દ્વારકામાં રહેતા રૂડીબેન નામના મહિલાનું તેના પતિ નાથાલાલ સાથે SBIમાં સંયુક્ત ખાતુ હતું અને ખાતામાં રૂડીબેને તેમના છોકરાઓના સારા ભવિષ્ય માટે પૈસા જમા કરાવતા હતા. ખાતામાં જમા થયેલા પૈસા પર રૂડીબેનના પતિ નાથાભાઈની નજર બગડી અને તેણે તમામ પૈસા ઉપાડી લેવાનું નક્કી કર્યું હતું.
જો પૈસા ઉપાડવા હોય તો પત્નીનું નામ સંયુક્ત બેંક ખાતામાંથી કઢાવવું પડે તો જ પૈસા ઉપડે તેમ હતા. તેથી પતિએ પોતાની પત્નીને કાગળ પર મારી નાંખવાનું નક્કી કર્યું હતું. નાથાએ દ્વારકા નગરપાલિકામાં અરજી કરીને રૂડીબેનનો મરણ દાખલો કઢાવી લીધો હતો.
મહિલા જીવે છે કે નહીં તેની ખરાઈ કર્યા વગર નગરપાલિકામાંથી ભ્રષ્ટ અધિકારી પાસેથી મરણનો દાખલો કાઢી આપવામાં આવ્યો હતો. મરણના દાખલાના આધારે નાથભાઈએ રૂડીબેનના ખાતામાંથી તમામ પૈસા ઉપાડી લીધા હતા.
રૂડીબેન પૈસા ઉપાડવા માટે બેંકમાં ગયા ત્યારે ખબર પડી કે, તેમના જ પતિએ ખોટો મરણનો દાખલો બનાવીને બેંકમાંથી પૈસા ઉપાડી લીધા છે. આથી રૂડીબેને પોતાના પતિ સામે જ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
તેણે જાહેર કર્યું કે, મારું મરણનું સર્ટીફિકેટ દ્વારકા નગરપાલિકામાંથી કાઢીને બેંકમાં આપી દીધું છે. જે મારા બાળ બચ્ચાનો અને મારો હક હિસ્સો છે, તે લઇ લેવા માંગે છે. હું જીવું છું તો મારું સર્ટીફિકેટ કેમ નીકળે.