[:gj]મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને ગેસમાં રાહતો જાહેર કરાઈ [:]

[:gj]મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે,

રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને ચાર જેટલી રાહતો આપી છે.

રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી.નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ-૨૦૨૦ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ ૧૦ મે સુધી વધારી આપવાનો નિર્ણય કર્યો છે.

૧૦ મેના ડ્યુ થતી રકમ હવે ૨૩ જૂન સુધી ભરી શકાશે અને આ માટે ૧૫-૧૫ દિવસના ચાર હપ્તા આપવામાં આવશે.

ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિક્સ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસમાંથી ૩ મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂન માસ માટે મુક્તિ આપવામાં આવી છે.

ગુજરાત ગેસ કંપની લિમિટેડના બિલની વિલંબિત ચુકવણી એટલે કે મોડા ભરવામાં આવે તો જે ૧૮ ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું તે હવે ૧૦ ટકા જ વસૂલ કરાશે.

રાજ્યના મોરબી, સૌરાષ્ટ્ર  સહિત દક્ષિણ ગુજરાતના નાના ઉદ્યોગો જે ગુજરાત ગેસ કંપની લિમિટેડનો ગેસ વપરાશ કરે છે તેમને હાલની લોકડાઉનની સ્થિતિમાં આર્થિક રાહત આપતા આ નિર્ણયો કર્યા છે.

નવા ઔદ્યોગિક પ્રોજેકટ્સ ગુજરાતમાં લાવીને વધુ લોકોને રોજગાર મળી રહે સાથોસાથ કામદારો-શ્રમિકોના હિતોનું રક્ષણ પણ થાય તેવી નેમ સાથે શ્રમ સુધારા લેબર રિફોર્મ્સની પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.

રાજ્યમાં નવા આવનારા પ્રોજેકટ-ઊદ્યોગોને પ્રોડકશન શરૂ કરે તેના ૧ર૦૦ દિવસ સુધી લઘુત્તમ વેતન દર-મિનીમમ વેજીસ એકટ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી રૂલ્સ તેમજ શ્રમિક અકસ્માત વળતર-કોમ્પેનસેશન એકટની જોગવાઇઓના અમલ સિવાય અન્ય એકટ્સના પ્રાવધાનથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં માત્ર વિદેશી કંપનીઓને જ નહીં પરંતુ ભારતના કોઈ પણ રાજ્યની કંપનીઓ તથા ગુજરાતના એમએસએમઇ એકમોને પણ લાભ મળશે.

સમગ્ર દેશમાંથી ગઈકાલે ચાર કલાક સુધીમાં ૩૨૭ ટ્રેનો દ્વારા જે શ્રમિકોને પહોંચાડવામાં આવ્યા છે તે પૈકી એકલા ગુજરાતમાંથી ૧૪૭ ટ્રેનો એટલે કે ૪૫ ટકા જેટલો હિસ્સો ગુજરાતનો છે. જેના દ્વારા ૨.૦૪ લાખથી વધુ શ્રમિકોને યુપી, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પહોંચાડવામાં આવી રહ્યા છે. જેમાં પીવાના પાણી, ખોરાક સહિતની તમામ સુવિધાઓ રાજ્ય વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

દેશભરમાં ૧૭મી મે સુધી લૉકડાઉનનો અમલ ચાલુ છે એટલે જે પરપ્રાંતીયો વતન જવા ઈચ્છતા હશે તે તમામને પહોંચાડવાની જવાબદારી ગુજરાત સરકારની છે એટલે આપ સૌ એ સહેજ પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આ એક લાંબી પ્રક્રિયા છે એટલે આપે માત્ર ધીરજ રાખીને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સહયોગ આપવાની અત્યંત જરુરિયાત છે. તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં જે ટ્રેનો દ્વારા શ્રમિકોને પહોંચાડવામાં આવ્યા છે તેમાં યોગ્ય સોશિયલ ડીસ્ટન્સીગ સાથે તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પૂરી પાડી છે આ વ્યવસ્થા આગામી સમયમાં પણ ચાલુ રહેશે.

વિદેશથી ગુજરાતના યાત્રિકોને પરત લાવવા સંદર્ભે સચિવ શ્રીએ જણાવ્યું હતું કે આવતીકાલ ૧૦મીથી સિંગાપુર, ફિલિપાઇન્સ, યુએસએ, યુકે અને કુવૈતમાંથી તબક્કાવાર ફ્લાઇટનું અમદાવાદ ખાતે લેન્ડિંગ થશે. જેમાં વિદ્યાર્થીઓ સહિત ૧૦૯૯ યાત્રિકો આવશે. ૧૦મી મે બપોરે ૩.૩૦ કલાકે સિંગાપુર થી અમદાવાદ આવતી ફ્લાઈટમાં ૨૪૩ યાત્રિકો, ૧૧ મે રાત્રે ૧.૩૦ કલાકે ફિલીપાઈન્સથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં ૨૪૩ યાત્રિકો, ૧૨મી મે વહેલી સવારે ૪.૦૫ કલાકે અમદાવાદ લેન્ડ થતી ફ્લાઈટમાં ૧૪૭ યાત્રિકો, ૧૩મી મે રાત્રે ૧.૪૫ કલાકે યુ.કે.થી અમદાવાદ આવતી ફ્લાઈટમાં ૩૧૭ અને ૧૪મીએ રાત્રે ૧૧.૧૫ કલાકે કુવૈતથી ૧૪૯ યાત્રિકો સાથે ફ્લાઈટ અમદાવાદ આવશે. અલગ-અલગ દેશોમાંથી અમદાવાદ આવનાર તમામ યાત્રિકોનું એરપોર્ટ પર જ થર્મલ સ્ક્રીનીંગ સહિતનું જરૂરી મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્સ્ટિટ્યૂશનલ કોરેન્ટાઈન કરવા સહિતની તમામ વ્યવસ્થાઓ રાજ્ય વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે[:]