હિંમતનગર, તા.૧૭
હિંમતનગર તાલુકાના કેનપુર -બેવંટા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલ આરસીસી રોડ પર એક મહિનામાં કેટલીક જગ્યાએ તકલાદી બની જતા રોડની કામગીરીમાં વપરાયેલ મટીરીયલની ગુણવત્તા બાબતે અંગુલિ નિર્દેશ થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા હાથ ધરાયેલ સ્થળ તપાસ દરમિયાન તાજા કામ દરમિયાન થયેલ વરસાદને કારણે 5 થી 10 મીટરમાં નુકસાન થયાનુ જણાવાઇ રહ્યુ છે.
એકાદ માસ અગાઉ રૂ.29 લાખના ખર્ચે બનાવેલ આ આરસીસી રોડમાં કેટલીક જગ્યાએ આંગળીથી ખોતરીને ખાડો પાડી શકાય છે. કેનપુર ગામના વિક્રમસિંહ પરમાર અને સુરેશભાઇના જણાવ્યાનુસાર કોન્ટ્રાક્ટર દ્વારા હલકુ મટીરીયલ વાપરી તકલાદી કામ કરાયુ છે. રોડમાં તિરાડો પણ પડી ગઇ છે. રોડની સાઇડોમાં પ્રોટેક્શન પુરાણ વગેરે કરાયુ નથી. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે. જિ.પં. બાંધકામ વિભાગના ડી.ઇ.જે.ડી.પટેલે જણાવ્યુ કે સ્થળ તપાસ કરાઇ છે. પાંચથી દસ મીટર જેટલા રોડને વરસાદને કારણે નુકસાન થયુ હોય તેમ જણાય છે અને કોન્ટ્રાક્ટર પાસે આની મરામત કરાવી દેવાશે. બાકીના રોડને નુકસાન થયુ હોય તેમ જણાતુ નથી.