લોકડાઉનના કડક અમલ માટે પોલીસદળની સાથે જીઆરડી, હોમગાર્ડસ જવાનો, એનસીસી કેડેટ્સ, એનએસએસના સ્વયંસેવકો તથા આરટીઓ અને વનવિભાગના અધિકારી-કર્મચારીઓ ખંતભેર ફરજ બજાવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરી કોરોના સંક્રમણથી લોકોને બચાવવાના આ પ્રયાસોને સફળ બનાવવા નાગરિકોનો સહયોગ જરૂરી છે.
કોરોના સંક્રમણને અટકાવવામાં ફરજ પાલન દરમિયાન જે પોલીસ કર્મીઓ સંક્રમીત થયા હતા તેમાંથી કેટલાક જવાનો જરૂરી તબીબી સારવારથી કોરોનાને હરાવી સ્વસ્થ બનીને તાત્કાલિક પુન: ફરજ ઉપર હાજર થઈ પોતાની ફરજ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવી સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે.
લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોય તેવા બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગઈકાલે ૧૦૦ નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં ૮૨ ગુના દાખલ કરાયા છે.
લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થતાં હુમલાઓને રાજ્યસરકાર અતિગંભીરતાથી લઈ આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે એમ જણાવી ઝાએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે તા. ૨૮ માર્ચના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે, મોરબી જિલ્લાના હળવદ ખાતે તા.૧૯ એપ્રિલના રોજ પોલીસા ફરજમાં અવરોધ ઉભો કરી પોલીસ ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે ૨૦ ગુના નોંધી ૪૬ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૨૯૩ ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૦,૩૯૧ ગુના દાખલ કરીને ૨૦,૦૪૨ લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૧૧૪ ગુના નોંધીને ૧૪૭ લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી ૨,૧૧૯ ગુના નોંધી ૩,૧૬૩ લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે ગઇકાલે ૩૪ ગુનામાં ૪૦ લોકોની જ્યારે આજસુધીમાં ૪૩૪ ગુનાઓ દાખલ કરીને ૬૯૫ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જ રીતે, સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલે ૨૫ અને અત્યારસુધીમાં કુલ ૫૮૫ ગુના દાખલ કરીને ૧,૨૨૯ આરોપીની અટકાયત કરી છે. જેમાં ગઇકાલે ૨૩ એકાઉન્ટ સહિત અત્યારસુધીમાં કુલ ૫૩૩ એકાઉન્ટ બંધ કરાયા છે. વિડીઓગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે ૨૩૬ જ્યારે કુલ ૧,૬૮૬ અને ૭૪ જ્યારે કુલ ૮૩૦ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે ૫૨ તેમજ કુલ ૫૫૫ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
જાહેરનામા ભંગના ગુનાની વિગતો આપતાં ઝાએ જણાવ્યું હતું કે, તા.૩૦/૦૪/૨૦૨૦ થી આજ સુધીમાં કુલ ૨,૩૩૪ કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા ૧,૩૧૨ તથા ૫૭૯ અન્ય ગુનાઓ (રાયોટીંગ/Disaster Management Actના) મળી ૪,૨૨૫ ગુનાઓમાં કુલ ૫,૩૭૭ આરોપીઓ સહિત અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૪૩૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. લૅાકડાઉનના ભંગ બદલ ગઇકાલે ૮,૨૩૧ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રોજ ૭,૧૧૩ વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૪૯,૦૧૮ વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.