ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રવિ ઋતુ દરમ્યાન લાલ ડુંગળી (red onion) ઉગાડતા ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓ દ્વારા તાજેતરમાં જ લાલ ડુંગળીની નવી જાત ‘ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-11” બહાર પાડવામાં આવેલી છે. જે 21 ટકા વધારે ઉત્પાદન આપે છે, બીજી ડૂંગળી કરતાં તેની તીખાશ એકદમ ઓછી જોવા મળે છે.
ગુજરાત જૂનાગઢ લાલ ડુંગળી-11 ની લાક્ષણિકતાઓ
આ જાત રવિ ઋતુમાં વાવેતર માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં હેક્ટરે ઉત્પાદન 320થી 325 ક્વિન્ટલ મળે છે જે એગ્રી ફાઉન્ડ લાઈટ રેડ, પીળીપત્તી તથા તળાજા લાલ જાત કરતા અનુક્રમે 21.57, 18.71 તથા 15.41 ટકા વધારે છે.
કંદની સરેરાશ લંબાઇ 33થી 4 સેમી અને ઘેરાવો 4 થી 5 સે.મી. છે. કંદનું સરેરાશ વજન 50થી 60 ગ્રામ હોય છે અને મધ્યમ લાલ રંગના થાય છે. મોગરા (બોલ્ટીંગ)નું પ્રમાણ ૨ થી ૩ ટકા અને બેત્તાની સંખ્યા (જોઈન્ટડ બલબ) 2 થી 4 ટકા જોવા મળે છે.
જાંબલી ધાબાનો રોગ તથા થ્રીપ્સનો ઉપદ્રવ એગ્રીફાઉન્ડ લાઇટ રેડ, પીળીપત્તી તથા તળાજા લાલ જાત કરતા ઓછો જોવા મળેલ છે. એગ્રીફાઉન્ડ લાઇટ રેડ તથા તળાજા લાલ જાત કરતા ઓછી તીખી છે.
સપ્ટેમ્બર – ઓક્ટોબરમાં તેનું વાવેતર શરૂ થઈ રહ્યું છે. અને ફેર રોપણ નવેમ્બર – ડિસેમ્બરમાં થાય છે. 15થી 20 વખત પાણી પીવડાવવું પડે છે.