ઇવિદ્યાલયના કાર્યને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા હીરલબેન યુ.કેમાં રહીને એકલા હાથે એમણે લગભગ ૩૦૦ જેટલા વિડીયો બનાવ્યા. ટેકનોલોજીનો લાભ ગુજરાતના પ્રત્યેક ગામને મળે, અને જ્યાં વ્યવસ્થિત શાળાઓ નથી, ત્યાં ટેકનોલોજીની મદદથી શિક્ષણનો પ્રસાર થઈ શકે એટલા માટે એક સહિયારૂં આયોજન કરવું.
૨જી ઓકટોબર ૨૦૧૩ નાં શ્રી સુરેશભાઈ જાની અને અન્ય મિત્રોની મદદથી એમણે ઈ-વિદ્યાલયને નેટજગત પર ગુંજતુ કર્યું. આ કામ હજી શરૂઆતની સ્થિતિમાં છે, એમ છતાં એક વર્ષમાં સાડા ચાર લાખ લોકોએ મુખ્ય વેબ સાઈટ અને બે લાખ લોકોએ યુ ટ્યુબમાં મૂકાયલા વિડીયોસની મુલાકાત લીધી છે.
ઇવિદ્યાલય યુ-ટ્યુબ ચેનલને યુટ્યુબ-એજ્યુકેશન વિભાગમાં સમાવવામાં આવી છે. જે ગુજરાતી ભાષાનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ છે. આ કાર્યને સફળ બનાવવા એમણે સૌને આગળ આવી શક્ય હોય તે મદદ કરવાની અપીલ કરી છે.
હીરલબહેનનો જન્મ ૧૯૮૦ માં અમદાવાદમાં થયો હતો.માતા–પિતાને વરસોની ઈંતેજારી બાદ સંતાન પ્રાપ્તિ થઈ એટલે દીકરીને પુષ્કળ લાડમાં ઉછેરી. હીરલબેનના પિતાએ ઈલેક્ટ્રીકલ એંજીનીઅરીંગના ડિપ્લોમા સુધીનો અભ્યાસ કરેલો, પણ બાંધકામના વ્યવસાયમાં કાર્યરત હતા. હીરલબેનના માતાએ ઈતિહાસનો વિષય લઈ બી.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
હીરલબહેનનો બાળમંદિરથી ૧૨ મા ધોરણ સુધીનો શાળાનો અભ્યાસ અમદાવાદના નવરંગપુરાની એક ગુજરાતી માધ્યમની શાળામાં થયો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી કોઈ મુશ્કેલી ન આવી. અભ્યાસ ઉપરાંત શાળાની ઈત્તર પ્રવૃતિઓમાં પણ ઉત્સાહથી ભાગ લીધો. સામાન્ય અભ્યાસ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી હીંદી, સંસ્કૃત અને ડ્રોઈંગ જેવી પરીક્ષાઓમાં પણ ભાગ લઈ સફળતા મેળવી. ગણિતના શિક્ષક શ્રી યજ્ઞેશભાઇની ઘણી વાતોએ એમના માનસપટપર ઉંડી અસર છોડી
મધ્યમવર્ગી કુટુંબ હોવા છતાં મા-બાપ હીરલની ઈતર પ્રવૃતિના ખર્ચની બાબત આનાકાની ન કરતા. એમના પિતા કહેતા, “આ બધા અનુભવો તને ઘણું શીખવશે. જરૂર પડસે તો અમે વધારે મહેનત કરીશું,” ધાર્મિક કુટુંબમાં જન્મેલી હીરલ ૧૦ મા ધોરણ સુધી રોજ સવારે દેરાસર અને સાંજે પાઠશાળામાં જતી. વેકેશનમાં પણ તે પ્રવૃત્તિમય રહેતી. ઘણીવાર વેકેશનમાં પણ આવતા ધોરણના પુસ્તકો ખરીદીને અગાઉથી વાંચી અને સમજી લેવાની એની આદત એને વર્ગમાં આગળ રહેવામાં મદદરૂપ થતી. ૧૦ મા ધોરણમાં સારૂં પરિણામ આવવાથી માતા-પિતાએ હીરલને લ્યુના સ્કૂટર ભેટ તરીકે આપેલું અને ત્યારે ઉત્સાહમાં હિરલે ભણીગણીને ખૂબ પૈસા કમાઈ પિતાને કાર ભેટ આપવાનું વચન આપેલું.
૧૨ ધોરણમાં થોડા ઓછા માર્કસ આવવાથી હીરલબહેનને એંજીનીઅરીંગના ડીગ્રી કોર્સમાં એડમીશન ન મળ્યું. એમણે તરત બીજો રસ્તો વિચારી લીધો અને એંજીનીઅરીંગના ડીપ્લોમા કોર્સમાં એડમીશન લઈ લીધું. સારા નશીબે ડીપ્લોમાના આખરી વર્ષમાં એમનો ગુજરાતમાં ચોથો નંબર આવ્યો. નિયમ અનુસાર પ્રથમ છ વિદ્યાર્થીઓને ફ્રીશીપ સાથે ડીગ્રી કોર્ષના બીજા વર્ષમાં એડમીશન મળે એટલે હીરલબહેનને ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનના ડીગ્રી કોર્ષમાં એડમીશન મળી ગયું. આ અભ્યાસ એમણે સ્કોલરશીપ અને ફેલોશીપ મેળવી પુરો કર્યો. આ અભ્યાસ દરમ્યાન હીરલબહેન પાંચમા સેમીસ્ટરમાં હતા ત્યારે એમના પિતાને એક ગંભીર અકસ્માત નડ્યો. ત્યારે આર્થિક મુશ્કેલીઓ વેઠીને હીરલબહેને B.E. ની ડીગ્રી ડીસ્ટીંકશન સાથે મેળવી.
