ગુજરાતમાં 2019માં ચોમાસામાં 4 વાવાઝોડાં ત્રાટકેલા

ગાંધીનગર, 3 નવેમ્બર 2019

ગુજરાતના દરિયાકિનારે એક જ સિઝનમાં ચાર વાવાઝોડા આવ્યા હોવાની પહેલી ઘટના બની છે. મોસમ બદલાઇ રહી છે જેનું કારણ ક્લાયમેટ ચેન્જ છે. મોડું શરૂ થયેલું ચોમાસુ આ વખતે લાંબુ ચાલ્યું હોવાથી ખરીફ સિઝનના પાકને મોટી અસર થઇ છે.

વાયુ વાવાઝોડાથી ચોમાસુ મોડુ શરુ થયુ

2019ના વર્ષમાં વાયુ નામના વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આપ્યો હતો, જો કે આ વાવાઝોડું ઓમાન તરફ સરકી જતાં રાજ્યમાં ભારે નુકશાન થયું ન હતું પરંતુ ચોમાસાની સિઝન મોડી શરૂ થઇ હતી.

આ વર્ષે ચોમાસાના મધ્ય ભાગમાં હીકા નામનું વાવાઝોડું આવ્યું હતું, જો કે આ વાવાઝોડું પણ દરિયામાં સમાઇ ગયું હતું પરંતુ તેણે વ્યાપક વરસાદ આપ્યો હતો. ચોમાસાની વિદાય સમયે ક્યાર નામનું વાવાઝોડું ગુજરાતના દરિયામાં સ્થિર થયું હતું. આ વાવાઝોડું જો ગુજરાત તરફ ફંટાયું હોત તો ભારે નુકશાન થવાની ભિતી હતી પરંતુ તે ઓમાનના દરિયાકાંઠે ત્રાટક્યું હતું જેથી ગુજરાતમાં દિવાળીના સમયમાં વરસાદ આપી ગયું છે. રાજ્યમાં આ વર્ષે વિક્રમજનક વરસાદ થયો છે.

માછીમારોને દરિયો ન ખેડવા સુચના

ક્યાર નબળું પડ્યા પછી હવે મહા વાવાઝોડાના કારણે ગુજરાત સરકાર એલર્ટ બની ચૂકી છે. જો કે હવામાન વિભાગની આગાહી છે કે આવનારા બે દિવસમાં આ વાવાઝોડું નબળું પડવાની શક્યતા હોવાથી ગુજરાતને વધુ નુકશાન કરશે નહીં તેમ છતાં દરિયાકિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના મહેસૂલ વિભાગે જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યા છે.

તંત્ર એલર્ટ

રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું છે કે મહા વાવાઝોડાના કારણે ગુજરાત સરકારે તકેદારીના પગલાં લીધા છે અને વાવાઝોડાની દિશા પર નજર રાખવામાં આવી રહી છે. જો આ વાવાઝોડાની તીવ્રતા વધે અને ગુજરાત તરફ ફંટાય તો ભારે નુકશાન થવાની ભિતી હોવાથી જિલ્લા કલેક્ટર સહિત કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે મહા વાવાઝોડું સિવિયર સાયક્લોન બની રહ્યું છે પરંતુ તેની દિશા તરફ મોસમ વિભાગની નજર છે. 6 થી 8 નવેમ્બરે દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ થઇ શકે છે જે ખેતીના ઉભા પાકને ભારે નુકશાન કરી શકે છે.

અમદાવાદમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના

આગાહી મુજબ,દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દમણ,દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ,બોટાદ,દ્વારકા,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.જ્યારે દોહાદ,મહિસાગર,પંચમહાલ,આણંદ,ખેડા,અમદાવાદ સહિતના વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં 70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

મહા વાવાઝોડાની ઝડપમાં વધારો, વેધર વોચ ગૃપની બેઠક

આગાહી પ્રમાણે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડું ઝડપથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની ઝડપમાં બે દિવસમાં બમણો વધારો થયો છે. કયાર’ બાદ ‘મહા’ વાવાઝોડાની ગુજરાતમાં આવવાની શક્યતા સંદર્ભે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રૂપની બેઠક યોજાઈ હતી, જેમાં જણાવાયું હતું કે, કેન્દ્ર સરકારની એડવાઇઝરીની રાહ જોવાઈ રહી છે અને એ પછી જ ચક્રવાતની દિશા સ્પષ્ટ થઈ શકશે.

‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળુ પડશે

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે,  ‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળું પડશે. 4થી નવેમ્બરથી 7મી નવેમ્બર સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે કે નહીં તેની આગાહી અમે હાલ પૂરતી નથી કરી રહ્યા પરંતુ અમે માછીમારોને ગુજરાતના દરિયામાં દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલમાં વેરાવળથી 540 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે સક્રિય છે. ચોથી નવેમ્બર બાદ વાવાઝોડું ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે પરંતુ તે ગુજરાત તરફ આવતાં નબળું પડશે.

વાવાઝોડાંના નામ ક્યારથી શરૂ થયાં

1950 પહેલા વાવાઝોડા અને હરિકેન વર્ષમાં તારીખ પ્રમાણે ઓળખવામાં આવતા ત્યારબાદ 1953 માં અમેરિકાએ વાવાઝોડાના નામ આપવાનું શરૂ કર્યું હતું. દરેક વાવાઝોડાને નારી જતી તરીકે ગણી સ્ત્રીવાચક નામ આપવામાં આવ્યા હતા પરંતુ 1978માં પુરુષવાચક અને સ્ત્રીવાચક એમ બન્ને નામ આપવા આવ્યા હતા. સમુદ્ર અને જમીન પરના એમ બે વાવાઝોડાં હોય છે પરંતુ સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાંને નામ આપવામાં આવે છે.

વિશ્વમાં વાવાઝોડું, હરિકેન કે ટાઇફુન ક્યા વિસ્તારમાંથી ઉદ્ધભવે છે તે પ્રમાણે તેના નામ આપવામાં આવે છે. ભારતમાં એટલાંટિક મહાસાગરમાં હરિકેન અને પેસિફિક મહાસાગરમાં ટાઇફુન તરીકે ઓળખાય છે. વાવાઝોડાંના નામ જે તે સમુદ્ર વિસ્તારમાં આવતા દેશોની લોકલ હવામાન સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. ભારત ઉપખંડના સમુદ્રમાં ઉદ્દભવતા વાવાઝોડાને નામ આપવાનું કામ 2004 થી શરૂ કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં આવેલી આરએસએમસી સંસ્થા દ્વારા સભ્ય દેશો બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓમાન, માલદીવ,મ્યાનમાર અને શ્રીલંકાના સહયોગથી નક્કી કરવામાં આવે છે.