હોસ્પિટલ-કોલેજના જુદા જુદા કોન્ટ્રાક્ટમાં મોટાપાયે મજૂર કાયદાનું ઉલ્લંઘન થાય છે

અમદાવાદ, તા. 29

સરકાર પાસેથી કરોડો રૂપિયાની જમીન મફતમાં મેળવીને જીસીએસ હોસ્પિટલ-કોલેજ મેનેજમેન્ટ ખાનગી સંસ્થાની માફક ચલાવે છે. અહીં જુદા જુદા કોન્ટ્રાકટમાં લેબર લોથી માંડીને આરટીઆઈ જેવા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. આશ્ચર્યની વાત છે કે શ્રમ વિભાગ પણ તમામ પ્રકારની ગેરરીતિઓ સામે લાચાર છે.

આરટીઆઈ લાગુ નથી કરાઈ રહ્યું

જીસીએસ હોસ્પિટલની મૂળ સંસ્થા ગુજરાત કેન્સર સોસાયટી અને  ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટનાં ઓઠા હેઠળ સરકાર પાસેથી કરોડોની જમીન મફતમાં મેળવી હવે જીસીએસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને ખાનગી બતાવી  આરટીઆઈ એક્ટને અહીં લાગુ કરતા નથી.

જીસીએસ સામે બાયો ચઢાવનાર  ભૂતપૂર્વ કર્મચારી યુવરાજસિંહ રાઠોર કહે છે કે, જીસીએસમાં આરટીઆઈ જેવા મહત્વના કાયદાથી માંડીને મજૂર કાયદાનો ભંગ કરવામાં આવે છે. જેથી અહીં જીસીએસના કર્મચારીથી માંડીને જુદા જુદા કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓનું ખૂબ શોષણ થાય છે. પીએફ, કામદાર વીમા યોજના અને લઘુતમ વેતન બાબતે કર્મચારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, ઉલ્લેખનીય છે કે આ મુદ્દે વિરોધ કરનારને મારી જેમ બરતરફ કરવામાં આવે છે. જીસીએસ હોસ્પિટલ.-મેડિકલ કોલેજમાં ઝાયડસ જેવી મોટી ફાર્મા કંપની સામેલ છે. પરંતુ સરકાર પાસેથી ટ્રસ્ટના નામે અને ગરીબોની સેવા કરવાના નામે જમીન મેળવીને દર્દીઓ સહિત અહીં કામ કરતા કર્મચારીઓને પણ છેતરવામાં આવે છે. સરકારી જમીન મફતમાં મેળવી લીધા બાદ હવે તેઓ જીસીએસ હોસ્પિટલ-મેડિકલ કોલેજ ખાનગી સંસ્થા છે એમ કહી આરટીઆઈ હેઠળ જવાબ આપતા નથી.

મજૂર કાયદાનો પણ અમલ નથી થતો

તો બીજીબાજુ અહીં મજૂર કાયદાનું પણ પાલન થતું નથી. કેમ કે મેનેજમેન્ટમાં રહેલા મોટા માથાં તેમનાં લાગતાં વળગતા લોકો અને કંપનીઓને સિક્યોરિટી, હાઉસકિપિંગ, કેન્ટીન અને મેનપાવર સપ્લાયમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓને મજૂર કાયદાનાં લાભો મળતા જ નથી. લઘુતમ વેતન, પ્રોવિડન્ટ ફંડ, ઇએસઆઇસીમાં મોટાપાયે ગેરરીતિ ચાલી રહી છે. જુદા જુદા કોન્ટ્રાક્ટરો સાથે મળીને હોસ્પિટલનાં જ અધિકારીઓના કેટલાક ખાસ ગણાતા કર્મચારીઓ નિયમોની ઐસી તૈસી કરે છે. જીસીએસ પાસેથી પૂરતું પેમેન્ટ મેળવીને કોન્ટ્રાક્ટરો તેમનાં કામદારોને પૂરતું વળતર ચુકવતાં નથી. અહીં કામ કરતા સિક્યોરિટી ઓફિસર પરાગ પરમાર, સુનિતા મોદી, ડ્રાઈવર અશ્વિન દવે અને સુપરવાઇઝર લાલા ભાઉ મેનેજમેન્ટના અધિકારીઓના ખાસ માણસો હોવાથી કોન્ટ્રાક્ટરો સાથે મળીને મોટાપાયે ગોટાળા કરે છે.

કેન્ટીનમાં તગડો ચાર્જ વસૂલાય છે

હોસ્પિટલમાં વર્ષોથી એક કેન્ટીન કોન્ટ્રાક્ટરને કેન્ટીન ચલાવવાનો પરવાનો અપાયો છે. જે દર્દીઓના સગાસંબંધીઓ પાસેથી ભોજનનો તગડો ચાર્જ વસુલે છે. જોકે ભોજનની ગુણવત્તા સારી ન હોવાને કારણે દર્દી અને દર્દીઓના સગા સંબંધી ઓએ લેખિતમાં ફરિયાદો પણ કરી છે.

કર્મચારીઓએ પણ અનેક ફરિયાદો કરી છે

પૂરતું વળતર મળતું ન હોવાથી નર્સિંગ સ્ટાફ, એડમિનિસ્ટ્રેશન સ્ટાફ અને વર્ગ ૪ના ઘણાં કર્મચારીઓએ લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે છતાં હોસ્પિટલ-કોલેજ મેનેજમેન્ટ દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી. એમ યુવરાજસિંહ ઉમેરે છે. મને હોસ્પિટલ-કોલેજ મેનેજમેન્ટે ખોટી રીતે કાઢી નાખ્યા પછી મેં આ અંગે લેબર કોર્ટમાં ફરિયાદ પણ કરી છે. પરંતુ કઈ કેટલાય ગરીબ લોકો તો ફરિયાદ કર્યા વિના જ ચુપચાપ નોકરી છોડીને જતા રહ્યા હોવાના પણ કિસ્સા છે.

હોસ્પિટલના ડાયરેક્ટરની સાફ વાત

હોસ્પિટલના ડાયરેક્ટર ડો. કિર્તિ પટેલ કહે છે, જીસીએસ ખાનગી હોસ્પિટલ હોવાના કારણે આરટીઆઈનો કાયદો લાગુ પડતો નથી અને તેથી આરટીઆઈ એક્ટ હેઠળ કોઈ જવાબ આપવા સંસ્થા બંધાયેલી નથી. તો મજૂર કાયદા મામલે તેમણે સ્પષ્ટ કહ્યું કે, કેટલાંક અસંતુષ્ટ લોકોના કારણે અમારી હોસ્પિટલ બદનામ થઈ રહી છે. અને અમે હોસ્પિટલમાં સરકારના તમામ કાયદાનું યોગ્ય રીતે પાલન કરીએ છીએ.