400 પૂર્વ ધારાસભ્યો વર્ષે રૂ.20 કરોડનું આજીવન નિવૃત્તિ વેતન માંગી છે, પણ લોકો નહીં આપવા દે

ગાંધીનગર : ધારાસભ્યોને પેન્શન આપવાનો મુદ્દો ગુજરાતમાં હંમેશા ચર્ચાસ્પદ રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય (એક્સ એમ.એલ.એ.) કાઉન્સિલની ૨૪મી સામાન્ય સભા ગાંધીનહરમાં મળી તેમાં ફરી એક વખત રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની પેન્શન વધારાની સરકાર સમક્ષ માંગણી પડતર છે તેનો અમલ કરવામાં આવે. પણ સરકાર પેન્શન માટે વિલંબ કરી રહી છે. પ્રક્રિયા લંબાવવાના બદલે તેની જાહેરાત કરી દેવી જોઈએ. સરકાર પેન્શન મંજૂર કરે તે માટે ફરી એક વખત આવેદનપત્ર આપવામાં આવશે. ગુજરાતના પૂર્વ ધારાસભ્યો હવે આક્રમક બનીને પોતાને વધારે સવલત મળે તે માટે સરકાર પર દબાણ વધારી રહ્યાં છે.

બીજા રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે તો ગુજરાતમાં કેમ આપવામાં આવતું નથી. ગુજરાતના તમામ સાંસદોને પેન્શન મળે છે. તો ધારાસભ્યોને કેમ નહીં. એવો સવાલ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

બેઠકના એક સભ્યએ કહ્યું હતું કે, વિધાનસભામાં ધારાસભ્યોએ પગર વાધારો કરવો હતો તો  બન્ને પક્ષ ભાજપ અને કોંગ્રેસે કરી લીધો હતો. તો પછી પૂર્વ ધારાસભ્યોને કેમ પેન્શન આપવામાં આવતું નથી. તુરંત આપો. જોકે, બીજા રાજ્યોમાં ધારાસભ્યોને પગાર આપવામાં આવે છે તે ગુજરાતમાં ઘણો ઓછો પગાર છે. સાંસદોના પ્રમાણમાં 4થા ભાગનો પગાર ગુજરાતમાં અપાય છે.

ગુજરાત એક્સ એમ.એલ.એ. કાઉન્સિલની ૪૬મી કારોબારી તથા ૨૪મી સામાન્ય સભા કાઉન્સિલના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ મેઘજીભાઈ શાહના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં  પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ, દિલીપ સંઘાણી, વાડીલાલ પટેલ સહિત પૂર્વ ધારાસભ્યો હતા.

400 પૂર્વ ધારાસભ્યો

ગુજરાતમાં કૂલ 1200 જેટલાં ધારાસભ્યો ચૂંટાયા હતા. જેમાં હયાત હોય એવા 400ની અંદર  ભૂતપૂર્વ ધારાસભ્યો સમગ્ર રાજ્યમાં છે. કેટલાંક પૂર્વ સભ્યો માટે ખરાબ આર્થિક સ્થિતી છે, જેમાં તેમને જીવન જીવવમાં મદદ મળી શકે એવી તેમની લાગણી હતી. આ માટે ગુજરાત વિધાનસભામાં કાયદો પસાર કરવો જોઈએ. જેમને પેન્શન લેવું હોય તે લે અને જે પેન્શન લેવા માંગતા ન હોય તે ન લે. જે પૂર્વ ધારાસભ્યોને આપવું હોય તેને સરકાર આપે. એવી જોગવાઈ કાયદામાં કરવી જોઈએ. કેટલાંક પૂર્વ ધારાસભ્યો એવા છે કે જેમને ખરા અર્થમાં આર્થિક મદદની જરૂર છે.

લોકોનો વિરોધ

રાજકારણીઓને નિવૃત્તિ વેતન ન આપવું જોઈએ એવી મત પ્રબળ છે.  તેઓ ધારાસભ્ય હોય છે ત્યારે તેમને સારો એવો પગાર મળતો હોય છે. હાલ રૂ.1.25 લાખ જેટલો પગાર મળે છે. એક મત એવો પણ છે કે પાંચ વર્ષ માટે પ્રજાએ જેમને ચૂંટી કાઢ્યા હોય છે. તેમને પગાર પણ આપવો ન જોઈએ, તેમને સરકારી કોઈ સુવિધા પણ આપવી ન જોઈએ. કારણ કે તે અધિકારી નથી તે પ્રજાના પ્રતિનિધિ છે. પ્રજા તેને પાંચ વર્ષ ચૂંટીને મોકલે છે, જો સેવા ન કરવી હોય તો ચૂંટણી ન લડવી જોઈએ. તેથી પેન્શન કોઈ સંજોગોમાં મળવું ન જોઈએ, એવું ગુજરાતનો મોટો વર્ગ માની રહ્યો છે. જેમની આર્થિક સ્થિતી ખરાબ હોય તેમને સરકારે વૃદ્ધ નાગરિકોને અપાતી સહાય કે અન્ય ખાસ વ્યવસ્થા કરવી જોઈએ પણ તેમને પેન્શન તો ન જ આપવું જોઈએ.

