2022 સુધીમાં ગુજરાતની સડકો ઉપર એક લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતા થશે

ગુજરાતમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો જ્યારે સડકો પર દોડશે ત્યારે પ્રદૂષણ મુક્ત શ્વાસ લોકો લઇ શકશે અને પેટ્રોલ-ડીઝલના દામ ઓછો ચૂકવવા પડશે. સરકાર ઇવી વાહનો માટે નવી નીતિ બનાવી રહી છે જેનો ડ્રાફ્ટ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તૈયાર કરાયો છે. જેમાં ઇવી વાહનો તેમજ ચાર્જિંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની પણ તૈયારી કરવામાં આવી છે.

ગુજરાતમાં બે તૃતિયાંસ એટલે કે કુલ 2.50 કરોડ વાહનો પૈકી 1.50 કરોડ વાહનો દ્વિચક્રી છે. ઇવી પોલિસીના ડ્રાફ્ટમાં દર્શાવ્યા મુજબ સરકાર સૌથી વધુ દ્વીચક્રી ઇલેક્ટ્રિક વાહનો પર ભાર મૂકી રહી છે. વાહન વ્યવહાર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે 2022 સુધીમાં ગુજરાત પાસે એક લાખ કરતાં વધુ વાહનો ઇલેક્ટ્રિક હશે. ગુજરાતમાં હાલ 10 હજાર ઇવી છે.

પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો સૌથી વધુ, સીએનજી સંચાલિત વાહનો ત્રીજા ક્રમે

રાજ્યમાં પેટ્રોલ, ડિઝલ, સીએનજી અને બેટરીથી ચાલતા વાહનોની સંખ્યા જોવા મળે છે જે પૈકી પેટ્રોલ સંચાલિત વાહનો સૌથી વધુ છે. બીજાક્રમે ભારે વાહનો છે જે ડિઝલ સંચાલિત છે. રાજ્યમાં ત્રણ પેડાં અને ચાર પૈડાના વાહનો સીએનજીથી ચાલી રહ્યાં છે. સરકારે પેટ્રોલ અને સીએનજી વાહનોને ઇલેક્ટ્રિકથી ચલાવવા માટેની પોલિસી બનાવી હતી, પરંતુ તે નિષ્ફળ ગઇ છે.

ઇ-સ્કૂટરની કિમતમાં ઘટાડો કરાયો 

વાહન વ્યવહાર વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહક પગલાંઓ અને રાહતોના કારણે કંપનીઓએ તેમના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1.07 લાખથી ઘટાડી 75 હજાર ઓનરોડ કરી રહી છે. હવે તો મારૂતી અને ટાટા જેવી કંપનીઓ ઇવી વાહનો બજારમાં મૂકી રહી છે. મારૂતીનું પ્રથમ વાહન 2020 સુધીમાં બજારમાં આવશે.

નવી નીતિમાં ઇવી સ્ટેશનોને પ્રોત્સાહનો અને રાહત અપાશે

ગુજરાત સરકારે જે ડ્રાફ્ટ બનાવ્યો છે તેમાં વિવિધ પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવશે. સરકારે ઇવી ઉપરાંત ચાર્જીંગ સ્ટેશન ઉભું કરવામાં પણ પ્રોત્સાહન જાહેર કર્યા છે. ઇવીની નવી નીતિમાં ઇવી વાહનો તેમજ ઇવી ચાર્જીંગ સ્ટેશન માટેના વધુ પ્રોત્સાહનો તેમજ રાહતો જાહેર કરાશે. રાજ્યના હાલના પેટ્રોલ પંપ અને સીએનજી પંપના સ્થાને ઇવી ચાર્જિગ સ્ટેશન આપવાની સરકારે તૈયારી કરી છે. ઇવી વાહનોના પ્રોત્સાહન માટે ગુજરાત સરકાર અત્યારે 798 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.

સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા માટે સબસીડી અને કરરાહતો આપી રહી છે. આ નીતિ હાલ દ્વિચક્રી અને ટ્રાન્સપોર્ટ વાહનોને મળે છે, હવે કોમર્શિયલ વાહનોને પણ આપવામાં આવશે. સરકારના અલગ અલગ વાહનો માટે પણ અલગ નીતિન બનાવવામાં આવી રહી છે.

ઇ-વ્હિકલમાં 80 હજાર દ્વિચક્રીય, 14 હજાર થ્રી વ્હિલર અને 1500 એસટી બસનો સમાવેશ

એક અનુમાન છે કે, ઇવીએસમાં 80,000 દ્વિચક્રી વાહનો હશે. આ ઉપરાંત 14000 ત્રણ પેડાંના વાહનો, 4500 ચાર પૈડાંની વાણિજ્યિક ટેક્સી અને 1500 સાર્વજનિક એસટી બસોને સામેલ કરવામાં આવી છે. સરકારની નીતિનો ડ્રાફ્ટ કહે છે કે ઇવીએ માટે બેટરી ચાર્જિંગ સ્ટેશન રાજ્યભરમાં સ્થાપિત કરવામાં આવશે. રાજ્યના ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને નાણા વિભાના અધિકારીઓ નવી નીતિને આખરી ઓપ આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદૂષણ મુક્ત ઇવીએસ અપનાવવા માટે લોકોને આહવાહન કર્યું છે. વાસ્તવમાં નીતિ આયોગને પ્રસ્તાવ આપ્યો છે કે 2030 સુધીમાં દેશમાં માત્રને માત્ર ઇવીનું જ વેચાણ કરવામાં આવશે. 2030 પછી દેશમાં પેટ્રોલ અને ડિઝલ વાહનોનું ઉત્પાદન પણ નહીં થાય અને તેનું વેચાણ પણ નહીં થઇ શકે. સરકારની નીતિ જો યોગ્ય હશે તો ગુજરાતમાં સરકારના એક લાખના લક્ષ્યાંક સામે અઢી લાખથી વધુ વાહનો માર્ગો પર ફરતા હશે, જો કે તેના માટે પહેલાં ઇવી ચાર્જિંગ સ્ટેશન હોવા ખૂબ જરૂરી છે.