણ કરવું પડ્યું તેનું શાસ્ત્રોમાં વર્ણન છે. તે કાળે ભારત દેશ બહુ વિશાળ હતો. તેમાં ચીનનું સિકયાંગ, રશિયાનો કેટલોક ભાગ, ઇરાન-અફઘાનિસ્તાનના કેટલાક ભાગો, ઇરાક, બ્રહ્મદેશ, તિબેટ વગેરે ભારત દેશના ભાગ હતા. એ સમયે દેશમાં જ્વાળામુખીઓનો પ્રકોપ બહુ વધી ગયો એટલે અગ્નિના શમન માટે બ્રહ્માએ પોતાની પુત્રીને આદેશ આપ્યો કે તું આ વડવાનલને સમુદ્રમાં પધરાવી દે. સરસ્વતી વડવાનલને કેવી રીતે ધારણ કરવો તેવો સામો સવાલ પૂછે છે ત્યારે બ્રહ્મા કહે છે કે, જ્યાં તું વડવાનલને ધારણ કરીને જઈ શકે ત્યાં તું ઉપર રહેજે અને તારાથી અસહ્ય જણાય ત્યાં તું ભૂગર્ભમાં ચાલી જજે અને આગળથી ફરી જમીનમાંથી પ્રગટ થઈ વડવાનલને ધારણ કરી લેજે. એ રીતે સરસ્વતી વડવાનલને સોમનાથ પાસે અરબી સમુદ્રમાં પધરાવે છે. એ વડવાનલના કળશ સાથેની મૂર્તિ સોમનાથના જૂના મંદિરમાં આજે પણ આપણે જોઈ શકીએ છીએ.
સરસ્વતી સૌથી પૂર્વ તરફની અને સિંધુ નદી સૌથી પશ્ચિમ તરફની મહાનદી હતી.

આ બંને નદીઓ વચ્ચે ઝેલમ, ચિનાબ, સતલજ, રાવી, બિયાસ જેવી પાંચ મોટી નદીઓ વહેતી હતી. આ સાતેય નદીઓ ગુજરાતમાં અને કચ્છના રણમાં આવતી હતી. કચ્છનું રણ ૫૦૦ વર્ષ સુધી મીઠા પાણીનું સરોવર રહ્યું છે. આ સાત નદીઓના પાણીના કારણે જ શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારેમાસ… કહેવાતો હતો. અહીં વાગડ એ કચ્છનું વાગડ નહીં, પણ વાગડ એટલે માળવા અને મેવાડનો પ્રદેશ. ક્ષિપ્રા વહે છે તે પ્રદેશ. ઉજ્જૈનમાં જે ક્ષિપ્રા નદીના કાંઠે કુંભમેળો ભરાય છે તે ઇન્દોરમાં સરસ્વતી તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશમાં પણ સરસ્વતીનો પ્રવાહ વહ્યો છે. સરસ્વતી નદીનું પાણી કેવી રીતે મેળવવું અને સરસ્વતી નદીના કિનારે આવેલા હેરિટેજ સ્થાનકોનો વિકાસ કેવી રીતે કરવો તે માટે ભારતમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યોમાં હરિયાણા સરકારે બનાવ્યા તેવા સરસ્વતી હેરિટેજ બોર્ડ બનાવવાની જરૃર છે. જોકે હરિયાણા સરકાર હિમાચલ પ્રદેશમાં એક ડેમ બનાવીને અધબદરીમાં સરસ્વતીમાં પાણી લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસને વખોડતા ડૉ. ઠક્કર કહે છે, એક તો મેં અગાઉ કહ્યું તેમ સરસ્વતીનું મૂળ ઉદ્દગમ સ્થાન હરિયાણાનું નહીં, પણ તિબેટનું આદિ બદરી છે. બીજું, ડેમ બાંધીને પાણી લાવવાનો પ્રયત્ન કરશે તો શિવાલિક હિલ્સ રેતીના પહાડો છે તેથી તેને નુકસાન થઈ બદરીના મંદિરને પણ ભારે નુકસાન થવા સંભવ છે. અંતમાં ફરી કચ્છની સરસ્વતી ઉપર આવીએ તો ઉપગ્રહની તસવીરો, જીઆઈએસ (જિઓલોજિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ) વગેરે આધુનિક ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને તેને નકશા ઉપર બેસાડી યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવે અને સરસ્વતીના પ્રવાહ ઉપર પાતાળકૂવા ગાળવામાં આવે તો આપણે સરસ્વતીના પાણીનો ઉપયોગ કરી શકીએ. ડૉ. ઠક્કર કહે છે, જીલંઘણ બેટ પર ૧૯૯૮માં હું પુરાતત્ત્વ નિયામક સાથે જિલંઘણ કુંડની મુલાકાતે ઝિંઝુવાડા ગયા હતા. અમે એક સ્થળે જેસીબી મશીનથી પાંચ ફૂટનું જ ખોદકામ કરાવ્યું તો નાળિયેર જેવા મીઠા પાણીનો વહેતો ઝરો મળી આવ્યો હતો.

ઝિંઝુવાડા લંબચોરસ નગર હતું. આજે ત્યાંની સમરવાવ અને સિંહસર તળાવ સરસ્વતી નદીના પ્રવાહ ઉપર જ આવેલા છે. જિલંઘણ કુંડમાં ૧૯૭૦ સુધી સરસ્વતીના પ્રવાહનું મીઠંુ પાણી આવતું હતું. રાજસ્થાનથી સિદ્ધપુર થઈને પાટણ આવતી સરસ્વતીનો પ્રવાહ ઝિંઝુવાડા પહોંચતો હતો.
——-.
જમીનના પેટાળમાં હજુ સિંધુનાં પાણી વહી રહ્યાં છે. નેત્રા પાસે બનેલા પાતાળ કૂવામાં નીકળતું પાણી સિંધુનું હોવાનું મનાય છે. આ માટે યોજના પણ ચાલી રહી છે – કીર્તિભાઈ ખત્રી, પૂર્વ તંત્રી – ‘કચ્છ મિત્ર’
—–.
રૃઠેલી કુદરતને કારણે વહેણ બદલનારી સિંધુનાં પાણી કચ્છ માટે મેળવવા આઝાદી પહેલાં પણ પ્રયાસો થયા હતા, પરંતુ અત્યાર સુધી વિવિધ પ્રયત્નોનું પરિણામ શૂન્ય આવ્યું છે – મહેશભાઈ ઠક્કર, લેખક અને માજી ધારાસભ્ય