20 હજાર આપો

સરકાર સમક્ષ પડતર માંગણી છે કે, રૂ.10થી રૂ.20 હજારનું પેન્શન આપવામાં આવે. જે લોકસભાના સભ્યને આપવામાં આવે છે તે નીતિ પ્રમાણે આપવામાં આવે. સરકારે લોકસભાના ધોરણે મહિને રૂ.10 હજારથી રૂ.20 હજાર પ્રમાણે પેન્શન આપવું જોઈએ. લોકસભાના પૂર્વ સભ્યને 1991થી પેન્શન આપવામાં આવી રહ્યું છે તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને કેમ નહીં ? આ માટે વર્ષે રૂ.10થી 20 કરોડનો બોજ વર્ષે પડે છે.

તો રાજાઓના સાલીયાણા કેમ બંધ કર્યા

જો પૂર્વ રાજાઓના સાલીયાણા બંધ થઈ શકતાં હોય તો પછી પૂર્વ ધારાસભ્યોને કઈ રીતે પેન્શન આપી શકાય ? એવો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવી રહ્યો છે. નેશનલ કાઉન્સિલના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ દનીચાએ પેન્શન તથા અન્ય સવલતો અન્ય રાજયોની જેમ ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને મળે તે માટે પહેલી માંગણી કરી ત્યારે પણ આ જ સવાલ સામે આવ્યો હતો. કે સરદાર પટેલે જેમના માટે સાલીયાણા આપવાનું વચન આપ્યું હતું તે બંધ કરી દેવામાં આવ્યું હતું.

1997થી પેન્શનની માંગણી

1997માં કાઉન્સિલની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીની ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગણી હંમેશ થતી રહી છે. તેનો ગુજરાતના લોકો વિરોધ કરતાં આવ્યા છે. શંકરલાલ ગુરુએ પેન્શનને ધારાસભ્યનો હક્ક તરીકે ગણ્યો હતો. પ્રથમ વિધાનસભામાં નડિયાદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યપદ મટી ગયા પછી કાઉન્સિલના સભ્ય બન્યા હતા અને તેઓ નિવૃત્તિ વેતનની વિરૂદ્ધમાં હતા. એમણે તો તેના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં બે વાર જાહેર ઉપવાસ કર્યા હતા. પેન્શન માંગનાર અને તેના વિરોધ કરનારા એક જ પક્ષના હતા. જે પક્ષ ભાઈકાકાનો સ્વતંત્ર પક્ષ હતો. હવે તો ભાજપ, કોંગ્રેસ અને બીજા પક્ષના ધારાસભ્યો નિવૃત્તિ વેતન માટે માંગણી કરી રહ્યા છે.

ભ્રષ્ટાચારથી નાણાં મેળવેલા હોય તેમની સામે મૌન

આઝાદી સમય પછી 5 વિધાનસભા સ્વચ્છ ધારાસભ્યોની રહી ત્યાર પછી ભ્રષ્ટ ધારાસભ્યોની વિધાનસભા બનતી રહી છે. પાંચ વર્ષ ધારાસભ્ય રહે એટલે જીવનભાર, પેઢી દર પેઢી ચાલે એટલું ધન કમાઈ લે એટલો ભ્રષ્ટાચાર કેટલાંક ધારાસભ્યો કરે છે. બીજી ચૂંટણીમાં ઊભા રહે ત્યારે આગળના વર્ષ કરતાં બે ગણી મિલકત જાહેર કરે છે. પણ કાળા નાણાની મિલકતો તેના કરતાં 100 ગણી વધી હોય છે તે ઘણાં જાહેર કરતાં નથી. જો પૂર્વ ધારાસભ્ય કાઉન્સીલે પહેલી માંગણી કરી હોત તો જે ભ્રષ્ટાચાર કરીને પૂર્વ ધારાસભ્ય બન્યા છે તેમની મિલકતની તથા તેમની સામે ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે અને તેમની પાસેથી જે નાણાં મળે તેનું પેન્શન આપવામાં આવે, તો ગુજરાતના લોકો બાબુભાઈ શાહ અને જયનારાયણ વ્યાસની માંગણી સ્વીકાર કરત. પણ આવી માંગણી તો ક્યારેય થઈ નથી. એવો એક મત નાગરિકો વ્યક્ત કરી રહ્યાં છે.

મહેન્દ્ર મશરૂ

જૂનાગઢની  બેઠક પ્રારંભે અપક્ષ પાછળથી ભારતીય જનતા પક્ષની બેઠક પર ચૂંટાઈ આવ્યા પગાર માટે  દર મહિને માત્ર એક રૂપિયો લેતા આવ્યા હતા. તેઓ પગારનો વિરોધ કરતાં રહ્યાં હતા. સાથે તેમણે પેન્શન ન લેવાનું પણ નક્કી કર્યું છે.

શંકરલાલ ગુરૂ

‘ગુજરાત એક્સ એમ.એલ.એ કાઉન્સિલ’ની 1997માં સ્થાપના થઈ ત્યારથી આજીવન અધ્યક્ષ તરીકે શંકરલાલ ગુરુ – શંકરભાઈ મોહનલાલ પટેલ – રહ્યાં હતા. રાજકીય અને સહકારી ક્ષેત્રમાં રહ્યા હતા. સ્વતંત્ર પક્ષના ઊંઝા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા.

બીજી માંગણી

મફત દવાની માંગણી, 20 હજાર કિમીની રેલ્વેની મફત મુસાફરી, એસ ટીમાં મફત મુસાફરી જેવા માંગણી તો છે જ.

શંકરલાલ ગુરૂ
મહેન્દ્ર મશરૂ
khabarchhe.com