ગુજરાતની પોલીસ મગર અને કાચબા જેવું કામ કરી રહી છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બહાર આવ્યું છે. ગાંધીનગરની સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા 8 વર્ષ પછી જાહેર કરાયું છે કે, વડોદરાની ગાયકવાડ પ્લાન્ટેશન લિમિટેડ કંપની દ્વારા રાજ્યના રોકાણકારોને લાલચ આપી નાણા એકત્રિત કરી છેતરપીંડી આચારી હોવાની ફરીયાદ મળી છે. કોઈ ગાંધીનગર ખાતે 9537578868 ફોન નંબર પર સંપર્ક કરી શકે છે. આ કૌભાંડતો ખરેખર 1992માં શરૂં થયું હતું અને 2011માં જાહેર થયું હતું. કૌભાંડ શરૂ થયું તેના 27 વર્ષ અને જાહેર થયાને 8 વર્ષ પછી હવે ગુજરાત પોલીસ વધારે વિગતો મેળવી રહી છે.
રૂ.1 હજારના સાગના એક વૃક્ષમાં રોકાણ કરી 17 વર્ષે રૂ.1 લાખ આપવાની લોભામણી જાહેરાત 1992માં જાહેરાતો વડોદરાના ગાયકવાડ પ્લાન્ટેશન કંપનીના સંચાલકોએ કરી હતી. ત્યારે 2011માં લોકો પૈસા લેવા ગયા ત્યારે કંપનીએ 17 વર્ષ પછી કહ્યું કે હાલમાં તમારા એક વૃક્ષની બજાર કિંમત રૂ.750 છે, એક લાખ નથી. તેથી તમને એક લાખ નહીં મણે જોઈતા હોય તો રૂ.750 લઈ જાઓ.
વડોદરા, અમદાવાદ, સુરત,રાજકોટ, કચ્છ-ભૂજ, ખેડા, મહેસાણા, વડતાલ અને મુંબઈ સહિત રાજ્યભરના હજારો રોકાણકારોને તેમના રૂ.1000ના રોકાણ સામે 17 વર્ષ બાદ માત્ર રૂ.750 અને કંપનીના બોનસ સાથે માત્ર રૂ.1500 આપતી હતી. 19 માર્ચ 2011માં સંચાલકો સામે વડોદરાની ગ્રાહક અદાલતમાં દાવો થતાં તેઓ ભુર્ગભમાં ઉતરી ગયા હતા. કંપનીના કર્મચારીઓએ એવો દાવો કર્યો હતો કે, વડોદરા રિફાઈનરી કંપની ફાર્મહાઉસની બાજુમાં આવી જતાં સાગના ઝાડનો વિકાસ થયો નથી માટે તેની કિંમત નજીવી છે.
તેઓએ તેમની કંપનીમાં ઝાડમાં રોકાણની યોજનાને આવક વેરામાંથી મુકિત મળી હોવાનું જાહેર કર્યું હતું. 1992માં સાગના લાકડાનો ભાવ એક ઘનફૂટનો રૂ.1,000 હતો. 17 વર્ષ પછી 2009માં અનેકગણો વધશે તેવો વિશ્વાસ આપી રોકાણકાર 10,000 ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના પેરેડાઈઝ કોમ્પ્લેકસમાં ગાયકવાડ પ્લાન્ટેશન લી. કંપનીની ઓફિસ હતી. જેના મુખ્ય પ્રમોટર દગિ્વિજયસિંહ ગાયકવાડ, કમલેશ પટેલ અને યશોધન ગાયકવાડ હતા. ઈ.સ.1992માં ગાયકવાડ પ્લાન્ટેશન કંપનીએ જાહેરાત કરી હતી કે વડોદરાના દુમાડ નજીક ગણપતપુરા ખાતે મોટા પાયે સાગના વૃક્ષોનો ઉછેર કર્યો છે. 17 વર્ષ પછી સાગના કિંમતી વૃક્ષો કાપી તેને વેંચી નાણાં આપવાની કંપનીની યોજના છે. તે માટે વીમો પણ ઉતરાવેલો છે.
નિલેશભાઈ ઉગ્લે સહિતના રોકાણકારોએ એક સંગઠન બનાવી ગ્રાહક અદાલતમાં ઝવેર પટેલે ફરિયાદ કરી હતી. વડોદરા, સૂરત અને અમદાવાદના 18 રોકાણકારોને પક્ષકારો બનાવીને એક વૃક્ષના રૂ.1 લાખ, વ્યાજ, વેદના, ખર્ચના વળતરની માંગણી કરી હતી.
જોકે, 300 રોકાણકારો એવા હતા કે તેમણે એક વૃક્ષનો રૂ.1500ના ચેક સ્વિકારી લીધા હતા. રૂ.1 કરોડ આપી દેવા માટે પ્રમોટરોએ બધાને પોતાની કચેરીએ બોલાવ્યા હતા પણ પછી તે પોતે જ આવ્યા ન હતા. જોકે કંપનીના સંચાલકો 2011 પહેલાં 2 વર્ષથી આવ્યા ન હતા. અસલ પાવતીઓ પણ તેમના સ્ટાફ દ્વારા પરત મેળવી લેવામાં આવી હતી. વડોદરા ગ્રાહક સુરક્ષા મંડળના મોન્યુભાઈ પંડ્યાએ આ અંગે પોલીસ તપાસની ત્યારે માંગણી કરી હતી. હવે ગુજરાત પોલીસ તપાસ કરવા માટે વિગતો મંગાવી છે.