ગાંધીનગર, તા. 12
સોમવારના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી ન કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય વિવાદસ્પદ બન્યો છે. નાગરિક સમાજ સંગઠનોએ ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણના “કથળેલાં” સ્તરની પૃષ્ઠભૂમિની વિરૂદ્ધ રાજ્ય સરકાર આ પ્રસંગથી હટાવતી હોવાનો આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ દિને ઉજવણી કરી ન હતી.
11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ
સીબીએસઈ દ્વારા પ્રતિવર્ષ દેશના પહેલા શિક્ષણ પ્રધાન મૌલાના અબૂલ કલામ આઝાદના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશભરમાં સીબીએસઈની કુલ 18006 શાળાઓ છે. જે પૈકી રાજ્યમાં 329 શાળાઓ આવેલી છે. અને તમામ શાળાઓમાં આ દિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે આ દિવસે કોઈ કાર્યક્રમ નહિ યોજીને પોતાની ભેદભાવપૂર્ણ માનસિકતા છતી કરી હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.
ફેલોશીપ યોજના આપવાનો ઈનકાર
લઘુમતી કો-ઓર્ડિનેશન કમિટી (એમસીસી)ના કન્વિનર મુજાહિદ નફિસે જણાવ્યું હતું કે, આ દિવસની ઉજવણીનો સાફ ઈનકાર કરીને સરકારે પોતાના સાંકડા, ભેદભાવપૂર્ણ અને પક્ષપાતી વલણને સૂચવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, રાજ્ય સરકારે મૌલાના આઝાદ રાષ્ટ્રીય ફેલોશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવાનો પણ ઈનકાર કર્યો હતો. 2015-16થી 2018-19ના એક પણ વિદ્યાર્થી માટે આ ફેલોશીપ આપવાનો સરકારે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
રાજ્યની સરકારી શાળાઓની નબળી સ્થિતિ
ગુજરાતની સરકારી શાળાઓની નબળી સ્થિતિને કારણે ભેદભાવ જોવા મળી રહ્યો છે. નફિસે આ અંગે કહ્યું કે, વર્ષ 2016-17માં મુસ્લિમ આ શાળાઓમાંથી મુસ્લિમ યુવતીઓનું શાળા છોડી દેવાનું પ્રમાણ 10.18% હતું, જે સરેરાશ કરતા ઘણી વધારે છે. તાજેતરના પ્રાથમિક શિક્ષણ અહેવાલને ટાંકીને તેમણે ઉમેર્યું કે, રાજ્યની લગભગ 48% શાળાઓમાં 2015-16થી નિરીક્ષણ કરવામાં આવ્યું નથી. તે સૂચવે છે કે સરકારે અડધી શાળાઓનું મૂલ્યાંકન કરવાનો ઈનકાર કરી દીધો છે.
2.56 ટકા શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે
લઘુમતીઓની શાળા મામલે નફીસે કહ્યું કે, સરકાર દ્વારા સંચાલિત આઠમા ધોરણ સુધીની પ્રાથમિક શાળાઓમાં સરેરાશ 1 વર્ગ ખંડ છે, જેનો અર્થ છે કે દરેક વર્ગ માટે કોઈ અલગ ઓરડો નથી. ઉપરાંત 2.56 ટકા શાળાઓ એક જ રૂમમાં ચાલે છે, અને 5.21 ટકા શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે.
વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તરના સંદર્ભે ગુજરાત પછાત
હાલમાં જ પ્રકાશિત થયેલા ઓલ ઈન્ડિયા હાયર એજ્યુકેશન 2018ના સરવેમાં વિદ્યાર્થી-શિક્ષકના ગુણોત્તરના સંદર્ભે ગુજરાત દેશભરમાં 26માં ક્રમાંકે રહ્યું છે. આટલી નીચા ક્રમે ગુજરાત હોવા અંગે નફિસ અહેવાલને ટાંકીને કહે છે રાજ્યની જે શાળાઓ છે તે પૈકી માત્ર 68.17 ટકા શાળાઓમાં જ છોકરીઓ માટે અલગ શૌચાલયો છે. ઉપરાંત 67.94 ટકા શાળાઓમાં જ રમતના મેદાનો છે. જે દર્શાવે છે કે રાજ્યનું શિક્ષણ સ્તર કેટલું કથળેલું છે.