ડાંગ જિલ્લામાં મુખ્ય મથક આહવા સહિત જિલ્લામાં ઠેકઠેકાણે ડાંગના ગરીબ, ભોળા આદિવાસીઓને પ્રલોભનો આપીને તેમની જમીનો પડાવી લેવાની પ્રવૃતિઓ ચાલતી હોવાનું તંત્રની તપાસ દરમિયાન બહાર આવવા પામ્યું છે.જેમાં ૭૩એએની જમીનમાં, કોઇપણ જાતની કાયદેસરની મંજુરીની કાર્યવાહી હાથ ધર્યા વિના, રહેણાંકના હેતુસર સોસાયટીઓ બનાવી, બિન આદિવાસી વ્યક્તિઓ દ્વારા જમીન ઉપર અનઅધિકૃત કબજો કરવાની બાબતે, ડાંગ જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી બી.એમ.ભાભોરે લાલ આંખ કરી, આવા કબ્જેદારો સામે નોટીસ જારી કરી, જવાબ તલબ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૬૫ અનુસાર આવી જમીનમાં ખેતી સિવાયના અન્ય ઉપયોગ માટે સક્ષમ સત્તાધિકારીની પરવાનગી આવશ્યક છે.તેમ છતા ડાંગ જિલ્લામાં આવી કોઇ પણ પ્રકારની પરવાનગી વિના રહેણાંકના હેતુ માટે ધર, મકાન બનાવી બિનખેતીનું કૃત્ય કરી શરતભંગ કરવાના કિસ્સા તંત્રના ધ્યાને આવ્યા છે. સબબ, આહવા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં આવા કેસોમાં કબ્જેદારોને નોટીસો જારી કરી, પ્રાંત અધિકારીશ્રીની કૉર્ટમાં તેમની સુનાવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આવા કેસોમાં કડક કાર્યવાહીના એંધાણ પણ શ્રી ભાભોરે આપ્યા છે.