અમદાવાદ, 17 મે 2020
કોરોના વાયરસ કોવિડ-19ના અમદાવાદ મહાનગરમાં વધતા વ્યાપને પગલે સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી આગામી 15 દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સમાં સરકારે આખરી ઓપ આપ્યો હતો. તુરંત કામગારી હાથ ધરાશે. જેમાં સિટી બસનો ઉપયોગ કરાશે.
40 મોબાઇલ મેડીકલ વાન – ધનવંતરી રથ સાથે ટીમો બનાવીને મધ્ય ઝોનના 6, દક્ષિણ ઝોનના 2, પૂર્વઝોનનો 1 અને ઉત્તર ઝોનના 1 એમ 10 વોર્ડસના 160 સ્થળોએ સઘન આરોગ્યલક્ષી ઝૂંબેશ શરૂ કરાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં જઈને નાગરિકો-લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા આપશે. સામાન્ય બિમારી વાળા વ્યકિતઓને પણ સારવાર આપશે. કોરોના શંકાસ્પદ વ્યકિતઓના ટેસ્ટીંગ-આરોગ્ય તપાસમાં આક્રમકતા આવશે.
કોમોરબીટ અને હાઇરીસ્ક વાળા વ્યકિતઓના ટેસ્ટીંગ પર ફોકસ કરવા સાથે સામાન્ય શરદી, તાવના લક્ષણો ધરાવતા લોકોને દવા-સારવાર આપવામાં આવશે.
ટૂકડીમાં એક એલોપેથી ડૉકટર, એક આયુષ તબીબ, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ અને પેરામેડીકલ સ્ટાફની સમગ્ર ટીમ સાથેની મોબાઇલ મેડીકલ વાન સતત 15 દિવસ દરેક વાન રોજ 2 કલાક પ્રમાણે રોજના 4 લોકેશન પોઇન્ટ પર રહેશે. સવારે 8 થી સાંજે 5 સુધી લોકેશન વિસ્તારના દર્દીના ફોલોઅપથી તેઓ પરિચિત રહી શકે અને જરૂર જણાયે આગળની સારવારમાં મદદરૂપ થઇ શકે.
નાગરિકો-લોકોમાં પણ ઇમ્યૂનિટી બુસ્ટ અપ-રોગ પ્રતિકારકશકિત વધારતી હોમિયોપેથી દવાઓ-આયુર્વેદ દવાઓનું વિતરણ કરવામાં આવશે.
કોરોનામુકત અમદાવાદ બને તે માટે ‘‘મારો વોર્ડ કોરોનામુકત વોર્ડ’’ના સંકલ્પ સાથે કન્ટેનમેન્ટ ઝોનને સંપૂર્ણપણે કોરોનામુકત કરવા માટે જે-તે વિસ્તારના કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો તેમજ સેવાભાવી સ્વૈચ્છિક સંગઠનો તે ઝોન-વિસ્તારના લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે આરોગ્ય પરિક્ષણ માટે આ મેડીકલ વાન સુધી લઇ આવશે.
સંકલન માટે ઔડાના સી.ઇ.ઓ અને સનદી અધિકારી અતુલ ગોરને જવાબદારી સોંપવામાં આવી છે.
ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, સત્તાપક્ષના નેતા તેમજ અમદાવાદ શહેરમાં કોરોના નિયંત્રણ કામગીરી માટે ખાસ નિયુકત થયેલા અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને તમામ નાયબ મ્યુનિસીપલ કમિશનરો, ઝોનલ હેલ્થ ઓફિસરો સાથે વિસ્તૃત વિડીયો કોન્ફરન્સીંગ યોજીને ‘કન્ટેનમેન્ટ મુકત ઝોન-કોરોનામુકત વોર્ડ’ની દિશામાં સક્રિયતાથી આગળ વધવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાકીદ કરી હતી.