મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે આવેલા સી.યુ.શાહ સંસ્થા સંચાલિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં 27 પ્રજ્ઞાચક્ષુ દંપતી વસવાટ કરે છે. પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ સામાન્ય ગૃહિણીની માફક જ ઘરની તમામ જવાબદારીઓ નિભાવી રહી છે. તેમના પતિ મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા ઘડિયાળ, સિરામિક અને તેને લગતા રો-મટીરીયલ્સના કારખાનામાં કામ કરે છે.
મહિલાઓ રોજબરોજના ઘર કામ રસોઈ બનાવવી, કપડાનું સિલાઈ કામ, ઈસ્ત્રી કરવી, બાળકોને સાચવવા, એક બીજાને મદદરૂપ થવું જેવા કામ સો ટના દ્રષ્ટિ ન હોવા છતાં કરે છે.
અહીં રહેતી અંધ યુવતીઓની લગ્ન કરવાની ઉંમર થતાં તેમને સમજી શકે એવા અંધ યુવાનને શોધીને જ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર દ્વારા તેની સાથે લગ્ન કરાવી આપે છે.
પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં 27 અંધ દંપતી રહે છે. ત્રણ મહિલા દિપીકાબેન, પ્રકાશબેન અને કોકીલાબેન જન્મથી અંધ હોવાથી તેના પરિવારોએ તેને ત્યજી દીધા હતા. આ સંસ્થા દ્વારા તેમનો ઉછેર કરવાની સાથોસાથ તેમને શિક્ષણ અને જરૂરી તાલીમ આપીને પગભર કરવામાં આવી છે. પોતાના ઘર પરિવારને સારી રીતે સંભાળી રહી છે.
7 અંધ પરિવાર એવા છે કે જેમને એક થી ચાર વર્ષ સુધીના નાના સંતાનો છે, જેની દેખરેખ તેની અંધ માતાઓ તેમજ અન્ય મહિલાઓ દ્વારા જ રાખવામાં આવે છે.