બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટ વર્ગ-૩ની જગ્યાના ૨૩૦૬ ઉમેદવારો તેમ જ શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ના ૯૨ મળી ૨૫૩૧ કર્મચારીઓ વહીવટી તંત્રમાં ઉમેરાયા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અને અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે જણાવ્યું હતું કે, બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય સંવર્ગના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની આ ભરતી ગુજરાતની સૌથી મોટી ભરતી પરીક્ષા હતી. જેમાં રાજ્યના કુલ ૧૦,૪૫,૪૫૯ જેટલા ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
પ્રથમ તબક્કાની પરીક્ષા અને બીજા તબક્કામાં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટથી શરૂ કરીને અંતમાં નિમણૂક સુધીની તમામ પ્રક્રિયા સાથે પૂરી કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ નલિન ઉપાધ્યાય સહિત વિવિધ અધિકારી કર્મચારીઓ અને નવનિયુક્ત ઉમેદવારો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં દોઢ લાખ યુવાનોને રાજ્ય સરકારની નોકરી મળી છે.
ગુજરાત સરકારે ભરતી કૅલેન્ડર બનાવીને નિયત સમયમાં ભરતી પ્રક્રિયા કરી હતી. ગુજરાતમાં આશરે 600 આઇટીઆઇની આશરે 2 લાખ બેઠકો પર વિવિધ કૌશલ્યો માટે તાલીમ પ્રદાન કરવામાં આવી રહી છે.
ચાલુ વર્ષે રાજ્ય સરકારમાં 25 હજારથી વધુ યુવાનોને રોજગારી આપવાની તૈયારીઓ ચાલી રહી છે. ટેક્નૉલોજીની મદદથી સમગ્ર ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવી છે, જેમાં વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ, મોબાઈલ એપ્સ અને વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યાં છે.
હાલમાં ગુજરાતમાં 1.25 લાખ કરોડના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને આ વર્ષનાં બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 10 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતનાં દાહોદમાં 20 હજાર કરોડનાં રોકાણ સાથે રેલવે એન્જિન ફેક્ટરીનું નિર્માણ થઈ રહ્યું છે અને આગામી સમયમાં સેમીકન્ડક્ટરનું મોટું કેન્દ્ર પણ બનવા જઈ રહ્યું છે.