ગાંધીનગર, તા.૨૬
પશ્ચિમી ભારત તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની જમીનમાં ગરમીનું અને વરસાદનું પ્રમાણ વધી શકે છે. 2030 સુધીમાં આ બન્ને રાજ્યોમાં ગરીમીના પ્રમાણમાં બે થી ત્રણ ટકાનો વધારો થાય તેવી સંભાવના છે. એ ઉપરાંત જ્યાં રણ છે અને વરસાદ ઓછો છે ત્યાં ભવિષ્યમાં તોફાની વરસાદ થઇ શકે છે.
સસ્ટેનેબલ ટેકનોલોજી કેન્દ્ર બેગ્લોરના એક વૈજ્ઞાનિક એન.એચ. રવિદ્રનાથે કહ્યું છે કે, આ મહિનામાં જાહેર કરેલા જળવાયુ પરિવર્તનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલીક જગ્યાએ પાણીની મુશ્કેલી ઉભી થશે. મોસમના બદલાવના કારણે કૃષિ અને ખાદ્ય ઉત્પાદનમાં ઘટાડો પણ થઇ શકે છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટરના રિપોર્ટમાં પણ હવામાનમાં મોટા બદલાવના સંકેતો આપવામાં આવ્યા છે.
લેન્ડ ડીગ્રેડેશન અને ડેઝર્ટીફિકેશનએ આ બન્ને રાજ્યો માટે સૌથી મોટો પડકાર છે. જળવાયુ પરિવર્તન આવનારા વર્ષોમાં વધુ ગંભીરતા ધારણ કરી શકે છે. રવિન્દ્રનાથ અમદાવાદ યુનિવર્સિટીના ગ્લોબલ સેન્ટર ફોર એનવાયર્નમેન્ટ એન્ડ એનર્જીના ક્લાયમેટ ચેન્જ સેમિનારમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું કે આ વર્ષે રાજસ્થાન, કેરળ અને કર્ણાટકમાં પૂર જેવી ગંભીર ઘટનાઓ થઇ શકે છે. કેટલાક વિસ્તારોમાં દુકાળ પણ સર્જાઇ શકે છે.
હાલની ટેકનોલોજી અને પ્રણાલિકાઓની મદદથી વરસાદમાં વૃદ્ધિ હોવાનું અનુમાન કરી શકાય છે, પરંતુ ઓછા સમયમાં તીવ્ર વરસાદ થઇ શકે છે. રાજસ્થાનમાં વરસાદની વૃદ્ધિના કારણે પૂરની સંભાવનાઓ વધી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પૃથ્વી પહેલાથી જ 1.5 ડીગ્રી ગરમ છે અને તેની અસર ભારત અને દુનિયાના દેશોમાં જોઇ શકાય છે. જ્યાં દુષ્કાળ પડે છે, ત્યાં ભારે વરસાદથી પૂર આવે છે. ગરમીના કારણે જંગલોમાં આગ લાગે છે.
કૃષિ પર તેના પ્રભાવ અંગે તેમણે કહ્યું કે, આપણે ત્યાં જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદની સિઝન રહેતી હોય છે, જે કૃષિ વાવણી અને ઉત્પાદન માટે ઉત્તમ માનવામાં આવે છે. જો કે વરસાદની પેટર્ન હવે બદલાઇ ચૂકી છે. અપૂરતા વરસાદના કારણે પાણીની તંગી સર્જાય છે.
રવિન્દ્રનાથે કહ્યું કે વરસાદની અનિયમિતતાના કારણે ભૂગર્ભ જળ અને કુવાઓમાં રિચાર્જની વ્યવસ્થા અનિવાર્ય બની ચૂકી છે. ગામડાઓમાં પણ પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિઓનો અમલ કરવો પડશે. આવનારા વર્ષો જળસંકટનો સંદેશ આપે છે. લોકોએ જળ સંરક્ષણ માટે પારંપરિક પ્રથાઓનો અમલ કરવો જોઇએ.
અમદાવાદ યુનિવર્સિટીના પ્રોફેસર દર્શિની મહાદેવિયાએ કહ્યું કે, મહિલાઓ જમીનની માલિક હોય તે વિસ્તારમાં કૃષિ ઉત્પાદનને કોઇ અસર થતી નથી. વિશ્વસ્તર પર મહિલાઓ જમીનની માલિક હોય તો 20 ટકા લોકો ભૂખથી બચી શકે છે. જળવાયુ પરિવર્તન પર ધ્યાન આપવામાં આવે તો મહિલાઓને કેન્દ્રસ્થાને રાખવી જોઇએ કારણ કે વિકાસશીલ દેશોમાં મહિલાઓ પાસે કૃષિ કાર્યબળનો 70 ટકા હિસ્સો હોય છે.