ગાંધીનગર, તા.૧૬
ભારતીય રીઝર્વ બેન્કે 2000 રૂપિયાના દરની નોટો પ્રિન્ટ કરવાનું બંધ કરી દેતાં બજારમાં એવી હવાએ જોર પકડ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે. સચિવાલયના મીનાબજારમાં કેટલાક વ્યાપારીઓએ 2000ની નોટ લેવાનું બંધ કર્યું છે. પરંતુ રીઝર્વ બેન્કે ખુલાસો કર્યો છે કે, 2000ના દરની નોટનું પ્રિન્ટીંગ બંધ કર્યું છે પરંતુ આ નોટો ચલણમાં છે.
આરટીઆઇમાં એવો ખુલાસો થયો છે કે, ભારતીય રીઝર્વ બેન્કે 2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ કર્યું છે. 2019ના વર્ષમાં એકપણ નવી નોટ પ્રિન્ટ કરવામાં આવી નથી. દેશમાં બ્લેકમની પર કન્ટ્રોલ કરવા માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન પ્રમાણે ભારતીય રીઝર્વ બેન્કે નવેમ્બર 2016માં 500 અને 1000 રૂપિયાના દરની નોટો બંધ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક 8મી નવેમ્બરે નોટબંધી જાહેર કરી હતી.
આ બન્ને મોટી નોટ બંધ થયા પછી ભારતીય રીઝર્વ બેન્કે 500ના દરની નવી નોટો તેમજ 1000ના દરની જગ્યાએ 2000ના દરની નોટો પ્રિન્ટ કરી હતી. રીઝર્વ બેન્કે આરટીઆઇના જવાબમાં કહ્યું છે કે, 2016-17માં 2000ના દરની 3542.991 મિલિયન નોટ પ્રિન્ટ કરી હતી. ત્યારબાદ 2017-18માં 111.507 મિલિનય નોટ અને 2018-19માં 46.690 મિલિયન નોટ પ્રિન્ટ કરી હતી. 2019-20ના વર્ષમાં એકપણ નોટ પ્રિન્ટ કરવામાં આવી નથી.
2000 રૂપિયાના દરની નોટો ઓછી કરવાનું કારણ આપતાં રાજ્યના નાણા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતીય રીઝર્વ બેન્ક બ્લેકમનીને બહાર લાવવાના પ્રયાસો કરી રહી છે. 2000ના દરની નોટ બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવશે નહીં, પરંતુ છુટ્ટા રૂપિયાની મુશ્કેલીના કારણે રીઝર્વ બેન્કે 2000ના દરની નોટો પ્રિન્ટ કરવાનું બંધ કરીને નાની નોટોનો જથ્થો પ્રિન્ટ કરવાનું વધારી દીધું હોવાનું કહેવાય છે.
મોદીએ જ્યારે નોટબંધી કરી હતી ત્યારે 5000 અને 1000ના દરની નોટ બંધ કરી હતી. જેમાં કારણ એવું હતં કે લોકો પાસે બ્લેકના રૂપિયા વધારે છે. આ મોટી નોટોમાં નકલી નોટો ઘૂસે છે તેમજ આતંકવાદી જૂથો પાસે મોટાદરની બેનામી નોટોનો જથ્થો છે. આ ત્રણ મુખ્ય કારણથી નોટબંધી કરવામાં આવી હતી, પરંતુ આજે પણ 1000ની નોટની જેમ 2000ની નકલી નોટો બજારમાં ઘૂસી ગઇ છે.
જો કે સરકારના ત્રણેય કારણો હાલ વાહિયાત બની ચૂક્યાં છે, કેમ કે લોકો પાસે આજે પણ 2000 રૂપિયાની દરના નોટો બ્લેકમનીમાં વપરાય છે. આ નોટો આતંકવાદી જૂથો પાસે પણ આવી ચૂકી છે અને 2000ની નકલી નોટો દેશના વિવિધ રાજ્યોની જેમ ગુજરાતમાંથી પણ પકડાય છે.