અમરેલીના હિરા વેપારીને ડાયમંડ ખરીદવાના બહાને આણંદ ખાતે બોલાવી માર મારી લૂંટ ચલાવ્યા બાદ બંધક બનાવી પાંચ લાખની ખંડણી વસૂલવાનું ષડયંત્ર રચનારી ટોળકીનો બાપુનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. હીરાના વેપારી સાથે આણંદ ખાતે બિભત્સ વર્તન કરી જાળમાં ફસાવનાર મહિલા તેમજ બાપુનગરની આંગડીયા પેઢીમાં પાંચ લાખ લેવા આવનાર શખ્સની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલી અન્ય મહિલા સહિતના આરોપીઓને ઝડપી લેવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે.
અમરેલી ખાતે રાધેશ્યામ ડાયમંડ નામથી હીરાનો વેપાર કરતા મુકેશ મોહનભાઈ રાદડીયા (ઉ.50)નો પંદરેક દિવસ અગાઉ એક અજાણી મહિલા હિનાએ મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. ફોન કરનારી મહિલાએ વેપારીને મિત્રતા કરશો તેમ કહી હીરાના ખરીદાર મળશે તો જાણ કરીશ તેવી વાત કરી હતા. ત્યારબાદ હીના નામની મહિલા વેપારીને અવારનવાર ફોન કરતી હતી. ગત ગુરૂવારે હીનાએ ફોન કરી આણંદમાં રહેતી બહેનપણી સોનલને હીરા ખરીદવા છે તેવી વાત કરતા બીજા દિવસે મુકેશ રાદડીયા વડોદરાની બસમાં આણંદ જવા વહેલી સવારે નિકળ્યા હતા.
આણંદ વૈભવ સિનેમા ખાતે પહોંચેલા મુકેશ રાદડીયાને સોનલ નામની મહિલા થોડેક દૂર એક મકાનમાં લઈ ગઈ હતી. જ્યાં ભોજન કર્યા બાદ મુકેશભાઈને પલંગમાં બેસાડી સોનલે બિભત્સ હરકતો શરૂ કરતા વેપારી બાથરૂમ જવાના બહાને ટોયલેટમાં ગયા હતા અને 3.10 લાખના હિરા આંતર વસ્ત્રમાં છુપાવી દીધા હતા. મુકેશભાઈ ટોયલેટમાંથી બહાર આવતા બે અજાણ્યા શખ્સો રૂમમાં ધસી આવ્યા હતા અને મારી બહેન સાથે જબરજસ્તી કરે છે તેમ કહી માર મારી રોકડ 24,500 પડાવી લીધા હતા. મુકેશ રાદડીયાને બંધક બનાવી તેમના ભાઈ ભરત સાથે ફોન પર વાત કરાવી આરોપીઓએ અમદાવાદ બાપુનગરમાં આવેલી આંગડીયા પેઢીમાં પાંચ લાખ રૂપિયાનો હવાલો કરવા જણાવ્યું હતું.
ભરત રાદડીયાને આશંકા જતા તેમણે બાપુનગર ખાતે રહેતા ભાણેજ નિલેષ ભીખાભાઈ સરદારાને ફોન કરી જાણ કરી હતી. સમગ્ર મામલો બાપુનગર પીઆઈ નિરવ વ્યાસ પાસે પહોંચતા ડાયમંડ માર્કેટમાં આવેલી મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢીમાં પાંચ લાખ રૂપિયા લેવા આવેલા ટોળકીના સાગરીત આસુતોષ ઈશ્વરગીરી ગોસ્વામીને ઝડપી લીધો હતો. આ ઘટનાની જાણ થતા મુકેશ રાદડીયાને આરોપીઓએ છોડી દીધા હતા. બીજી તરફ બાપુનગર પોલીસ આણંદની સોનલને ઝડપી લઈ ખંડણી કેસમાં તેની ધરપકડ કરી છે.