ભણતર પૂરૂં થયું કે તરત જ એમને નિરમા કોલેજમા વિઝીટીંગ લેકચરરની નોકરી મળી. થોડા સમય બાદ એક નાની સોફટ્વેર કંપનીમા નોકરી મળી. આ સમય દરમ્યાન પૂજ્ય અજય સાગરજી મહારાજ સાહેબનો પરિચય થયો અને એમની પાસેથી જીવનઘડતર માટે ઘણું ઉપયોગી ભાથું બાંધ્યું.
૨૦૦૬ માં એમને બૅંગલોરમાં મલ્ટી નેશનલ કંપની લ્યુસન્ટ ટેકનોલોજીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે ખુબ જ સારા પગારની જોબ મળી. હવે એમનું મમ્મી-પપ્પા માટે કાર ખરીદવાનું સ્વપ્ન સાકાર થતું લાગ્યું, સાથે સાથે એમની બહેન અને ભાઇની કારકિર્દી માટે પણ મદદરૂપ થવાની તક મળી. અહીં એક વરસમાં જ એમનું સિનિયર સોફ્ટવેર એન્જીનિયર તરીકે પગાર વધારા સાથે પ્રમોશન થયું.
એમની બૅંગલોરમાં જોબ પોસ્ટીંગ દરમ્યાન હીરલબહેન, મિલન શાહના પરિચયમાં આવ્યા અને આ દોસ્તી પ્રેમલગ્નમાં પરિણમી. મિલનભાઇ પૂનાની સિમેન્ટેક કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. ૨૦૦૮ માં લગ્ન બાદ હીરલબેનના જોબમાં ખલેલ ન પડે એટલે મિલનભાઇએ પોતાની નોકરી છોડી. પણ ઘણાં પ્રયત્નો છતાં મંદીના મોજા નીચે, મિલનભાઇનું નવી જોબનું લોકેશન પૂના જ રહ્યું. હીરલબહેન પૂના જાય તે પહેલા જ મિલનભાઈને ઓન-સાઈટ એસાઇન્મેન્ટ માટે યુ.કે. જવાનું થયું. હવે હીરલબેને પોતાની નોકરી છોડીને મિલનભાઈ સાથે યુ. કે. પ્રયાણ કર્યું. આ બધું લગ્ન પછીના એક વર્ષમાં જ બન્યું.
યુ. કે. માં બન્ને પાસે વર્ક પરમીટ હતી એટલે હીરલબહેને પણ એક સ્ટાર્ટઅપ કંપનીમાં R & D માં નોકરી લીધી. અહીંના હવામાન અને નોકરીની દોડધામની હીરલબહેનના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ. એમણે વિચાર્યું, “કારકિર્દી માટે જિંદગી નથી પણ જિંદગી માટે કારકિર્દી છે”, આથી એમણે કારકિર્દીમાંથી વિરામ લીધો.
પ્રવૃતિ વગર બેસી રહેવાનું હીરલબહેનના સ્વભાવમાં નથી. નોકરી છોડ્યા બાદ તરત તેઓ યુ.એસ.એ. ની ઈ-જૈના લાયબ્રેરીની એજ્યુકેશન કમિટીમાં મેમ્બર બની અને પુસ્તક સંપાદન અને અનુવાદના કામમાં લાગી ગયા. અને લીડ્સમાં જૈન સત્સંગ અને ઉત્સવોમાં સક્રીય રીતે ભાગ લેવાનું શરૂ કર્યું.
આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ.
આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ.
સાથે સાથે ઇ-વિદ્યાલય અંતર્ગત યુ-ટ્યુબ ચેનલ પર ગણિત અને ગુજરાતી વિષયના વિડીયો બનાવવા શરુ કર્યા.
દરમ્યાન પ્રેગનન્સી વખતે ડોકટરી સલાહ મુજબ અમદાવાદ માતા-પિતા સાથે રહેવા જતા રહ્યા. મા-બાપ પાસે ફરી લાડ-કોડમાં સમય પસાર કરી દીકરી જિના ના જન્મ બાદ યુ. કે. પાછા આવી ગયા.
જિનાની દેખભાળને વધારે મહત્વનું ગણી હમણાં નોકરીમાં ન જોડાવાનો નિર્ણય લીધો હોવાથી, ઘરે બેસીને M.B.A. નો અભ્યાસ અને શોખ ખાતર હાઈડ્રોફોનિક ખેતીમાં સમયનો સદઉપયોગ કરે છે.
મળવા જેવા માણસ – હીરલ શાહ
સપ્ટેમ્બર 8, 2014